• શનિવાર, 13 જૂન, 2026

રાજ્યસભાની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ઈતિહાસમાં પ્રથમવાર રાજ્યસભા ગૃહ ગુજરાત કોંગ્રેસ મુક્ત બન્યું, તમામ 11 બેઠક ભાજપ પાસે

(અમારા પ્રતિનિધિ તરફથી)  અમદાવાદ, તા.11 : ગુજરાતના સંસદીય ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો રાજુ શુક્લ, માનાસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝારીયા અને મુકેશ રાઠવા બિનહરીફ ચૂંટાયા છે. આજના દિવસે ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતાં જ તમામ વિજેતાઓને સત્તાવાર વિજયનું પ્રમાણપત્ર એનાયત કરાયું છે.

વિપક્ષે ઉમેદવાર ઊભા ન રાખતા આ તમામ નેતાઓ મતદાન વિના જ સીધા સાંસદ બન્યા છે. ભાજપના આ ચારેય દિગ્ગજ નેતાઓ હવે આગામી દિવસોમાં દિલ્હીમાં સંસદના ઉપલા ગૃહમાં ગુજરાતનું મજબૂત પ્રતિનિધિત્વ કરશે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટમાંથી કોંગ્રેસનો એકપણ સભ્ય ન હોય તેવું પ્રથમવાર બન્યું છે, જે જનતાના ભરોસાની જીત છે.  આ ઐતિહાસિક ઘટના સાથે જ હવે 18 જૂને યોજાનારી  રાજ્યસભાની ચૂંટણીની કોઈ જરૂર રહેતી નથી. ગુજરાતના ઈતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યારે રાજ્યસભામાં કોંગ્રેસનો એકપણ સાંસદ નહીં હોય અને રાજ્યની તમામ 11 બેઠક પર ભાજપનું એકહથ્થું શાસન સ્થપાયું છે. આ જીતની સત્તાવાર જાહેરાત થતાં જ ગાંધીનગર ખાતે પક્ષના મુખ્ય કાર્યાલય અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ, આનંદ અને ખુશીનો માહોલ છવાયો હતો. તમામ વિજેતા ઉમેદવારોએ આ મહત્વની તક અને જીત બદલ પક્ષના કેન્દ્રીય અને પ્રદેશ શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

ચૂંટણી પ્રક્રિયાની વિગતવાર વહીવટી વાત કરીએ તો, ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે એટલું પ્રચંડ સંખ્યાબળ છે કે વિરોધ પક્ષો પાસે જીતવાની કોઈ તક જ નહોતી. 182 સભ્યની ગુજરાત વિધાનસભામાં સત્તાધારી ભાજપ પાસે 161 ધારાસભ્યનું તાતિંગ બળ છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 અને આમ આદમી પાર્ટી (અઅઙ) પાસે 5 ધારાસભ્યનું સંખ્યાબળ છે. આ જ ગણિતને કારણે કોંગ્રેસ અને આપ (અઅઙ) એ પોતાના ઉમેદવારો ન ઉતારવાનો વ્યવહારુ નિર્ણય લીધો હતો.

માત્ર સત્તાધારી પક્ષ ભાજપના જ 4 ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા. ક્રુટિની એટલે કે ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં તમામ ફોર્મ કાયદાકીય રીતે યોગ્ય અને માન્ય ઠર્યા હતાં ત્યારબાદ આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે નક્કી કરેલો સમય પૂરો થતાં જ તમામ 4 ઉમેદવાર ટેકનિકલી અને કાયદેસર રીતે વિજેતા બન્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનું મતદાન કરવાની જરૂર પડી નથી, જેના કારણે સરકારી તંત્રનો પણ મોટો સમય બચ્યો છે.

રાજ્યસભામાં મોકલાયેલા આ ચારેય પ્રતિષ્ઠિત ચહેરાઓ પોતાના ચોક્કસ વિસ્તાર અને સમાજમાં ખૂબ મોટું જનાધાર ધરાવે છે. મુકેશ રાઠવા આદિવાસી સમાજનો મોટો અને લોકપ્રિય ચહેરો છે, જ્યારે જીતેન્દ્ર કણઝારિયા ઓબીસી (ઘઇઈ) સમાજનું મોટું પ્રતિનિધિત્વ કરે છે. માનાસિંહ પરમાર અને રાજુ શુક્લ પણ ભાજપ સંગઠનમાં લાંબો સમયથી સક્રિય રહીને કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.

ભાજપના હાઈકમાન્ડ દ્વારા આ ચારેય સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી હતી, જે આજે વગર કોઈ વિરોધે સફળ સાબિત થઈ છે. આગામી દિવસોમાં આ ચારેય નવા સાંસદો સંસદમાં ગુજરાતના વિકાસના પ્રશ્નો, ખેડૂતોના મુદ્દા અને લોકહિતની બાબતો મજબૂતાઈથી ઉઠાવશે. રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ દ્વારા પણ તમામ વિજેતાઓને ઉજ્જવળ કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

રાજ્યસભામાં ગુજરાતમાંથી ભાજપના હવે 11 સાંસદ

સાંસદનું નામ       પક્ષ       કાર્યકાળ પૂર્ણ થવાની તારીખ

જે. પી. નડ્ડા       ભાજપ   02 એપ્રિલ 2030

જશવંતાસિંહ પરમાર         ભાજપ   02 એપ્રિલ 2030

મયંકભાઈ નાયક    ભાજપ   02 એપ્રિલ 2030

ગાવિંદ ધોળકિયા   ભાજપ   02 એપ્રિલ 2030

એસ. જયશંકર     ભાજપ   18 ઓગસ્ટ 2029

કેસરીદેવાસિંહ ઝાલા          ભાજપ   18 ઓગસ્ટ 2029

બાબુભાઈ દેસાઈ   ભાજપ   18 ઓગસ્ટ 2029

રાજુ શુક્લા          ભાજપ   (નવા ચૂંટાયેલ)

મુકેશ રાઠવા         ભાજપ   (નવા ચૂંટાયેલ)

માનાસિંહ પરમાર  ભાજપ   (નવા ચૂંટાયેલ)

જીતેન્દ્ર કણઝારિયા            ભાજપ   (નવા ચૂંટાયેલ)

38 વર્ષીય મુકેશ રાઠવા બનશે સૌથી યુવા સાંસદ

ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાં  સૌથી આકર્ષણનું કેન્દ્ર મધ્ય ગુજરાતમાંથી આવતા આદિવાસી સમાજના યુવા નેતા મુકેશ રાઠવા બન્યા છે. માત્ર 38 વર્ષની ઉંમરે વિજેતા બનેલા મુકેશ રાઠવા વર્તમાન રાજ્યસભામાં ભાજપના સૌથી યુવા સાંસદ બનવાનું બહુમાન મેળવશે. મુકેશ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) સાથે જોડાયેલા છે. ભાજપના યુવા મોરચામાં તે સક્રિય રહ્યા છે અને પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા છે. વિજયનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ સૌથી યુવા  ાંસદ બનેલા મુકેશ રાઠવાએ જણાવ્યું કે, ‘મારા જેવા એક નાના કાર્યકર્તાને સાંસદનું પદ મળ્યું છે. એક જનજાતિ સમાજના યુવાનને દેશની સંસદમાં જવાની તક મળી છે, તે બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું.’

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક