• રવિવાર, 14 જૂન, 2026

સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીનો ખજાનો ખૂટવાના આરે !

દ્વારકાનાં જળાશયોમાં માત્ર 3.45% સંગ્રહ, જામનગરમાં પણ સ્થિતિ નાજુક

 

રાજકોટ, તા.13 : સૌરાષ્ટ્રમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત હજુ થઈ નથી પરંતુ જળાશયોની સ્થિતિ અત્યારે ચિંતાજનક બની રહી છે. રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર વિસ્તારોનાં જળાશયોની આજની સ્થિતિ મુજબ મોટા ભાગના ડેમોમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. ખાસ કરીને દ્વારકા અને જામનગર વિસ્તારમાં પાણીનો સંગ્રહ અત્યંત ઓછો હોવાથી આગામી દિવસોમાં સારાં વરસાદની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.

સિંચાઈ વિભાગના આંકડા દર્શાવે છે કે સૌરાષ્ટ્રના મોટા ભાગનાં જળાશયો હજુ પણ ચોમાસાના પ્રથમ મોટા વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો આગામી બે-ત્રણ અઠવાડિયામાં સારો વરસાદ નહીં પડે તો પીવાનાં પાણી અને સિંચાઈ બન્ને માટે પડકાર ઊભો થઈ શકે છે. સૌરાષ્ટ્રનાં જળાશયોમાં હાલની સ્થિતિ ચોમાસા પર નિર્ભર છે. રાજકોટ અને મોરબી વિસ્તારમાં થોડી રાહત જોવા મળે છે, પરંતુ દ્વારકા અને જામનગર વિસ્તારમાં પાણીનો જથ્થો અત્યંત ઓછો હોવાથી આગામી વરસાદ નિર્ણાયક સાબિત થશે.

રાજકોટનાં 27 જળાશયોમાં કુલ ક્ષમતાના 29.41 ટકા જેટલો જ સંગ્રહ છે, જે સમગ્ર વર્તુળમાં સૌથી સારી સ્થિતિ ગણાય છે. ભાદર-2, લાલપર અને મોજ જેવાં જળાશયોમાં 50 ટકાથી વધુ પાણી ઉપલબ્ધ હોવાથી રાહત જોવા મળે છે. બીજી તરફ મોરબીમાં 24.89 ટકા અને સુરેન્દ્રનગરમાં 23.45 ટકા સંગ્રહ નોંધાયો છે.

જામનગરનાં 21 જળાશયોમાં માત્ર 15.27 ટકા પાણી ઉપલબ્ધ છે, જ્યારે દ્વારકામાં સ્થિતિ સૌથી ગંભીર છે. અહીં કુલ ક્ષમતાના માત્ર 3.45 ટકા પાણીનો જ જથ્થો બચ્યો છે. દ્વારકા વિસ્તારના સાની, મોરસીલ અને સૂરજવાડી જેવાં કેટલાંક જળાશયો લગભગ સૂકા હાલતમાં છે. અનેક ડેમોમાં છેલ્લાં 24 કલાક દરમિયાન નવા પાણીની આવક પણ નોંધાઈ નથી.

 

ક્યાં છે સૌથી વધુ પાણી ?

જળાશય ભરાવ

લાલપર  56.96%

ભાદર-2 56.63%

મચ્છુ-3  53.57%

મોજ                 27.92%

ભાદર     24.25%

વિસ્તારવાર જળસંગ્રહની સ્થિતિ

વિસ્તાર  જળસંગ્રહ

રાજકોટ  29.41%

મોરબી   24.89%

સુરેન્દ્રનગર          23.45%

જામનગર            15.27%

દ્વારકા               3.45%

ઇ-પેપરના નવા શુલ્ક