• રવિવાર, 14 જૂન, 2026

વાયુદળનું વિમાન તૂટયું; પાંચ શહીદ

આસામનાં જોરહાટમાં ઊતરાણ બાદ બે ટૂકડા, ધડાકાભેર આગથી અફરાતફરી; તપાસનો આદેશ

 

ગુવાહાટી, તા. 13 : આસામનાં જોરહાટમાં શનિવારની સવારે 10 વાગ્યે ભારતીય વાયુદળનું પરિવહન વિમાન ઊતરાણ વખતે દુર્ઘટનાગ્રસ્ત થતાં વાયુદળના પાંચ જવાન શહીદ થઇ ગયા હતા. આ ઘટનાથી ભારે અફરાતફરી મચી ગઇ હતી.

સ્ક્વોડ્રન લીડર પ્રભાતસિંહ ફલાઇટ લેફટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીર ખેમારામ કુમાવત અને દાનિશ આલમનાં લોહિયાળ દુર્ઘટનામાં મોત થયાં હતાં.

ઊતરાણ બાદ તરત વિમાનમાં આગ લાગી ગઇ હતી અને બે ટુકડા થઇ ગયા હતા. દુર્ઘટનાનું કારણ તરત જાણવા મળ્યું નહોતું. વાયુદળ તરફથી કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ અપાયો હતો.

પ્રારંભિક અહેવાલ અનુસાર, વિમાન રન-વે પર ઊતરવાના સ્થાને બાજુની ઊબડખાબડ જમીન પર ઊતરીને ઢસડાતાં આગ લાગી ગઇ હતી.

ભારતીય વાયુદળે જણાવ્યું હતું કે, પરિવહન વિમાન એએન-32 નિયમિત ઉડાન પર હતું, ત્યારે સવારે 10 વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી.

વાયુદળે જીવ ખોનાર જવાનોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. વર્ષ 1986થી આજ સુધી એએમ-32 વિમાનો ભારતમાં 22 દુર્ઘટનાનાં શિકાર બની ચૂક્યાં છે.

ઊતરાણ વખતે વિમાનમાં ધડાકો થયા બાદ આગ લાગતાં રૌરિયા એરબેઝ પર અફરાતફરી મચી ગઇ હતી. વાયુદળ પાસે આવાં 100થી વધુ વિમાન છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ દુર્ઘટના બદલ શોકની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ દુ:ખની ઘડીમાં જવાનોના પરિવારો સાથે છે.

ઇ-પેપરના નવા શુલ્ક