હરિયાણાના વકીલે કોકરોચ જનતા પાર્ટી નામે પક્ષની નોંધણી માટે ચૂંટણીપંચમાં દાખલ કરી દીધી અરજી : કોંગ્રેસે પણ છેડયું ઇન્ડિયન યુથ કોકરોચ અભિયાન
નવીદિલ્હી, તા.26 : ઇન્ટરનેટ,
સોશિયલ મીડિયામાં સનસનાટી મચાવનાર કોકરોચ જનતા પાર્ટીની અભૂતપૂર્વ ઝડપે વધેલી પહોંચથી
અનેક રાજકીય મહત્ત્વાકાંક્ષીઓની દાઢ ડળકવા લાગી છે. જેમાં આ પાર્ટી બનાવનાર અભિજીત
દીપકેને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. હરિયાણાના પાણીપતના એક વકીલે મોટો દાવ ખેલીને
ચૂંટણી પંચમાં અરજી દાખલ કરીને પોતાનાં નામે આ પાર્ટીનાં રજિસ્ટ્રેશન માટે અરજી કરી
દીધી છે. જો ચૂંટણી પંચ તેની અરજી સ્વીકારી લેશે તો કોકરોચ જનતા પાર્ટી નામ ઉપર તેનો
સત્તાવાર કબજો થઈ જશે.
પાણીપતના રહેવાસી વકીલ સુધીર
જાખડે પોતાને કોકરોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે દર્શાવીને ચૂંટણી આયોગના
રજિસ્ટ્રેશન સચિવ સમક્ષ અરજી દાખલ કરી છે. તેમણે રિપ્રેઝન્ટેશન અૉફ પીપલ એક્ટની કલમ
29એ હેઠળ પાર્ટીના રજિસ્ટ્રેશનની માગ કરી છે. ખાસ વાત એ છે કે અરજીમાં સીજેપીનો કોકરોચવાળો
લોગો પણ ઉપયોગમાં લેવામાં
આવ્યો છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ)
સૂર્યકાંત દ્વારા બેરોજગાર યુવાનો અંગે કરવામાં આવેલી ટિપ્પણી બાદ અમેરિકામાં અભ્યાસ
કરી રહેલા અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી નામે હેન્ડલ બનાવ્યું
હતું અને તે વીજળીક ઝડપે ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષો કરતા પણ ફોલોઅર્સમાં આગળ નીકળી
ગયું હતું. જાખડે કહ્યું હતું કે, પાર્ટીએ દીપકેનો સંપર્ક કરીને તેમને ભારત આવી પાર્ટીનું
રજિસ્ટ્રેશન કરાવવાની અપીલ કરી હતી. દીપકે
આ અભિયાનને જમીન પર એક વાસ્તવિક રાજકીય પાર્ટીમાં ફેરવવાનો ઇનકાર કર્યા બાદ કોઈ બીજું
આ નામે પાર્ટી રજિસ્ટર કરાવી તેનો દુરુપયોગ કરશે તો આખું આંદોલન ખતમ થઈ જશે. એ વિચારીને નોંધણી કરાઈ છે.
બીજીબાજુ કોકરોચ પાર્ટીને લઈને
ડિજીટલ દુનિયામાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ઇન્ડિયન યુથ કોંગ્રેસે યુવાનો સાથે જોડાયેલા
પેપર લીક, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને જોરશોરથી ઉઠાવવા માટે ઇન્ડિયન યુથ
કોકરોચ અભિયાન શરૂ કર્યું છે. યુથ કોંગ્રેસનું કહેવું છે કે તેમના કાર્યકરો જ અસલી
કોકરોચ છે.