• રવિવાર, 14 જૂન, 2026

અમેરિકા-ઈરાન શાંતિ કરારનું કાઉન્ટ ડાઉન !

પાક.નાં વડાપ્રધાન શરીફનો દાવો: 24 કલાકમાં શાંતિ કરાર ઉપર ડિજીટલ હસ્તાક્ષર સંભવ

 

નવી દિલ્હી, તા.13: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા સમજૂતી હવે ગણતરીનાં કલાકોમાં જ સાકાર થવાની સંભાવના પ્રબળ બની હોવાનો દાવો બન્ને દેશો વચ્ચે મધ્યસ્થી કરનાર પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી શહબાઝ શરીફે કર્યો છે.

શરીફે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં જ આ સમજૂતી ફાઈનલ થવાની આશા છે. પાકિસ્તાન આ સમજૂતી કરાર ઉપર ઈલેક્ટ્રોનિક ઢબે હસ્તાક્ષર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સમજૂતી થયા બાદ આગામી સપ્તાહે ટેકનિકલ સ્તરે વાટાઘાટો થશે.

તેમણે કહ્યું હતું કે, વાટાઘાટ દરમિયાન સતત સહકાર આપવા બદલ તેઓ અમેરિકા અને ઈરાનને ધન્યવાદ પાઠવવા માગે છે અને આમાં સમર્થન કરનાર ભાઈઓનો પણ આભાર માનવામાં આવે છે. તેમણે આગળ કહ્યુyં હતું કે, અમને પૂરો ભરોસો છે કે, આ ઐતિહાસિક શાંતિ સમજૂતી સ્થાયી શાંતિનો એક મજબૂત આધાર બનશે.

બીજીબાજુ ઈરાનનાં પ્રમુખ વિષ્ટિકાર મોહમ્મદ બાઘેરી ગાલિબાફે કહ્યું હતું કે, ઈરાન આખરી જીત સુધી પોતાની વાત ઉપર અડગ રહેશે. તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, અમારા હમેશનાં ઘર, ઈરાન ઉપર ઈઝરાયલી અને અમેરિકી સરકારોનાં અપરાધિક હુમલાનાં પહેલા દોરની શરૂઆતને એક વર્ષ પૂરું થયું છે. તેમણે માસૂમ બાળકોની હત્યા કરી હતી અને કોઈપણ પ્રકારનાં અપરાધ કે ક્રૂરતામાં ઓછા ઉતર્યા નહોતાં.

જો અમેરિકા અને ઈરાન વચ્ચે આ શાંતિ કરાર થાય તો દુનિયાભરમાં ઊર્જા સંકટ પેદા કરનાર હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખુલી શકે છે અને તેનાથી ઓઈલ બજારમાં મોટી રાહત મળી શકે છે. સૂત્રોનાં હવાલેથી આવતા અહેવાલો અનુસાર આ સમજૂતીમાં સૌથી પહેલા તો ઘર્ષણને ખતમ કરવા અને હોર્મુઝ ખોલવા ઉપર ધ્યાન આપવામાં આવશે. ત્યારબાદ અન્ય વિવાદિત મુદ્દાઓની ચર્ચા થશે. સમજૂતી ઉપર હસ્તાક્ષર થયા બાદ 60 દિવસનો ઉપયોગ ઈરાનનાં પરમાણુ કાર્યક્રમનાં ટેકનિકલ પાસાઓની વાતચીત માટે કરવામાં આવશે. જેમાં ઈરાનનાં અત્યાધિક સંવર્ધિત યુરેનિયમ ભંડારને હટાવવા કે નષ્ટ કરવા સહિતનાં વિકલ્પોની ચર્ચા કરવામાં આવશે. ઈરાનનાં વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ પણ સંકેત આપ્યો છે કે, પરમાણુ મુદ્દાઓને વાતચીતનાં આગામી તબક્કામાં સામેલ કરવામાં આવશે અને જરૂર પડયે તેના માટે સમયસીમા પણ વધારવામાં આવશે.

દરમિયાન ઈરાને ભારતીય જહાજો ઉપર હુમલા કર્યાનાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં દાવાઓનો જવાબ આપતાં ઈરાને તેને સદંતર નિરાધાર વાત ગણાવી હતી અને કહ્યું હતું કે, અમેરિકાનાં હુમલામાં ત્રણ ભારતીયોનાં મૃત્યુ થયાની હકીકતથી ધ્યાન ભટકાવવા માટે અમેરિકા અને ટ્રમ્પ આવા બેબુનિયાદ આરોપ મૂકી રહ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક