• રવિવાર, 14 જૂન, 2026

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એ બે છેડા, જ્યાંથી પ્રવેશે છે વરસાદી વાદળો

છેલ્લા 10માંથી 4 વર્ષ વહેલું અને 4 વર્ષ મોડું; વાવાઝોડા અને અલ-નીનોની ટગ-ઓફ-વોર વચ્ચે બદલાતું મેઘરાજાનું મુહૂર્ત

 

રાજકોટ તા.12: જેની એક ગર્જના સાંભળીને જગતનો તાત પોતીકી ધરતીને લીલીછમ કરવા વાવણીના હળ સાબદા કરે છે, તે મેઘરાજાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. અરબી સમુદ્રના ભેજવાળા પવનો ક્યારેક દક્ષિણ ગુજરાતના વલસાડથી તો ક્યારેક સૌરાષ્ટ્રના દીવ-વેરાવળના કાંઠેથી ગુજરાતની સરહદમાં પગ મૂકે છે. પરંતુ બદલાતા હવામાનની વચ્ચે છેલ્લા 10 વર્ષમાં ચોમાસાની પેટર્ન સાવ બદલાઈ ગઈ છે. અનિયમિતતા એ જ હવે નવો નિયમ બની ગઈ છે.

કુદરતે ગુજરાતના નકશાને બે એવા ભૌગોલિક છેડા આપ્યા છે જ્યાંથી ચોમાસાના વાદળો રાજ્યની સરહદમાં પગ મૂકે છે. જેમાં વલસાડનું ‘ગ્રીન ગેટવે’ (દક્ષિણ ગુજરાત) : રાજ્યનું 90% ચોમાસું આ દક્ષિણ સરહદેથી જ જન્મે છે. અરબી સમુદ્રના ભેજવાળા પવનો મહારાષ્ટ્રની સરહદ વટાવી સૌપ્રથમ વલસાડના તીથલ બીચ, વાપી કે ડાંગના જંગલોમાં કડાકા-ભડાકા સાથે પ્રવેશે છે. આ રૂટ સક્રિય થાય એટલે આખું ગુજરાત લીલુંછમ થવાની શરૂઆત થાય છે. તેમજ સૌરાષ્ટ્રનું ‘સમુદ્રી પ્રવેશદ્વાર’ (કોસ્ટલ બેલ્ટ) : કેટલીકવાર સમુદ્રમાં કરંટ એટલો મજબૂત હોય છે કે ચોમાસું વલસાડ પહોંચે તેની સાથે જ અથવા તેનાથી થોડું વહેલું દક્ષિણ સૌરાષ્ટ્રના દીવ, વેરાવળ (ગીર સોમનાથ) કે મહુવાના કાંઠે ત્રાટકે છે. આ રૂટ સક્રિય થાય ત્યારે કપાસ અને મગફળીના ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં વાવણીના મંગળ દાસા બેસી જાય છે.

છેલ્લા 10 વર્ષના આ ઈતિહાસ પર નજર કરીએ તો ખબર પડે છે કે 10 માંથી 4 વર્ષ ચોમાસું સમય કરતાં વહેલું (9 થી 13 જૂન વચ્ચે) આવ્યું છે, જ્યારે 4 વર્ષ ચોમાસું નોંધપાત્ર મોડું (22 થી 25 જૂન વચ્ચે) પડ્યું છે. નિયત તારીખે (15 જૂને) આવ્યું હોય તેવું માત્ર 2 વાર જ બન્યું છે. એટલે કે, ચોમાસામાં ‘અનિયમિતતા’ એ જ હવે નવો નિયમ બની ગયો છે!

 

કેમ દર વર્ષે બદલાય છે મેઘરાજાના આગમનનું મુહૂર્ત ?

હવામાન વિજ્ઞાનના મતે ચોમાસાની સ્પીડ બ્રેકર જેવી ગતિ પાછળ મુખ્ય ત્રણ વૈશ્વિક વિલન કે હીરો જવાબદાર હોય છે:

વાવાઝોડાનો હાઇજેક પ્લાન

મે મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં જો કોઈ મોટું વાવાઝોડું બને, તો તે ચોમાસાના ભેજવાળા પવનોને પોતાની તરફ ખેંચી જાય છે. જો વાવાઝોડું ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાય તો ગુજરાતનું ચોમાસું સુકાય છે અને મોડું પડે છે (જેમ કે 2019 અને 2023 ના વર્ષમાં બન્યું હતું).

અલ-નીનો અને લા-નીનાની ટગ-ઓફ-વોર

પેસિફિક મહાસાગરમાં જ્યારે સમુદ્રની સપાટી ગરમ થાય (અલ-નીનો), ત્યારે ભારતીય ચોમાસાના પવનો નબળા પડી જાય છે અને તેની એન્ટ્રી મોડી થાય છે પરંતુ જ્યારે ત્યાં ઠંડક પ્રસરે (લા-નીના), ત્યારે ચોમાસું બુલેટ ટ્રેનની ગતિએ વહેલું વલસાડ પહોંચી જાય છે.

ઓફ-શોર ટ્રફ (સમુદ્રી પવનની દીવાલ)

કેરળમાં ચોમાસું બેઠા પછી જો પશ્ચિમ કિનારે (ગોવા અને મહારાષ્ટ્રની આસપાસ) હવાનું હળવું દબાણ સર્જાય, તો તે કેરળથી વાદળોને સ્પીડમાં ખેંચીને 15 જૂન પહેલા જ ગુજરાતના આંગણે લાવીને ઊભા રાખી દે છે.

 

14થી 16 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટાની આગાહી

 

આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)  અમદાવાદ, તા. 12: દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર અને કરન્ડાના દરિયાકાંઠાના વિસ્તારોને આવરીને દક્ષિણ ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો તબક્કો વધુ મજબૂત બન્યો છે. આગામી 14થી 16 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ મોટો પલટો આવશે. ખાસ કરીને 16 જૂનના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જે ખેડૂતો માટે વાવણીલાયક સાબિત થઈ શકે છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના અનુસાર બીજી તરફ, વરસાદની આ હેરફેર વચ્ચે પણ મધ્ય ગુજરાત અને અમદાવાદના રહીશોને ગરમી અને બફારામાંથી હાલ તુરંત મોટી રાહત મળવાની નથી. અમદાવાદ સાયન્સ સિટી અને આસપાસના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ જળવાઈ રહેશે. હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે નાગરિકોને અસહ્ય ઉકળાટ અને પરસેવો રેબઝેબ કરી મૂકશે. જો કે, જૂનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસું વિધિવત બેસી જતાં સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ગગડશે.

આજે સાંજે નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા પર નજર નાખતા જણાય છે કે આજે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 42.7 ડિગ્રી નોંધાયું હતું જ્યારે રાજકોટમાં  40.9, ભાવનગરમાં 41.4, બરોડામાં 40.4, ડીસામાં 39.8, કંડલામાં 36.8, સુરેન્દ્રનગરમાં 41.8 તેમજ સુરતમાં 35.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક