• ગુરુવાર, 18 જૂન, 2026

દુનિયામાં સંસાધન નહીં, ભરોસાનો અભાવ: મોદી

G-7નાં આઉટરીચ સત્રમાં ટ્રમ્પ સામે જ મોદીએ ઉઠાવ્યો ખલાસીઓની સુરક્ષાનો મુદ્દો: ટ્રમ્પે કહ્યું, ભારત ઉપર હુમલો થાય તો અમેરિકા ભારતની સાથે

દોઢ વર્ષ કરતાં વધુ સમય બાદ મોદી-ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષી બેઠક: ટ્રમ્પે ભારતની યાત્રા કરવાં ઈચ્છા દર્શાવી

નવીદિલ્હી,તા.17: ફ્રાન્સમાં જી-7 શિખર સંમેલનનાં આઉટરીચ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં કહ્યું હતું કે, દુનિયામાં આજે સંસાધનોની કોઈ કમી નથી બલ્કે ભરોસાનાં સંકટ સામે દુનિયા ઝઝૂમે છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ સમુદ્રી માર્ગોની સુરક્ષાની ખાતરી કરવા ઉપર ભારત મૂકતા ભારતીય ખલાસીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ઈરાન-અમેરિકાનાં ટકરાવમાં ત્રણ ભારતીય નાવિકોનાં મૃત્યુ તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે, જે લોકો દરિયાઈ માર્ગેથી વૈશ્વિક વેપાર ચલાવે છે તેમની સુરક્ષા પણ સુનિશ્ચિત થવી જોઈએ. આ સત્ર બાદ વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આશરે દોઢ વર્ષનાં લાંબા ગાળા બાદ દ્વિપક્ષીય બેઠક થઈ હતી. જેમાં ટ્રમ્પે ભારત અને અમેરિકાની વેપાર સંધિ બહુ જલ્દી સાકાર થશે તેવી ધરપત આપવા સાથે ભારતનો પ્રવાસ કરવાની ઈચ્છા પણ પ્રગટ કરી હતી.

દ્વિપક્ષીય બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે, જો ભારત ઉપર ક્યારેય હુમલો થશે તો કોઈ સમજૂતી હોય કે ન હોય, તેમ છતાં અમેરિકા ભારતની સાથે ઉભું રહેશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, મોદી આમ શાંત છે પણ પોતાની શરતો મનાવવા માટે સખત છે. જ્યાં સુધી મોદી હશે ત્યાં સુધી દુનિયામાં ભારતની મોટી ભૂમિકા રહેવાનું નિશ્ચિત છે. ટ્રમ્પે કહ્યું હતું કે મોદી કુશળ વાર્તાકાર છે. તેઓ દેખાવમાં સુંદર છે, એટલા સારા દેખાય છે કે જાણે કોઈ ફરિશ્તા છે, જો કે અસલમાં તેઓ જેટલા સખત છે તેટલા જ ખતરનાક પણ છે. આવા ખૂબ ઓછા માણસો હોય છે.

મોદી સાથેની વાટાઘાટો વિશે ટ્રમ્પે કહ્યું હતું કે, જી-7માં ઘણી સારી બેઠકો થઈ અને તેમાં પણ ખાસ કરીને મોદી સાથે સારી વાતચીત થઈ છે. અમેરિકા અને ભારત વેપાર સંધિ કરી રહ્યાં છે. ભારત અને અમેરિકા વચ્ચે ઘણું થઈ ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદી લાંબા સમયથી મારા મિત્ર રહ્યાં છે અને અમારા સંબંધો સારા છે. ભારતીય નાવિકોનાં મૃત્યુ મુદ્દે દુ:ખ વ્યક્ત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, આ વિશે તેમને જાણકારી મળી છે અને આનાં ઉપર કામ ચાલી રહ્યું છે.

 મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જી7 નેતાઓને કહ્યું હતું કે દેશો વચ્ચે ભાગીદારીનું ભવિષ્ય વિશ્વાસને ફરીથી મજબૂત કરવા ઉપર નિર્ભર રહેશે.

જી7માં ‘નવી ભાગીદારીઓ અને આંતરરાષ્ટ્રીય એકજૂથતાને ફરીથી મજબૂત કરવી’ વિષય ઉપરનાં સત્રને સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં સંકટને ખતમ કરવાના પ્રયાસોનું સ્વાગત કર્યું હતું. તેમણે હોર્મુઝની સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ સંઘર્ષમાં ભારતીય નાવિકોના સહિત ઘણા ભારતીયોનાં મૃત્યુ થયાં છે. પીએમએ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા બહાલ કરવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો.

પીએમ મોદીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓ અને વૈશ્વિક એકતા ત્યારે જ સાર્થક બને છે જ્યારે પડકારોનો સામનો મળીને કરવામાં આવે. ભારતનો દ્રઢ વિશ્વાસ છે કે દુનિયાના અલગ અલગ હિસ્સામાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષનું સમાધાન માત્ર સંવાદ, કૂટનીતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગથી જ સંભવ છે.

મોદીએ આગળ ઉમેર્યું હતું કે આજની દુનિયા પહેલાં કરતા વધારે પરસ્પર જોડાયેલી છે અને એકબીજા ઉપર નિર્ભર છે. કોઈપણ દેશની ઊર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય સુરક્ષા, સાઈબર સુરક્ષા અને આર્થિક વૃદ્ધિ માત્ર દેશની સરહદની અંદર નક્કી થતી નથી. લોકોની અવરજવર, ડેટા, મૂડી અને ટેક્નોલોજી જેવી વસ્તુઓ પૂરી દુનિયાને એકબીજા સાથે જોડે છે. આ કારણે પડકારોનું સમાધાન પણ સાથે મળીને જ શોધવું પડશે.

કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું હતું કે, ભારતે 150થી વધારે દેશોને દવા અને રસી ઉપલબ્ધ કરાવી હતી. ભારતનું માનવું છે કે ભાગીદારીની સાચી પરીક્ષા બીજા માટે શું બનાવો છો તે નહીં પણ બીજાને પોતાના માટેનું નિર્માણ કરવા કેટલા સક્ષમ બનાવો છો તેના ઉપર નિર્ભર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક