• બુધવાર, 27 મે, 2026

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર વેટ ટેક્સનો દર સૌથી ઓછો છતાં આવકમાં દેશમાં ત્રીજા ક્રમે

હૃષિકેશ વ્યાસ 

અમદાવાદ, તા.26: ગુજરાત સહિત દેશમાં અત્યારે પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવ અને તેની આડ-અસરરુપે સતત વધતી મોંઘવારી લોકચર્ચા અને ચિંતાનો મુખ્ય વિષય બન્યાં છે. તાજેતરમા પીપીએસી (પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ) દ્વારા જાહેર કરાયેલા આંકડા ચોંકાવનારા છે. જે દર્શાવે છે કે, પેટ્રોલ-ડીઝલમાંથી કમાણી મામલે ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં સામેલ છે, પરંતુ દક્ષિણ સહિત અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સનો દર ઘણો ઓછો છે. માર્ચ- 2026ના રોજ પૂરા થતાં વર્ષ 2025-26ના આંકડા મુજબ, ગુજરાત સરકારે પેટ્રોલિયમ પેદાશો પરના સેલ્સ ટેક્સ અને વેટમાંથી કુલ રૂ. 21,612 કરોડની આવક મેળવી હતી. જે રોજની અંદાજે રૂ.59.21 કરોડ જેટલી થાય છે. અહીં નોંધનીય છે કે, ગુજરાત સરકારની પોતાની જે વાર્ષિક કુલ ટેક્સની આવક થાય છે. તેમાં આ પેટ્રોલિયમ પેદાશોનો હિસ્સો સૌથી ઊંચો એટલે કે અંદાજે 17થી 18 ટકા જેટલો છે. બીજા શબ્દોમાં કહીએ તો, રાજ્યમાં જેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ કે તેના ભાવ વધે છે, તેમ રાજ્યની વેટ વેરાની આવકમાં ધરખમ વધારો થાય છે. ગુજરાતમાં ટેક્સની ગણતરી રસપ્રદ છે. અહીં પેટ્રોલ કે ડીઝલ પર જે બેઝિક વેટ લાગે છે ત્યારબાદ તેના પર 4 ટકા સેસ લાગે છે. આ સેસની રકમ ઉમેરાયા બાદ જે આંકડો આવે તેના પર પણ ફરીથી ટઅઝની ગણતરી થાય છે. આ ‘ટેક્સ પર ટેક્સ’ની માયાજાળને કારણે જ કિંમત સીધી ઉપર જાય છે.

છેલ્લા દસ દિવસમાં ચાર વખતના વધારા પછી અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 101.83 અને ડીઝલ 97.92 પ્રતિ લીટરે પહોંચી ગયો છે. જેના કારણે રાજ્યના રાજિંદા અર્થતંત્ર અને સરકારી ખજાના પર તેની સીધી અસર થઈ રહી છે. આ વર્ષના પ્રથમ નવ મહિનાના ડેટા અનુસાર, ગુજરાતમાં વાર્ષિક પેટ્રોલ વપરાશ આશરે 29.9 લાખ કિલોલીટર અને ડીઝલ વપરાશ 57.17 લાખ કિલોલીટર છે. અર્થાત આ ભાવ વધારા પહેલાં રાજ્યમાં રોજનું કુલ વપરાશ લગભગ 2.38 લાખ કિલોલીટરની આસપાસ હતું. જેમાં પેટ્રોલના આશરે 82,000 કિલોલીટર અને ડીઝલના 1.57 લાખ કિલોલીટરનો સમાવેશ થાય છે પરંતુ હવે છેલ્લા સપ્તાહ દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવમાં આશરે રૂ.7.50 જેટલો વધારો થયો છે. જેના કારણે પેટ્રોલ-ડીઝલની વપરાશમાં 5થી 10 ટકાનો ઘટાડો થવો સંભવ છે.

હાલમાં રોજનું કુલ વપરાશ 2.15 લાખથી 2.30 લાખ કિલોલીટરની વચ્ચે રહેવાની શક્યતા છે. આ ભાવ વધારા પહેલાં સરકારની પેટ્રોલ-ડીઝલ પર રોજની વેટ અને સેસની જે આવક આશરે રૂ. 2.8થી 3.2 કરોડની આસપાસ હતી. હવે તે વધીને રૂ. 3.1થી 3.6 કરોડ પ્રતિ દિવસે પહોંચી ગઈ છે. આ ગણતરી મુજબ, આ વધારાથી ગુજરાત સરકારને  વાર્ષિક રૂ.1,200થી રૂ. 1,350 કરોડ વધારાની આવક થવાનો અંદાજ છે.

દેશમાં જ્યારે તેલંગાણા અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં ટેક્સનો દર 31થી 35 ટકા જેટલો ભારે છે ત્યારે ગુજરાતમાં પેટ્રોલ પર બેઝિક વેટ માત્ર 13.7 ટકા છે. દેશમાં હજુ પણ આસામ પછી ગુજરાત સૌથી સસ્તા ભાવવાળા રાજ્યોમાંનું એક છે. આમ છતાં, ગુજરાત કમાણીમાં આખા દેશમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પછી ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં ટેક્સ ટકાવારી પર આધારિત હોવાથી, જેમ બેઝ પ્રાઇઝ વધશે તેમ ટેક્સની રકમ આપોઆપ વધી જશે એટલે કે જનતાના ખિસ્સા ખાલી થશે પણ સરકારની રોજની આવક રૂ. 60 કરોડને પાર થઈ જશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક