નિશાને : બુધવારે સેટેબેલો ઉપર થયેલા હુમલામાં ત્રણ ભારતીયના મૃત્યુ : સરકારે અમેરિકાને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું
નવી
દિલ્હી, તા. 11 : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ત્રણ દિવસમાં ભારતીય
ક્રૂ ધરાવતા ત્રીજા જહાજ ઉપર હુમલો થયો છે. ઓમાનના શિનાસ પોર્ટ પાસે એમટી જલવીર નામના
જહાજને નિશાન બનાવવામાં આવતા તેમાં આગ લાગી હતી. આ જહાજમાં 20 ભારતીય સવાર હોવાનું
સામે આવ્યું હતું. જ્યારે બુધવારે એમટી સેટેબેલો ઉપર અમેરિકા દ્વારા કરવામાં આવેલા
હુમલામાં લાપતા બતાવવામાં આવેલા ત્રણ ભારતીય નાવિકના મૃતદેહ મળી આવ્યા છે. કેન્દ્રીય
પોર્ટ, શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ઘટનામાં ભારતીયના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
ભારતીય ક્રૂ ઉપર થઈ રહેલા હુમલા બાદ ભારત સરકારે અમેરિકી રાજદૂતને તલબ કર્યા હતા અને
ચિંતા વ્યક્ત કરી હતી તેમજ જહાજો ઉપરના હુમલા તરત જ બંધ કરીને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત
કરવા કહ્યું હતું.
ગુરૂવારે
ભારતીય ક્રૂ સાથેના જહાજ એમટી જલવીર ઉપર હુમલો થયો હતો અને તેનાથી આગ લાગી હતી. આ હુમલો
કોના દ્વારા કરવામાં આવ્યો છે તેની સ્પષ્ટ માહિતી સામે આવી નહોતી.
આ મામલે
ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે બનાવ અંગે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને સતત
દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ અગાઉ
બુધવારે ઓઈલ ટેંકર એમટી સેટેબેલો ઉપર અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં
ત્રણ ભારતીયના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ બનાવ અંગે અમેરિકી સેના તરફથી કહેવામાં
આવ્યું હતું કે, સેટેબેલો ઈરાની ઓઈલ લઈને જઈ રહ્યું હતું. જહાજ દ્વારા ચેતવણીઓને નજરઅંદાજ
કરવામાં આવી રહી હતી, જેના પરિણામે અંગે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ
ભારતીયના મૃત્યુ થયા હતા. ભારત સરકારે પીડિત પરિવારો સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી
અને ભરોસો આપ્યો હતો કે બનાવમાં જીવ ગુમાવનારા ભારતીય નાવિકના પરિવારોને દરેક શક્ય
સહાય અને સહયોગ કરવામાં આવશે. મૃતકોના નામ આદિત્ય શર્મા, શિવાનંદ ચૌરસિયા અને પટનાલા
સુરેશ છે.
સેટેબેલો
ઉપર હુમલો અઠવાડીયામાં બીજો બનાવ હતો, જેમાં ભારતીય ક્રૂ ધરાવતા જહાજને અમેરિકા દ્વારા
નિશાને લેવામાં આવ્યું છે. આ અગાઉ સોમમવારે ઓઈલ ટેંક ધ મેરિવેક્સ ઉપર અમેરિકાએ હુમલો
કર્યો હતો. જેમાં 24 ભારતીય નાવિક સવાર હતા. બાદમાં ઓમાનની સેનાએ તમામને સુરક્ષિત બચાવી
લીધા હતા.
ઓમાન
તટ પાસે એમટી સેટેબેલો ઉપર થયેલા હુમલા બાદ ભારતે અમેરિકી રાજદૂતને તલબ કર્યા હતા અને
અમેરિકા વિરૂદ્ધ વિરોધ નોંધાવ્યો હતો. ભારત સરકારે બનાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી
અને કહ્યું હતું કે ભારતીય નાવિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
વિદેશ
મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે હુમલા બાદ ભારતે અમેરિકી પક્ષ સમક્ષ
ઔપચારિક વિરોધ નોંધાવ્યો છે. દુનિયાભરમાં મોટી સંખ્યામાં ભારતીય નાવિક કામ કરે છે.
તેવામાં નાવિકોની સુરક્ષા ભારત માટે મહત્વપૂર્ણ છે. ભારતે અમેરિકાને સાફ સંદેશ આપ્યો
છે કે સમુદ્રી કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ અને જહાજો ઉપર થઈ રહેલા હુમલો
તરત જ બંધ થવા જોઈએ.