હોર્મુઝનાં ભરોસે ક્યાં સુધી ? વર્ષોથી અટકેલા પ્રોજેક્ટને ગતિ મળવાની આશા : સમુદ્રનાં તળીયે સર્જાશે ઇજનેરી ચમત્કાર
નવીદિલ્હી,
તા.9 : પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને તંગદિલીએ સર્જેલા ઊર્જા સંકટે સમગ્ર વિશ્વને ઊર્જા સુરક્ષા માટે સતર્ક કરી દીધું છે. ખાસ
કરીને ભારત જેવા દેશોને, જે મધ્યપૂર્વમાંથી ઊર્જા પુરવઠા પર જ મોટા પ્રમાણમાં નિર્ભર
છે અને આ સ્થિતિમાં સૌથી વધુ પ્રભાવિત પણ થયા છે. જેને ધ્યાનમાં રાખીને ભારત પોતાની
ઊર્જા સપ્લાયને વધુ સુરક્ષિત અને અવિરત બનાવવા માટે ઝડપથી પગલાં ભરવા લાગ્યું છે. જેનાં
ભાગરૂપે હવે ઓમાનથી ગુજરાત વચ્ચે એક લાંબી ગેસ પાઇપલાઇન બિછાવવાની યોજના આગળ વધારવામાં
આવી રહી છે.
આ પાઇપલાઇન
અરબ સાગરનાં તળિયે લગભગ 2,000 કિલોમીટર લાંબી ડીપ-સી (ગહન સમુદ્રી) ગેસ પાઇપલાઇન હશે.
ઓમાન અને ગુજરાતને જોડતી આ યોજના ઘણા સમયથી ચર્ચામાં હતી કારણ કે ભારત વધતી ભૂરાજકીય
અનિશ્ચિતતાઓ વચ્ચે વધુ વિશ્વસનીય ઊર્જા પુરવઠો સુનિશ્ચિત કરવા માગે છે.
છેલ્લા
ત્રણ દાયકાઓ દરમિયાન આ પ્રોજેક્ટની અનેક વખત સમીક્ષા કરવામાં આવી છે પરંતુ ઊંચી કિંમત,
ટેકનિકલ પડકારો અને વ્યાવસાયિક મુશ્કેલીઓનાં કારણે યોજના આગળ વધી શકી નહોતી. હવે આ
પ્રસ્તાવને સમર્થન આપતા ખાનગી સમૂહ સેજ (એસએજીઈ) દ્વારા સમુદ્રતળ સર્વેક્ષણ, ટેકનિકલ
અને નાણાકીય અભ્યાસ પૂર્ણ કરાયા બાદ આ પ્રોજેક્ટને નવી ગતિ મળી છે.
અંદાજ
મુજબ આ પ્રોજેક્ટ માટે લગભગ 40,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. ઓમાન-ગુજરાત ડીપ-સી
ગેસ પાઇપલાઇન વિશ્વની સૌથી ઊંડી સમુદ્રી પાઇપલાઇન યોજનાઓમાંની એક બની શકે છે. આ પાઇપલાઇન
દ્વારા કુદરતી ગેસનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે. જો આ પાઇપલાઇન બની જશે તો
ખાડી દેશો અને ભારત વચ્ચે સીધો ઊર્જા માર્ગ (કોરીડોર) ઉભો થશે અને તેનાં હિસાબે ભારતની
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે આવતાં ઊર્જા પરની નિર્ભરતા ઘટી શકે છે.
ભારત
પોતાની ઊર્જાની જરૂરિયાતો માટે આયાત પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. દેશ પોતાની મોટાભાગની
કાચા તેલની જરૂરિયાતો આયાતથી પૂરી કરે છે અને કુદરતી ગેસ, ખાસ કરીને એલએનજી (લિક્વિફાઇડ
નેચરલ ગેસ) માટે પણ વિદેશી પુરવઠા પર આધાર રાખે છે. આ આયાતનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી આવે છે અને તે ફારસનીને અરબી સમુદ્ર સાથે
જોડતા સાંકડા જળમાર્ગ હોર્મુઝમાંથી થઈ ને ભારત સુધી પહોંચે છે. આ માર્ગમાં કોઈપણ પ્રકારની
અડચણ ઊભી થાય તો વૈશ્વિક બજારો પર તરત અસર પડે છે. પરિણામે શાપિંગ ખર્ચ, ઇંધણના ભાવ
અને સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ શકે છે.
પ્રસ્તાવિત
પ્રોજેક્ટ હેઠળ સમુદ્રની અંદર બિછાવાયેલા નેટવર્ક દ્વારા ઓમાનને સીધું ગુજરાત સાથે
જોડવામાં આવશે. તેની સૌથી મોટી વિશેષતા તેની ઊંડાઈ છે. પાઇપલાઇનનો કેટલાક ભાગ સમુદ્રની
સપાટીથી 3,000 મીટર કરતાં વધુ ઊંડાઈએ જશે. આ કારણે તે અત્યાર સુધી પ્રસ્તાવિત થયેલી
સૌથી ઊંડી સમુદ્રી પાઇપલાઇન યોજનાઓમાંની એક બની શકે છે. આવી ઊંડાઈ સામાન્ય ઓફશોર ઊર્જા
પ્રોજેક્ટ્સ કરતાં ઘણી વધુ હોવાથી અત્યંત વિશિષ્ટ એન્જિનિયારિંગ સોલ્યુશન્સની જરૂર
પડશે.
આ પાઇપલાઇન
દ્વારા લાંબા ગાળાના પુરવઠા કરારો હેઠળ કુદરતી ગેસનું પરિવહન થવાની શક્યતા છે. તે ભારતને
તેના ઊર્જા સ્રોતોમાં વૈવિધ્યતા લાવવામાં મદદ કરશે અને સાથે જ ઓમાનને એક સ્થિર નિકાસ
બજાર પણ ઉપલબ્ધ કરાવશે. પ્રોજેક્ટના પ્રસ્તાવો અનુસાર, પરિવહન ખર્ચ પ્રતિ મિલિયન બ્રિટિશ
થર્મલ યુનિટ દીઠ લગભગ 2થી 2.25 અમેરિકન ડોલર વચ્ચે રહી શકે છે. જો કે, અંતિમ ખર્ચ ફન્ડિંગ
વ્યવસ્થા, બાંધકામ ખર્ચ અને ભવિષ્યમાં ગેસના બજારભાવ પર આધારિત રહેશે.