• સોમવાર, 20 એપ્રિલ, 2026

સુરતમાં ઉધના રેલવે સ્ટેશને ભીડ બેકાબૂ બનતા અફરાતફરી

8 હજાર મુસાફરો સામે માત્ર બે જ ટ્રેનથી પરિસ્થિતિ બેકાબૂ બની : બે મુસાફર બેભાન થઈ ગયા

(અમારા પ્રતિનિધિ તરફથી)  સુરત તા. 19 :  મિનિ ભારત તરીકે ઓળખતા સુરત શહેરમાં રોજગારી અર્થે મોટી સંખ્યામાં ઉત્તર અને પૂર્વ ભારતમાંથી કામદારો આવે છે. છેલ્લા બે મહિનાથી મધ્ય-પૂર્વના યુદ્ધને કારણે ઇંધણની અછતને કારણે કામદારોને વતન વાપસી શરૂ કરી છે. આજે સુરતના ઉધના રેલ્વે સ્ટેશને ભીડ બેકાબુ બની હતી.

સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પરથી રોજની બે અનઆરક્ષિત ટ્રેનો ઉત્તર ભારત તરફ દોડાવવામાં આવે છે. આમ છતાં આજે મોટી સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશને આવી ચઢતા તંત્ર સામે પડકાર આવ્યો હતો. સામાન્ય રીતે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત જતા મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. પરંતુ આજે મુસાફરોની સંખ્યા બે ગણી વધી ગઈ હતી. બે કિલોમીટર લાંબી મુસાફરોની લાઈન લાગી હતી. ઘણાં મુસાફરોને આજે ટ્રેનમાં જગ્યા ન મળતાં તેઓએ પરત ફરવું પડ્યું હતું. ગેસ સિલિન્ડરની અછતને કારણે કામદારો વતન જઈ રહ્યા હોવાનું કહેવાય છે. જો કે દર વર્ષે ઉનાળાંના વેકેશનમાં કામદારો પરિવાર પાસે જતાં હોય છે. પરંતુ છેલ્લા બે માસથી કામકાજ ઘટ્યું હોવાથી અનેક કામદારોએ વતનની વાટ પકડી છે. 

 પરપ્રાંતીયોએ વતન તરફ દોટ મૂકી છે. જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. મુસાફરો 16 કલાકથી ભૂખ્યા-તરસ્યા 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. ભીડ એટલી હદે વધી ગઈ હતી કે કાબૂમાં લેવામાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

આ દરમિયાન કેટલીક મહિલાઓએ અણીદાર બેરિકેડ કુદાવ્યા હતા. 8000થી વધુ મુસાફરોની સામે માત્ર બે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ હોવાથી આ સ્થિતિ સર્જાઈ હતી. અસહ્ય ગરમી અને ગૂંગળામણને કારણે લાઈનમાં ઊભેલા બે મુસાફર બેભાન થઈ ગયા હતા. તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે મુસાફરોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

 રેલવે ઓફિસર શ્રવણકુમાર મેઘવાલે આ અંગે જણાવ્યું હતું કે ભીડને જોતા અમે પ્રી-પ્લાનિંગ કર્યું છે અને ચાર-પાંચ એક્સ્ટ્રા અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવી છે. રાત્રે 1:30 વાગ્યે એક ટ્રેન 4000 મુસાફરોને લઈને રવાના થઈ હતી. ત્યાર બાદ સવારે પણ અંત્યોદય અને તાપ્તી ગંગા જેવી ટ્રેનો દ્વારા હજારો મુસાફરોને મોકલવામાં આવ્યા છે. 6 ટ્રેનોની માગ સામે 6 ટ્રેનો દોડાવવામાં આવી હોવાનો દાવો રેલવે કરી રહ્યું છે.

પત્નીના અસ્થિ લઈને ટ્રેનમાં ચડવા મથતો

યુવાન, પીવાના પાણી માટે લૂંટમારના દ્રશ્યો

પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે લોકો એકબીજાના હાથમાંથી પાણીની બોટલો લૂંટતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. આ ભીડમાં એક હૃદયદ્રાવક કિસ્સો પણ જોવા મળ્યો હતો, જેમાં એક યુવક પોતાની પત્નીના અસ્થિઓ હાથમાં લઈ કલાકો સુધી ટ્રેનમાં ચઢવા માટે આમતેમ રઝળતો રહ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક