• બુધવાર, 17 જૂન, 2026

ચીન, જાપાન અને ઇન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ

પાલૂ, તા. 16 : ઇન્ડોનેશિયાના સુલાવેશી દ્વીપમાં આવેલા 6.7ની તીવ્રતાના ખૂબ જ શક્તિશાળી ભૂકંપે પૂરા વિસ્તારને ધ્રુજાવી દીધો હતો. આ ભૂકંપનાં કારણે મધ્ય સુલાવેસી પ્રાંતની રાજધાની પાલૂ અને આસપાસના વિસ્તારમાંથી વ્યાપાક નુકસાનના અહેવાલ સામે આવ્યા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકો ડરનાં કારણે ઘર અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા અને ખુલ્લા મેદાન તરફ ભાગ્યા હતા. આ ઉપરાંત ચીન અને જાપાનમાં પણ 6.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જેમાં 1નું મૃત્યુ થયું હતું અને ચારને ઈજા પહોંચી હતી.

ઈન્ડોનેશિયામાં ભૂકંપને ધ્યાને રાખીને સુરક્ષની દૃષ્ટિએ પાલૂ શહેરની ઘણી હોસ્પિટલમાં દર્દીઓને તરત જ સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતા. શહેરમાં તાકીદે હોટલો પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. કહેવાય છે કે આ ભૂકંપમાં ઘણી ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું. શહેરના ઘણા ભાગમાં છત પડવા, દીવાલોમાં તિરાડ અને સડકો ઉપર કાટમાળ વિખેરવાની ઘટના બની હતી. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર આ ભૂકંપ પાલૂ શહેરથી લગભગ 43 કિમીના અંતરે જમીનથી 10 કિમીની ઊંડાઈએ નોંધાયો હતો.

ચીન અને જાપાનમાં પણ મંગળવારે જોરદાર ભૂકંપનો અનુભવ થયો હતો. ચીનના કિંગહાઈના હાસીમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જેમાં એકનું મૃત્યુ થયું હતું અને ચારને ઈજા પહોંચી હતી. આ ભૂકંપ બાદ 4.9ની તીવ્રતાનો આફ્ટરશોક પણ આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક