અમરેલી,તા.13: એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી રહેઠાણ ગણાતા ગીર જંગલના સંરક્ષણ અને તાજેતરમાં ઉભા થયેલા વિવિધ વિવાદાસ્પદ મુદ્દાઓને લઈને પર્યાવરણ પ્રેમીઓએ પ્રધાનમંત્રી તથા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ ગંભીર રજૂઆત કરી છે. ગીર વિસ્તારમાં સિંહોના ચિંતાજનક મોત, જંગલના હિતોને અસર કરતી પ્રવૃત્તિઓ, ગેરકાયદે રિસોર્ટો, માઇનિંગને અપાયેલી મંજૂરી સહિતના મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. બીજી તરફ બગસરાના ઘંટીયાણ ગામની સીમમાં સાત વર્ષના પરપ્રાંતિય બાળક પર એક સિંહણ અને બે બચ્ચાંએ હુમલો કરતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવના પગલે રોષે ભરાયેલા બાળકના પરિવાર તથા ગામલોકો દ્વારા આ વિસ્તારમાં આ મામલે ઠોસ કાર્યવાહી કરી કાયમી ઉકેલની ખાત્રી નહીં આપે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવા ઈન્કાર કરી દેવાતા વનતંત્ર દ્વિધામાં મુકાયું છે તેમજ વનવિભાગ સામેની લડત હવે ગામડાઓ સુધી લઈ જવાની તૈયારી થઇ રહી છે.
સિંહોના
મોત, ગેરકાયદે પ્રવૃત્તિઓ સહિતના પ્રશ્ને પી.એમ. સુધી પર્યાવરણ પ્રેમીઓની રજૂઆત
અમરેલી,તા.13:
પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સુધી પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત
વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડયા, રોહિત વ્યાસ, સી.ટી. રાણા, સુરેશ ભટ્ટ, સંજય કેલેયા
અને રેવતુંભા રાયઝાદા સહિતના આગેવાનોએ સંયુક્ત રીતે પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, ગીર
અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોના મોતની ઘટનાઓમાં વધારો જોવા મળી
રહ્યો છે. જે વન્યજીવ સંરક્ષણ માટે ચિંતાજનક બાબત છે.
પર્યાવરણ
પ્રેમીઓએ રજૂઆતમાં ગીર વિસ્તારની પર્યાવરણીય સંવેદનશીલતાને અસર કરે તેવી કેટલીક પ્રવૃત્તિઓને
મંજૂરી અપાઈ રહી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. ગેરકાયદે રિસોર્ટો, ખનન પ્રવૃત્તિઓ
અને જંગલના નિયમોને અસર કરતા નિર્ણયો અંગે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારને માહિતગાર કરવામાં
આવ્યા છે. ઉપરાંત રાજભા ગઢવીને અપાયેલી મંજૂરીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હોવાનું
જાણવા મળે છે. પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે, ગીર જેવા અતિ સંવેદનશીલ જંગલ વિસ્તારમાં
લેવાતા દરેક નિર્ણયમાં વન્યજીવ અને પર્યાવરણના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં
આવવી જોઈએ. ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારમાં વન્યજીવો માટે અનુકૂળ વાતાવરણ જળવાઈ
રહે તે માટે કડક પગલાં ભરવાની માગ કરવામાં આવી છે. સાથે જ સિંહોના મોતના કારણોની પારદર્શક
તપાસ, ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી તથા જંગલ સંરક્ષણ સંબંધિત નિયમોનું કડક પાલન
સુનિશ્ચિત કરવાની પણ માગ કરવામાં આવી છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સરકાર, વન
વિભાગ અને સમાજના તમામ વર્ગોએ સંકલિત પ્રયાસો કરવાની જરૂર છે. ગીર જંગલના હિતોને નુકસાન
પહોંચાડતી કોઈપણ પ્રવૃત્તિ સામે કડક વલણ અપનાવવામાં આવે તેવી પણ માગ ઉઠાવવામાં આવી
છે.
ઘંટીયાણ
ગામે સિંહણના હુમલામાં બાળકના મૃત્યુ મુદ્દે નક્કર કાર્યવાહીની માગ કરતા ગ્રામજનો
અમરેલી,તા.13: બગસરાના ઘંટીયાણ ગામમાં એક વાડીમાં ખેતમજૂર પરપ્રાંતિય
પરિવારનો 7 વર્ષનો બાળક ગુરુવારે સાંજે વાડી વિસ્તારમાં લઘુશંકા કરવા માટે ગયો હતો.
ત્યારે બે બચ્ચાં સાથે ધસી આવેલી સિંહણે બાળક પર હુમલો કયો હતો અને મોંમાં દબાચી સિંહણ
એક કી.મી. સુધી ઢસડી લઇ ગઇ હતી. આ હુમલામાં ગંભીર ઈજા થવાથી બાળકનું મૃત્યુ નીપજ્યું
હતું.
આ ઘટનાના
પગલે બાળકના પરિવાર તથા ગ્રામજનો દ્વારા મૃતદેહ સ્વિકારવાનો બીજા દવિસે પણ ઈન્કાર કરી
દેવાતા વનવિભાગ દ્વારા સમજાવટ આદરાઈ હતી પરંતુ નિવેડો ન આવતા મૃતદેહને અમરેલી ખસેડાયો
હતો. મૃતક બાળકના પરિવાર તથા ગામ લોકો દ્વારા માગ કરાઈ છે કે, આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના
હુમલાઓ અટકે તે માટે ઠોસ કાર્યવાહી અને કાયમી ઉકેલની ખાત્રી નહીં આપે ત્યાં સુધી મૃતદેહને
સ્વિકારશું નાહિં. ગ્રામજનોની માગણી મામલે વન વિભાગ દ્વીધામાં મુકાયું છે. તથા સમજાવટના
પ્રયત્નો શરૂ રખાયા છે. વનવિભાગ સામેની લડત આગામી દિવસોમાં ગામડાઓ સુધી લઈ જવાની તથા
તમામ ખેડૂતોને આ લડાઈમાં જોડવા માટેની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે.
જેને લઈ વનવિભાગની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. બીજી તરફ પાંજરા મૂકી માનવભક્ષી બની ગયેલી સિંહણ તેમજ બે
બચ્ચાંને પકડી સાસણ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.