પાવર પ્લેની 6 ઓવરમાં 76 અને અંતિમ 6 ઓવરમાં 114 રન ઝૂડયાં
ધર્મશાલા
તા.26: કેપ્ટન રજત પાટીદારની માત્ર 33 દડામાં 9 છક્કા અને પ ચોક્કાથી 93 રનની અણનમ-આતશી
ઇનિંગની મદદથી ગુજરાત ટાઈટન્સ વિરૂધ્ધના કવોલીફાયર-1 મેચમાં આરસીબીએ પ વિકેટે 2પ4 રનનો
મોટો સ્કોર બનાવ્યો હતો. જે આઇપીએલ પ્લેઓફ રાઉન્ડનો સૌથી વધુ ટીમ ટોટલ છે. આરસીબીએ
પાવર પ્લેની 6 ઓવરમાં 76 રન કર્યાં હતા અને આખરી 6 ઓવરમાં પાવર હિટિંગ કરીને 114 રન
ઝૂડયા હતા. આથી ટાઈટન્સને ફાઇનલમાં પહોંચવા 2પપ રનનું કઠિન વિજય લક્ષ્ય મળ્યું હતું.
આરસીબીએ આક્રમક શરૂઆત બાદ વૈંકટેશ અય્યરની વિકેટ ગુમાવી હતી. તે 7 દડામાં 19 રને આઉટ
થયો હતો. આ પછી કોહલી અને પડીક્કલ વચ્ચે બીજી વિકેટમાં 38 દડામાં 72 રનની ઝડપી ભાગીદારી
થઇ હતી. જો કે કોહલી 43 અને પડીક્કલ 30 રને ઉપરાઉપરી આઉટ થતાં ટાઈટન્સને વાપસીની તક
મળી હતી, પણ ખરાબ ફિલ્ડીંગ અને દીશાવિહીન બોલિંગને લીધે આરસીબી કપ્તાન પાટીદાર અને
કુણાલ પંડયાએ રન રફતાર વધારી દીધી હતી. આ બન્ને વચ્ચે 47 દડામાં 9પ રનની ભાગીદારી થઇ
હતી. કુણાલે 28 દડામાં પ ચોક્કા-2 છક્કાથી આક્રમક 43 રન કર્યાં હતા. અંતમાં જિતેશ શર્મા
(1પ) અને પાટીદાર વચ્ચે 12 દડામાં 40 રનની અતૂટ ભાગીદારીથી આરસીબીનો સ્કોર 2પ4 રને
પહોંચી ગયો હતો. પાટીદારના બે કેચ પડતા મુકવા ટાઈટન્સને મોંઘા પડયા હતા. રબાડા અને
હોલ્ડરે 2-2 વિકેટ લીધી હતી.