• બુધવાર, 10 જૂન, 2026

શૈક્ષણિક સત્ર શરૂ છતાં ધોરણ 9 થી 12 ના 40% પાઠ્યપુસ્તકો હજુ શાળાઓએ પહોંચ્યા નથી

હજુ 20 દી’ પાઠય પુસ્તકો વગર જ અભ્યાસ કરવો પડશે

નવા સત્રના પ્રારંભે જ પાઠ્યપુસ્તક મંડળનું આયોજન ખોરવાયું; સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભારે દેકારો, ખાનગી વિક્રેતાઓને ત્યાં પણ અછત

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા. 9 : ગુજરાત રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે, પરંતુ રાજકોટ સહિત રાજ્યભરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમ ચલાવતી અસંખ્ય શાળાઓમાં હજુ સુધી ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તકો પૂરતા પ્રમાણમાં પહોંચ્યા નથી.  તંત્રના નબળા આયોજનના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પુસ્તકો  વિના ભણવા મજબૂર બન્યા છે. ખાસ કરીને ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થીઓના માથે અત્યારથી જ અભ્યાસમાં પાછળ રહી જવાનો ડર સતાવી રહ્યો છે. ધો. 9થી 12માં ગુજરાતી અને અંગ્રેજી બન્ને માધ્યમોમાં આ જ સ્થિતિ છે.

અછતની વર્તમાન સ્થિતિ : આંકડા શું કહે છે ?

સૂત્રોના અહેવાલો અનુસાર, ધોરણ 9 થી 12 ના મુખ્ય વિષયોના પુસ્તકો અનેક સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓમાં પહોંચ્યા નથી.

- રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં અંદાજે 35% થી 40% જેટલા પુસ્તકોની અછત છે.

- ધોરણ 10 (બોર્ડ): ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પુસ્તકો હજુ સુધી 60% શાળાઓમાં પૂરેપૂરા પહોંચ્યા નથી.

- ધોરણ 12 (સામાન્ય પ્રવાહ): અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને આંકડાશાસ્ત્રના પુસ્તકોની બજારમાં અને શાળાઓમાં અછત છે.

- ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ): ફિઝિક્સ (ભૌતિકવિજ્ઞાન) અને કેમિસ્ટ્રી (રસાયણવિજ્ઞાન) ના ભાગ-1 ના પુસ્તકો મળી રહ્યા છે, પરંતુ ભાગ-2 ના પુસ્તકોનું પ્રિન્ટિગ હજુ પૂરું થયું નથી.

-------------

સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ બોર્ડ, ઓનલાઈન પીડીએફ રૂપમાં પુસ્તકો ઉપલબ્ધ છે : ડીઈઓ

રાજ્યભરની મોટાભાગની સરકારી અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્માર્ટ બોર્ડ ઉપલબ્ધ છે. જેમાં શિક્ષકો પીડીએફ તરીકે સમગ્ર પુસ્તક ઉતારી શકે છે. વળી આ તમામ પુસ્તકો ઓનલાઈન માધ્યમમાં ઉપલબ્ધ છે. આથી  વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરમાં પણ પીડીએફ તરીકે અભ્યાસ કરી શકે છે. અમુક શાળાએ એવું પણ કર્યું છે કે ઉત્તિર્ણ થઈને ઉપરના વર્ગમાં જનારા વિદ્યાર્થી પાસેથી પાઠય પુસ્તક મેળવીને પાછલા ધોરણના વિદ્યાર્થીને આપવામા આવ્યા છે. એકંદરે રાજ્યભરની તમામ ગ્રાન્ટઈન એઈડ અને સરકારી શાળામાં ધો. 9થી 12ના પુસ્તકો 30 જુન સુધીમા પહોચતા થઈ જશે.

- દિક્ષિત પટેલ, રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી

 

ઇ-પેપરના નવા શુલ્ક