એકબીજાને બચાવવા જતાં ચારેય યુવાનો કાળનો કોળિયો બન્યા; શ્રમિકોએ પીપીઇ કિટ ન પહેરી હોવાનો ખુલાસો, પોલીસ તપાસ શરૂ
સુરત,
તા.7 : સુરતના વરાછા રોડ પર આવેલી ખાંડ બજાર નજીક આજે સવારે સુરક્ષા નિયમોના સરેઆમ
ધજાગરા ઉડાવતી એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર દુર્ઘટના સામે આવી છે. અશ્વિની કુમાર
વિસ્તારમાં આવેલી એક જ્વેલરી ફેક્ટરીના કેમિકલ યુક્ત વેસ્ટેજ પાણીના ઊઝઙ પ્લાન્ટની
ટેન્ક સાફ કરવા ઉતરેલા સુપરવાઇઝર સહિત ચાર આશાસ્પદ શ્રમિક યુવાનોના ઝેરી ગેસ શ્વાસમાં
ચડી જતાં ગૂંગળાઈ જવાથી કરુણ મૃત્યુ નીપજ્યાં છે. સેફ્ટી કિટ કે ઓક્સિજન માસ્ક જેવા
અનિવાર્ય સાધનો વિના જ શ્રમિકોને મોતનાં મોંમાં ધકેલી દેવાયા હોવાનું પ્રાથમિક તપાસમાં
બહાર આવતાં સમગ્ર શહેરમાં ભારે આક્રોશ અને અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી
વિગતો મુજબ, અશ્વિની કુમાર રોડ પર આવેલી ‘રતી જ્વેલર્સ’ નામના એકમમાં સોના અને જ્વેલરીનું
કામકાજ થાય છે. આ ફેક્ટરીના વેસ્ટેજ કેમિકલ યુક્ત પાણી માટે બનાવેલા ઈટીપી પ્લાન્ટની
ટેન્કની દર બે મહિને સફાઈ કરવામાં આવે છે. આજે સવારે આશરે 10:20 વાગ્યાની આસપાસ એક
સુપરવાઇઝર અને ત્રણ શ્રમિકો સફાઈ માટે ટેન્કની અંદર ઉતર્યા હતા. જોકે, અંદર ફેલાયેલા
અત્યંત ઝેરી ગેસનાં કારણે ચારેય શ્રમિક ગૂંગળાવા લાગ્યા હતા અને જોતજોતામાં અંદર જ
બેભાન થઈ ગયા હતા. ફાયર વિભાગને સવારે 10:22 વાગ્યે કોલ કરીને એવી માહિતી આપવામાં આવી
હતી કે ટેન્કમાં માત્ર એક જ વ્યક્તિ ફસાયો છે. જો કે, ફાયર બ્રિગેડની ટીમ જ્યારે ગણતરીની
મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું ત્યારે ટેન્કની અંદરથી
એક નહીં પરંતુ ચાર વ્યક્તિ ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. ફાયરની ટીમે ભારે જહેમત બાદ
ચારેયને બહાર કાઢી તાત્કાલિક 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડયા હતા, જ્યાં ફરજ
પરના તબીબોએ નિમેષ વિઠ્ઠલભાઈ સાવલિયા (સુપરવાઇઝર - ઉં. 26 વર્ષ) વિકાસ કુમાર સંતોષભાઈ સોનાવણે (શ્રમિક - ઉં. 24 વર્ષ),
વિજય ભીખાભાઈ આહિરે (શ્રમિક - ઉં. 24 વર્ષ) અને યોગેશ જાદવને મૃત જાહેર કર્યા હતા.
ડિવિઝનલ
ફાયર ઓફિસર ખડિયા રણજીતાસિંહના જણાવ્યા મુજબ જ્યારે શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા
ત્યારે તેઓ તદ્દન બેભાન અવસ્થામાં હતા. સૌથી મોટી આઘાતજનક વાત એ છે કે તેઓએ સેફ્ટીની
કોઈ જ વસ્તુ (જેમ કે માસ્ક કે પીપીઈ કિટ) પહેરી ન હતી, અને ઘટનાસ્થળની આજુબાજુ તપાસ
કરતા પણ આવું કોઈ સુરક્ષા સાધન મળી આવ્યું નથી.
આ ગંભીર
બેદરકારી અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં સ્પષ્ટપણે સેફ્ટી
પ્રોટોકોલનું પાલન થયું ન હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો
નોંધીને તપાસ હાથ ધરી છે. આ પ્રકારની કામગીરી માટે નિયમ મુજબ શું પ્રોટોકોલ હોવા જોઈએ
અને તેમાં ક્યાં ખામી રહી ગઈ, તેની ડિટેઇલ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી
કરવામાં આવશે.