2018ના સુકાભઠ્ઠ 220 મીમીથી 2020-2024ના 1,900 મીમી પ્લસ સુધીની સફર : છેલ્લા એક દાયકાના સત્તાવાર આંકડાઓ જળ-બદલાવના ચોંકાવનારા સંકેતો આપે છે: દક્ષિણ સૌરાષ્ટ્ર ગ્રીન કેપિટલ બન્યું, મધ્ય-પશ્ચિમ પટ્ટામાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ
વરસાદના
દિવસો 100થી ઘટીને 45 થઇ ગયા, પણ 24 કલાકમાં સીઝનનો અડધો વરસાદ ખાબકવાનો ડેન્જરસ ટ્રેન્ડ
શરૂ થયો
જીતેન્દ્ર
રાદડિયા
રાજકોટ
તા.6: સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન ચોમાસાની પેટર્ન અને પ્રકૃતિમાં
કુદરતે એક બહુ મોટો અને આક્રમક યુ-ટર્ન લીધો છે. એક જમાનો હતો જ્યારે આખો પ્રદેશ અછત,
ટેન્કરો અને દુષ્કાળના સમાચારોથી હેડલાઇન્સમાં રહેતું હતું, પરંતુ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન
સેન્ટર અને હવામાન વિભાગના છેલ્લા એક દાયકાના સત્તાવાર આંકડાઓ પ્રોફેશનલ એનાલિસિસમાં
સાબિત કરે છે કે હવે આ પ્રદેશ ઝડપથી હાઈ-રેનફોલ ઝોન તરફ ટ્રાન્સફોર્મ થઈ રહ્યો છે.
આ 10 વર્ષના ગાળામાં સૌરાષ્ટ્રે 2018 જેવું અત્યંત કોરૂં અને ભયાનક વર્ષ પણ જોયું છે,
જ્યારે 2020, 2023 અને 2024 જેવું રેકોર્ડબ્રેક મહા-ચોમાસું પણ અનુભવ્યું છે. ગ્લોબલ
વોર્મિંગ અને અરબી સમુદ્રમાં બેક-ટુ-બેક સર્જાતી સાયક્લોનિક સિસ્ટમ્સના કારણે હવે લાંબા
ગાળાના ચોમાસાને બદલે ટૂંકા ગાળામાં આક્રમક વરસાદ ખાબકવાનો નવો ટ્રેન્ડ સામે આવ્યો
છે, જેણે ખેતી, જળ વ્યવસ્થાપન અને શહેરી આયોજનની આખી વ્યાખ્યા બદલી નાખી છે.
2018નો
ભયાનક દુષ્કાળ અને 2020ની જળક્રાંતિ
છેલ્લા
10 વર્ષના આંકડાકીય ઇતિહાસ પર બારીકાઈથી નજર કરીએ તો વર્ષ 2018 એ સમગ્ર દાયકાનું સૌથી
ગંભીર અને ભયજનક જળસંકટવાળું વર્ષ હતું. આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્ર પાણીના એક-એક ટીપા
માટે ટળવળ્યું હતું. પશ્ચિમ સૌરાષ્ટ્રના પટ્ટામાં સ્થિતિ એટલી ખરાબ હતી કે દેવભૂમિ
દ્વારકા જિલ્લામાં આખી સીઝનનો માત્ર 220 મિલીમીટર (અંદાજે 9 ઇંચ) અને મોરબી જિલ્લામાં
280 મિલીમીટર (11 ઇંચ) વરસાદ નોંધાયો હતો. માલધારીઓનું હિજરત અને જળાશયોના તળિયા દેખાવા
તે સમયે સામાન્ય બન્યું હતું. પરંતુ, આ નબળા વર્ષના બરાબર બે જ વર્ષ બાદ કુદરતે એવો
પલટો માર્યો કે વર્ષ 2020 સૌરાષ્ટ્રના ઇતિહાસનું સર્વકાલીન ભીનું વર્ષ સાબિત થયું.
2020ના ચોમાસામાં ગીર સોમનાથ જિલ્લામાં 1,910 મિલીમીટર (76 ઇંચ) અને દેવભૂમિ દ્વારકામાં
1,850 મિલીમીટર (74 ઇંચ) વરસાદ ખાબક્યો હતો. માત્ર 24 મહિનાની અંદર દ્વારકા જેવા જિલ્લામાં
વરસાદમાં 8 ગણો (800%) વધારો થવો, તે ક્લાઇમેટ ચેન્જની સૌથી મોટી અને પ્રત્યક્ષ સાબિતી
છે.
વરસાદના
દિવસો ઘટ્યા, ફ્લેશ ફ્લડની ઘટનાઓ વધી
હવામાન
નિષ્ણાતો અને ઇકોલોજીસ્ટ્સના મતે, આ 10 વર્ષના ડેટા ભલે ખુશ કરનારા હોય પણ તેની પાછળ
એક ચિંતાજનક આબોહવાકીય ખતરો છુપાયેલો છે. અગાઉ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધીના 100
દિવસોમાં ધીમી ધારે સરખું વહેંચાયેલું રહેતું હતું. હવે વરસાદના કુલ દિવસો ઘટીને
40 થી 45 દિવસ થઈ ગયા છે. પરંતુ, માત્ર 24 કે 48 કલાકના સિંગલ સ્પેલ (વરસાદી રાઉન્ડ)
માં જ આખી સીઝનનો 20 થી 30 ઇંચ વરસાદ ખાબકી જવાની ઘટનાઓ ખૂબ વધી ગઈ છે. આ પ્રકારનો
આક્રમક વરસાદ જમીનનું ધોવાણ કરે છે અને શહેરોમાં ફ્લેશ ફ્લડ (તાત્કાલિક પૂર) ની સ્થિતિ
પેદા કરે છે, જે ભવિષ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે મોટો પડકાર છે.
રાજ્યના
207 જળાશયમાં કુલ જળસંગ્રહ 51.03 ટકા
સૌરાષ્ટ્રના
141 જળાશયમાં 31.31 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, સરદાર સરોવરમાં 68.01 ટકા પાણીનો સંગ્રહ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 8: ગુજરાતના જળાશયોમાં હાલ પાણીનો સંતોષકારક જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના કુલ 207
જળાશયોમાં હાલ 4,55,215 મિલિયન ઘનફૂટ (એમસીએફટી) પાણીનો સંગ્રહ નોંધાયો છે, જે કુલ
સંગ્રહ ક્ષમતાના 51.03 ટકા જેટલો થાય છે. ગત વર્ષની સમાન તારીખે આ સંગ્રહ 44.91 ટકા
હતો, જેના મુકાબલે આ વર્ષે જળસંગ્રહની સ્થિતિ વધુ સારી જોવા મળી રહી છે એમ રાજ્યના
જળ સંપત્તિ વિભાગ જાહેર કરાયેલ એક અહેવાલ દર્શાવે છે.
એકંદરે
અહેવાલ જોતા જણાય છે કે ચોમાસા પૂર્વે રાજ્યના જળાશયોમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો ગયા વર્ષની
સરખામણીએ વધુ અનુકૂળ સ્થિતિ દર્શાવે છે. ખાસ કરીને સરદાર સરોવર સહિતના મુખ્ય જળાશયોમાં
સંતોષકારક જળસંગ્રહ હોવાથી આગામી પીવાના પાણી, સિંચાઈ અને ઔદ્યોગિક જરૂરિયાતો માટે
રાજ્ય વધુ સુસજ્જ સ્થિતિમાં છે. તેમ છતાં સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના અનેક જળાશયો
હજુ નીચા સ્તરે હોવાથી આગામી ચોમાસાની વરસાદી પરિસ્થિતિ મહત્ત્વપૂર્ણ રહેશે. રાજ્યના
206 જળાશય (સરદાર સરોવર સિવાય)માં હાલ કુલ 2,28,004 એમસીએફી પાણીનો સંગ્રહ છે, જે તેમની કુલ સંગ્રહ
ક્ષમતાના 40.87 ટકા જેટલો છે. જ્યારે રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર જળાશયમાં 2,27,211
એમસીએફી પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 68.01 ટકા જેટલો થાય છે. વિસ્તારવાર
જળસંગ્રહની સ્થિતિ જોતા જણાય છે કે ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 43.53 ટકા, મધ્ય ગુજરાતના
17 જળાશયમાં 53.12 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 40.24 ટકા પાણી ઉપલબ્ધ છે. કચ્છના
20 જળાશયમાં 29.39 ટકા અને સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 31.31 ટકા પાણીનો જથ્થો નોંધાયો
છે.