• બુધવાર, 10 જૂન, 2026

અમદાવાદ : પોલીસના ડરથી ચોથા માળેથી પડતાં ગુનેગારનું મૃત્યુ

સેનામાં સપ્લાય સોલ્જર તરીકેની નોકરી છોડયા બાદ ગુનાખોરીની દુનિયામાં મહાવીરાસિંહ

સિંધવ સક્રિય થયો હતો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.9: અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝ્યુરિયા ફ્લેટમાં સોમવારે રાત્રે એક ચકચારી ઘટના બની હતી. મૂળ સુરેન્દ્રનગરના ચોકડી ગામનો અને હાલ બોપલમાં રહેતો કુખ્યાત મહાવીરાસિંહ સિંધવ નશાની હાલતમાં પાડોશીઓ સાથે ઝઘડો કરી રહ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક 112 પર ફોન કરીને પોલીસને બોલાવતા જ તે ગભરાઈ ગયો હતો. પોલીસ પકડી જશે તેવા ડરથી બચવા માટે ચોથા માળેથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે પગ લપસતાં તે નીચે પટકાયો હતો અને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ રેકોર્ડ અનુસાર, મૃતક મહાવીરાસિંહ અગાઉ ભારતીય સેનામાં સપ્લાય સોલ્જર તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ નોકરી છોડયા બાદ તે ગુનાખોરીની દુનિયામાં સક્રિય થયો હતો. તેની સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યાનો પ્રયાસ, ગુજસીટોક, મારામારી અને ગઉઙજ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2023ના એક ડ્રગ્સ કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેટવર્ક સાથે પણ તેની કડીઓ હોવાની આશંકા સામે આવી હતી.

મહાવીરાસિંહ સિંધવ વર્ષ 2020માં આખા રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. મોરબીના ટીકર મુકામે યોજાયેલા લોકગાયક દેવાયત ખવડના એક ડાયરાના કાર્યક્રમમાં તે મોંઘીદાટ અને વૈભવી કારોના મોટા કાફલા સાથે પહોંચ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેણે સ્ટેજ પર લાખો રૂપિયાની કરન્સી નોટો ઉડાડીને ભારે સનસનાટી મચાવી દીધી હતી, ત્યારથી જ તે સોશિયલ મીડિયા અને લોકમુખે ભારે ચર્ચામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક