ગાંધીનગર જવાની મંજૂરી ન મળતાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 15: ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે દેખાવો કરવા આજરોજ અમદાવાદના શાંતિપુરા
સર્કલથી ગાંધીનગર સુધી કોંગ્રેસે ટ્રેક્ટરો સાથે કિસાન અધિકાર યાત્રા યોજી હતી જેમાં
પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ અને ઝપાઝપીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં
વાયરલ થયાં હતાં. અમદાવાદના ઓગણજ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. યાત્રા દરમિયાન
ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ માથાકૂટની ઘટના સામે આવી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતોની રેલી ગાંધીનગર પહોંચી જ ન હતી તેમજ અંદરોઅંદર
ફાટફુટ પડી હતી.
ગુજરાત
કોંગ્રેસના ટેકાથી આજે યોજાયેલી ખેડૂત રેલી સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના
પ્રમુખ અમિત ચાવડાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં જો સૌથી વધારે
કોઈની ખરાબ હાલત હોય, કોઈની પર અત્યાચાર થતો હોય, શોષણ થતું હોય અને અન્યાય થતો હોય
તો એ જગતના તાત ખેડૂત સાથે થઈ રહ્યો છે.
ભારતીય
જનતા પાર્ટીના નેતાઓ ખેડૂતોની આવક બમણી કરીશું, ખેડૂતો મારુતિ કાર લઈને ફરશે એવા વડાપ્રધાન
નરેન્દ્ર મોદી ભાષણો કરતાં હતી પરંતુ આજે ખેડૂતના ખેતરમાં જબરદસ્તીથી અદાણી અને બીજી
કંપનીઓના વીજપોલ ઊભા કરવામાં આવે છે, એનું જ્યારે વળતર માંગે, એના માટેના સમય માંગે,
પાકની નુકસાની માંગે ત્યારે પોલીસ દ્વારા એને લાકડીઓ મારવામાં આવે છે. મહિલાઓ પર અત્યાચાર
થાય છે અને પોલીસ અને પ્રશાસન જાણે આ કંપનીઓની દલાલ બની ગઈ હોય એવી રીતે વર્તી રહી
છે.
કોંગ્રેસના
લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, સરકારને અલ્ટીમેટમ આપવા માંગીએ છીએ કે માંગણીઓને લઈને
જેલમાં જવા માટે તૈયાર છીએ. 11 દિવસ પછી સરકાર જવાબ નહીં આપે તો જિલ્લાઓમાં ટ્રેક્ટર
લઈને રોડ પર ઊભા રહીને ચક્કાજામ કરીશું. કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ સમિતિ
સાથે બીજા કોઈએ આવવું હોય તો રસ્તા રોકવા માટે આવી જાય. 12માં દિવસે સરકાર નહીં માને
તો તેમનું બારમું કરી નાખીશું.
ટ્રેક્ટર
રેલી દરમિયાન કોંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોરે જમાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતનો ખેડૂત
આજે રોડ ઉપર આવી ગયો છે. ત્યારે એની જે સહનશીલતાની જે પરાકાષ્ઠા કહેવાય, એ પરાકાષ્ઠા
હવે હદ ઉપર જતી રહી છે. મોરબીમાં મહિલાઓને બેફામ રીતે પોલીસે લાઠીચાર્જ કરી માર માર્યો
હતો. આવું દયાહીન પગલું, આવું તો હિટલરશાહી... હિટલર હતો તો પણ આટલી હદે એનું દમન નહોતું
થતું અને આજે જગતના તાત ઉપર જ્યારે લાઠીઓ વરસી રહી છે.
ખેડૂતોએ
કોંગ્રેસ સામે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસની સભામાં હાજરી આપવા
માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે કેટલાક ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે
ઉગ્ર વાદવિવાદ થયો હતો, જે બાદ સ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. બીજી તરફ, ન્યાયની માંગ
સાથે નીકળેલી ટ્રેક્ટર રેલી દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું.
ખેડૂતો
ગાંધીનગર તરફ આગળ વધવાની જીદ પર અડગ રહ્યા હતા, જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવાના
પ્રયાસો કરવામાં આવ્યા હતા. અમદાવાદ રિંગ રોડ પર પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા
હતા. કોંગ્રેસની ટેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી નહીં હોવાથી પોલીસે રેલીને
અટકાવતા મામલો બિચક્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે જેસીબી મશીન
આડું રાખીને ખેડૂતોનો માર્ગ અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ખેડૂતો દ્વારા વિરોધ
ચાલુ રાખવામાં આવતા વિસ્તારમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું હતું.
ખેડૂત
સંગઠનો અને રેલીમાં જોડાયેલા જગતના તાતનો આક્ષેપ છે કે, પાકના યોગ્ય ભાવ, સિંચાઈનું
પાણી, વીજળીના દર અને જમીન સંબંધિત અનેક મહત્વના મુદ્દાઓ લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂ
કરવામાં આવ્યા છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સરકાર તરફથી કોઈ યોગ્ય
નિકાલ ન આવતા આખરે ખેડૂતોને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે.
ખેડૂતોએ
જણાવ્યું હતું કે આ માત્ર એક વિરોધ પ્રદર્શન નથી, પરંતુ પોતાના હક્ક અને સળગતા પ્રશ્નોના
કાયમી નિરાકરણ માટેની ખેડૂતોની સિંહગર્જના છે. મહારેલીને પગલે અમદાવાદના અનેક વિસ્તારો
અને ખાસ કરીને હાઈવે પર ખેડૂતોના ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી હતી. અમુક સ્થળે
ભાજપ સરકાર સામે ધરતીપુત્રોએ હળ ઉગામ્યું હતું.