ન્યૂ ચંદિગઢમાં આજે એલિમિનેટર મેચ : પરાજિત ટીમ IPLની બહાર થશે
ન્યૂ
ચંદિગઢ, તા.26 : આઇપીએલ-2026 સીઝનના પ્લેઓફ રાઉન્ડનો એલિમિનેટર મેચ બુધવારે અહીંના
મલ્લાપુરમ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચની
વિજેતા ટીમ માટે ફાઇનલ પ્રવેશની આશા જીવંત રહેશે જ્યારે હાર સહન કરનાર ટીમ આઇપીએલની
બહાર થશે. વિજેતા ટીમ શુક્રવારે કવોલીફાયર-2 મેચ રમશે. જેમાં તેની સામે કવોલીફાયર-1
મેચની પરાજિત ટીમ હશે.
પોતાના
વિસ્ફોટક બેટધરોને લીધે મજબૂત જણાતી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ જ્યારે એલિમિનેટર મેચમાં
રાજસ્થાન રોયલ્સનો સામનો કરવા ઉતરશે ત્યારે તેમણે 1પ વર્ષીય પાવર હિટર વૈભવ સૂર્યવંશી
અને તેજ તર્રાર જોફ્રા આર્ચર સામે સાવધ રહેવું પડશે. સનરાઇઝર્સની સીઝનની શરૂઆત સારી
રહી ન હતી, પણ બીજા તબકકામાં ફોર્મ હાંસલ કરી લીધું હતું. નિયમિત કપ્તાન કમિન્સનાં
આગમનનો ટીમને ફાયદો મળ્યો. આખરી 7 મેચમાંથી પાંચમાં જીત મેળવી પ્લેઓફમાં જગ્યા બનાવી.
સનરાઇઝર્સનાં
બેટિંગ યુનિટને સૌથી આક્રમક માનવામાં આવે છે. અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન
અને હેનરિક કલાસેન હરીફ ટીમના બોલર્સ સામે હલ્લાબોલ માટે જાણીતી છે. અભિષેક પ63, ઇશાન
પ69 અને કલાસેન 606 રન કરી ચૂક્યા છે. જો કે હેડ માટે સીઝન ઠીકઠાક રહી છે. તેના ખાતામાં
393 રન છે. હેડ અતિતમાં નોકઆઉટ મેચમાં એકથી વધુ વખત મેચ વિનિંગ ઇનિંગ રમી ચૂક્યો છે.
જે વાત આરઆરના કોચ સંગકારા સારી રીતે જાણે છે.
બીજી
તરફ રાજસ્થાન રોયલ્સનો હુકમનો એક્કો વૈભવ સૂર્યવંશી છે. તે પ3 છક્કા સાથે પ83 રન કરી
શક્યો છે. તે જો પાવર પ્લેમાં ક્રિઝ પર ટકી ગયો હતો સનરાઇઝર્સની મુશ્કેલી વધી જશે.
આ સિવાય યશસ્વી જયસ્વાલ 397 અને ધ્રુવ જુરેલ 4પ8 રન કરી ચૂકયા છે. કપ્તાન રિયાન પરાગ
અનફિટ અને આઉટ ઓફ ફોર્મ છે. જેનો ફાયદો સનરાઇઝર્સને મળશે. જોફ્રા આર્ચરના ઓલરાઉન્ડ
દેખાવથી રાજસ્થાનને પ્લેઓફની ટિકિટ મળી છે. હવે આ ઇંગ્લિશ ખેલાડી પાસેથી ટીમને વધુ
એક મેચમાં ઉમદા દેખાવની અપેક્ષા બની રહેશે.
આ મેદાન
પર વર્તમાન સીઝનમાં જે ચાર મેચ રમાયા છે તેમાં બેટધરોનો હાથ ઉપર રહ્યો છે. ત્રણ મેચમાં
તો 220 ઉપરનો સ્કોર બન્યો છે. જેમાં યજમાન ટીમ પંજાબ કિંગ્સનો 2પ4 રનનો સ્કોર સૌથી
ઊંચો છે.