• બુધવાર, 27 મે, 2026

વીંછિયાના છાસિયા ગામે જૂની અદાવતમાં યુવકની ધારીયું ઝીંકી હત્યા

‘તારી પત્નીને લઈ જઈશ’ કહી અગાઉ મકાન સળગાવ્યું હતું, પોલીસે પગલાં ન લેતા હત્યારાએ ચાલુ બાઈકે જીવલેણ હુમલો કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ

રાજકોટ, તા.26: રાજકોટ પંથકમાં જાણે કાયદો અને વ્યવસ્થાનું ચિરહરણ થઈ ગયું હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. હજુ સાત દિવસ પહેલા જ જસદણ, પડધરી અને ગોંડલમાં સર્જાયેલા ખૂની ખેલની શાહી સુકાઈ નથી, ત્યાં વીંછિયા તાલુકાના છાસિયા ગામે વધુ એક લોહિયાળ ખેલ ખેલાયો છે. છાસિયા ગામે જૂની અદાવતનો ખાર રાખીને એક યુવકની ચાલુ બાઈકે ધારીયું ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, છાસિયા ગામે રહેતો 32 વર્ષીય જસમતભાઈ ઉર્ફે મનસુખભાઈ માવજીભાઈ મકવાણા સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના સસરાના ગામ ઓરીથી ઇમિટેશનનું કામ લઈને બાઈક પર પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન છાસિયા ગામના જૂના બસ સ્ટેશન પાસેથી પસાર થતી વખતે ગામના જ રમેશ લીંબાભાઈ જોગરાજીયા નામના શખસે જૂની અદાવત રાખી ચાલુ બાઈકે જસમત પર ધારીયા વડે જોરદાર હુમલો કર્યો હતો. ધારીયાનો ઘા વાગતા જ જસમત લોહીલુહાણ હાલતમાં રોડ પર ઢળી પડયો હતો અને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક જસમત અને હત્યારા રમેશ વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી નજીવી બાબતે ઝઘડો ચાલતો હતો. અગાઉ પણ બંને વચ્ચે અવારનવાર ઝપાઝપી થઈ હતી. પરિવારના આક્ષેપ અનુસાર, ત્રણ વર્ષ પહેલા હત્યારા રમેશે જસમતની વાડીએ આવેલા મકાનમાં આગ ચાંપી દીધી હતી અને ‘તારી પત્નીને હું લઈ જઈશ‘ તેવી ધમકી પણ આપી હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી ન કરી હોવાનો ગંભીર આક્ષેપ પરિવારે લગાવ્યો છે. મૃતક જસમત પોતાના એક ભાઈ અને એક બહેનમાં મોટો હતો. તેના પરિવારમાં 18 વર્ષની પુત્રી અને 10 વર્ષનો પુત્ર છે. ઘરના મોભીની અચાનક હત્યા થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ વીંછિયા પોલીસ મથકનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડયો છે અને હત્યારા રમેશ જોગરાજીયા સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક