• બુધવાર, 17 જૂન, 2026

મિત્રો વચ્ચે આજે મંત્રણા

દોઢ વર્ષનાં ગાળા પછી જી-7નાં ઉપક્રમે બન્ને નેતાઓ વચ્ચે ટૂંકી પણ ઉષ્માભેર મુલાકાત

કેનેડાનાં વડાપ્રધાને કહ્યું : હવે દુનિયા ફક્ત G-7થી નથી ચાલતી, ભારત જેવી શક્તિ તેનું પ્રમાણ

નવી દિલ્હી, તા.16: ઈરાન યુદ્ધ અને તેનાં હિસાબે સર્જાયેલા ઊર્જા સંકટ ઉપરાંત ટેરિફનાં હુમલાની પૃષ્ઠભૂમિમાં આજે ફ્રાન્સમાં આયોજિત જી-7 શિખર સંમેલનનાં ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અચાનક જ સંક્ષિપ્ત પણ હુંફાળી મુલાકાત થઈ હતી. આશરે દોઢ વર્ષનાં લાંબાગાળા બાદ થયેલી આ પ્રથમ મુલાકાતમાં બન્ને નેતાઓએ ઉષ્માભેર હાથ મિલાવ્યા હતાં અને થોડીવાર માટે વાતચીત કરી હતી. જો કે આ અનૌપચારિક અને ટૂંકી મુલાકાતમાં બન્ને નેતાઓ વચ્ચે શું વાત થઈ તેની કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી પણ આવતીકાલે બુધવારે બન્ને વચ્ચે થનારી દ્વિપક્ષીય બેઠક માટે તખ્તો આજે ઘડાઈ ગયો હોય તેવું દેખાયું હતું. મોદી અને ટ્રમ્પ વચ્ચે આ મુલાકાત કૂટનીતિનાં વર્તુળોમાં ચર્ચા અને ધ્યાનનું કેન્દ્ર બની ગઈ હતી. આજે આ શિખર સંમેલનનાં યજમાન ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંએ કાર્યક્રમ પૂર્વે વડાપ્રધાન મોદીનું વિશેષ સ્વાગત કર્યુ હતું અને ગુલદસ્તો ભેંટ આપ્યો હતો. તેમનાં વચ્ચે પણ થોડી ક્ષણો માટે કંઈક વાત થઈ હતી. ત્યારબાદ તુરંત જ ટ્રમ્પ આવી પહોંચતા મોદી ટ્રમ્પને મળ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, મોદી મેક્રોંનાં નિમંત્રણ ઉપર જી-7 શિખર સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા છે. ભારત આમાં 13મી વખત સામેલ થયું છે જ્યારે વડાપ્રધાન મોદી સતત 7મી વખત આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં છે.

આ શિખર સંમેલનમાં મોદીનો કાર્યક્રમ ખુબ જ વ્યસ્ત છે. તેઓ કેનેડાનાં વડાપ્રધાન માર્ક કાર્ની, બ્રિટનનાં પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર, યુએઈનાં રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન અલ ઝાયદ અલ નાહયાન સહિતનાં વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરવાનાં છે. જેમાં આવતીકાલે ટ્રમ્પ સાથે મહત્વની વાટાઘાટો ઉપર ભારત સહિત દુનિયાની નજર રહેવાની છે.

દરમિયાન કેનેડાનાં પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ ભારત અને જી-7 વિશે એક મહત્વની ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, જી-7 સમૂહ હવે દુનિયા ચલાવતો નથી અને એવો દેખાડો પણ નથી કરતો. તેમણે કહ્યું કે, જી-7 શિખર સંમેલનમાં ભારતની હાજરી બદલાતી વૈશ્વિક વ્યવસ્થાનું સ્પષ્ટ પ્રમાણ છે. તેમણે ભારતની વધતી વૈશ્વિક ભૂમિકાને રેખાંકિત કરતાં કહ્યું હતું કે, ભારત જેવી ઉભરતી અર્થવ્યવસ્થા અને શક્તિની ભાગીદારી સાબિત કરે છે કે, હવે વૈશ્વિક શક્તિ ફક્ત પરંપરાગત પશ્ચિમી દેશો સુધી સીમિત નથી.

ઉલ્લેખનીય છે કે, જી-7 શિખર સંમેલનમાં વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા, ઊર્જા સુરક્ષા, સ્વાસ્થ્ય સુરક્ષા, રશિયા-યુક્રેન યુદ્ધ, પશ્ચિમ એશિયાની સ્થિતિ અને એઆઈ સહિતનાં મહત્વનાં વિષયો ઉપર ચર્ચા થવાની સંભાવના છે.

----------------

અસ્થાયી સભ્યોની શ્રેણીમાં બદલાવ અપર્યાપ્ત : યુનોમાં ભારતની સ્પષ્ટ વાત

નવી દિલ્હી, તા. 16 : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પોતાના હક માટે ભારત દ્વારા મજબૂતીથી પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ભારતે ચેતવણી આપી હતી કે જો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં સુધારા માત્ર અસ્થાયી સભ્યોની સંખ્યા વધારવા સુધી જ સીમિત રહ્યા તો તે પોતાના ઉદ્દેશ્યથી લગભગ નિષ્ફળ માનવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ સુરક્ષા પરિષદ સુધારા ઉપર આયોજિત એક બેઠકને સંબોધિત કરતા ભારત તરફથી વાત રજૂ કરી હતી.

હરીશ પર્વતનેનીએ કહ્યું હતું કે જો સુરક્ષા પરિષદનો વિસ્તાર માત્ર અસ્થાયી સભ્યોની શ્રેણી સુધી સીમિત રહેશે તો આવો સુધારો પૂરતો નથી અને તેને નિષ્ફળ કામગીરી માનવામાં આવશે કારણ કે પાંચ સ્થાયી સભ્યોના હાથમાં જ કેન્દ્રીત નિર્ણય લેવાની વર્તમાન સંરચનામાં કોઈ પાયાનો બદલાવ આવશે નહીં. પર્વતનેનીએ કહ્યું હતું કે, સમૂહ અને સભ્ય દેશોએ વાસ્તવિક અને સાર્થક સુધારા માટે લાંબી રાહ જોઈ છે.

રિપોર્ટ અનુસાર પર્વત નેનીએ ભાર મૂકીને કહ્યું હતું કે ભારતની કોશિશ સુરક્ષા પરિષદમાં સંતુલન અને સમાનતા લાવવાની સાથે વીટો અધિકાર રાખતા સ્થાયી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાની નિર્ણય લેવાની રીતમાં બદલાવ લાવવાની પણ રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક