• સોમવાર, 08 જૂન, 2026

અમેરિકાની નજર હવે ઈરાનની સંપત્તિ ઉપર !

ખાડી દેશોમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા અમેરિકા ઈરાનની સંપત્તિનો ઉપયોગ કરવાની તૈયારીમાં : યુદ્ધવિરામ જોખમાશે

નવીદિલ્હી, તા.7 : યુદ્ધવિરામ લાગુ હોવા છતાં અમેરિકા અને ઈરાન વચ્ચે તનાવ ઘટવાનું નામ લેતો નથી. અમેરિકા હવે ઈરાનની સ્થગિત કરાયેલી મિલકતોને ખાડી દેશોમાં થયેલાં નુકસાનનાં સમારકામ અને પુન:નિર્માણ માટે પ્રયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે. ઈરાન તરફથી કુવૈત અને બહેરીન ઉપર કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલા બાદ વોશિંગ્ટન આના માટે ગંભીરતાથી વિચારતું હોવાનું સૂત્રોના હવાલેથી અહેવાલોમાં જાણવા મળે છે. બીજીબાજુ અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો કરાવવા અને સમાધાનનો શ્રેય ખાટવા માટે પાકિસ્તાન એડીચોટીનું જોર લગાડતું જાય છે. પાક.ના ગૃહમંત્રી મોહસીન નક્વી ઈરાનના સર્વોચ્ચ નેતા મોઝતબા ખામેની માટે એક સંદેશો લઈને તેહરાન પહોંચી ગયા છે. આ સંદેશો મહત્ત્વનો હોવાનું કહેવામાં આવે છે પણ હાલનાં તબક્કે આમાં શું છે તેનો કોઈ ફોડ પડયો નથી.

બીજીબાજુ અમેરિકાનાં નાણામંત્રી સ્કોટ બેસંટે એક વિશેષ ટીમને ઈરાન દ્વારા ખાડી સહયોગી દેશોમાં થયેલા નુકસાનનું વિસ્તૃત આકલન કરવાનો નિર્દેશ આપ્યો છે. ટીમ ભવિષ્યમાં થતાં કોઈપણ હુમલા કે વિનાશ પછી તેનાં સમારકામ માટે ઈરાનનાં સંસાધનોનો જ ઉપયોગ કરવા અંગે મંથન કરશે.  આ ઘટનાક્રમ ઈરાનનાં સર્વોચ્ચ નેતાના સલાહકાર મોહસેન રેઝાઈનાં એ નિવેદન પછી સામે આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે, ત્રણ માસથી ચાલતાં યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકા દ્વારા ટાંચમાં લેવામાં આવેલી 24 અબજ ડોલરની ઈરાની સંપત્તિઓને મુક્ત કરવામાં આવે તે જરૂરી છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ નથી કર્યું કે તે કેવા પ્રકારની ઈરાનની સંપત્તિની તપાસ કરે છે પણ જે પ્રકારે સંકેત મળી રહ્યા છે તેને જોતા કહેવામાં આવે છે કે, જપ્ત થયેલી સંપત્તિ સુધી મામલો સીમિત રહેવાનો નથી. આ સંજોગોમાં ફરી એકવાર બન્ને દેશ વચ્ચે નવેસરથી તણખાં ઝરવાનું નક્કી છે અને અમેરિકાનાં આવા કોઈપણ પગલાથી યુદ્ધવિરામ જોખમાઈ જાય તેવી પૂરી શક્યતા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક