આ વર્ષે ચોમાસું મોડું હોવાના કારણે જંગલ સફારીની મુદત 7 દિવસ લંબાવાઈ
જૂનાગઢ,
તા.15: સાસણ ગિરમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે મહત્ત્વના
સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં નિયમિત રીતે શરૂ થતું સિંહોનું વેકેશન
આ વર્ષે વરસાદના વિલંબને કારણે 7 દિવસ મોડું પડશે. ત્યારે સાસણ ગીરના પ્રવાસે જતાં
મુલાકાતીઓ આગામી 22 જૂન સુધી સિંહ દર્શનનો લહાવો લઈ શકશે.
સામાન્ય
રીતે દર વર્ષે 15 જૂન સફારીનો અંતિમ દિવસ હોય છે, પરંતુ આ વર્ષે હજુ સુધી ચોમાસાનું
સત્તાવાર આગમન થયું નથી અને વરસાદ પડયો નથી. હાલના તબક્કે અભયારણ્ય વિસ્તારના કાચા
રસ્તાઓ સારી સ્થિતિમાં છે અને સફારી વાહનો જઈ શકે તેમ છે. સ્થાનિક પરિસ્થિતિ અને ભૌગોલિક
સંજોગોને ધ્યાનમાં રાખીને આ વર્ષે 22 જૂન સુધી જંગલ સફારી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો
છે.
સાસણ
ગિરમાં દર વર્ષે ઓક્ટોબર મહિનાથી શરૂ થતી સફારી જૂન મહિના સુધી ચાલતી હોય છે. આ શૈક્ષણિક
અને પ્રવાસન વર્ષ દરમિયાન પ્રવાસીઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો છે. વન વિભાગના સત્તાવાર
આંકડા મુજબ, ઓક્ટોબર 2025થી જૂન 2026 સુધીના સમયગાળામાં 2 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ
ગિરના જંગલમાં સફારીની મજા માણી છે અને સિંહોના જીવંત દર્શન કર્યા છે.
ચોમાસાના
ચાર મહિનાનો સમયગાળો સિંહ, દીપડા, હરણ, સાબર, ચિકારા સહિતના વન્ય જીવો માટે પ્રજનન
એટલે કે સંવનનકાળ ગણવામાં આવે છે. આ સંવેદનશીલ સમયગાળામા વન્યજીવોની એકાંતમાં કોઈ માનવીય
ખલેલ ન પહોંચે અને તેઓ મુક્ત રીતે શાંત પૂર્ણ માહોલમાં રહી શકે તે હેતુથી વન વિભાગ
દ્વારા દર વર્ષે નિયમિતપણે આ નિર્ણય લેવામાં આવે છે. ચાર મહિનાના આ વેકેશન બાદ, ચોમાસું પૂર્ણ થતાં જ
આગામી 16 ઓક્ટોબરથી ગીર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે.