• રવિવાર, 19 એપ્રિલ, 2026

રશિયાનાં ઓઈલ ઉપર પ્રતિબંધમાંથી છૂટ વધુ 30 દિવસ લંબાવતું અમેરિકા ભારત ફરીથી ધીંગી આયાત કરીને આ સ્થિતિનો લાભ મેળવશે

નવી દિલ્હી, તા.18: ઊર્જા સંકટ વચ્ચે રશિયા પાસેથી ઓઈલ અને પેટ્રોલિયમ પેદાશો ખરીદવા ઉપર મૂકેલા પ્રતિબંધોમાં આપેલી છૂટને અમેરિકાએ એક માસ માટે લંબાવી દીધી છે. હવે તા.16મી મે 2026 સુધીમાં સમુદ્રમાં લોડેડ રશિયાનું ઓઈલ કોઈપણ દેશ ખરીદી શકશે. ભારતે જો કે અમેરિકાનાં પ્રતિબંધ છતાં રશિયા પાસેથી ઓઈલની આયાત કરવાની તૈયારી દેખાડવામાં આવી હતી પણ હવે અમેરિકાએ પોતે જ આની છૂટ આપી દીધી છે એટલે ભારતને એટલી કૂટનૈતિક રાહત રહેશે.  અમેરિકાનાં ટ્રમ્પ પ્રશાસને પ્રતિબંધમાં છૂટ આગળ વધારવાનો કોઈ વિચાર ન હોવાનું કહ્યાંને બે દિવસ બાદ જ અમેરિકાએ ફેરવી તોળ્યું છે. અમેરિકા અને ઈરાનનાં યુદ્ધનાં કારણે દુનિયામાં ઉર્જાની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. ત્યારે આ ભાવને કાબૂમાં રાખવા માટે અમેરિકાએ 11 એપ્રિલે સમાપ્ત થયેલી છૂટને વધુ 30 દિવસ માટે લંબાવી દીધી છે. આ છૂટમાં સ્પષ્ટ શરત છે કે, ઈરાન, ક્યૂબા અને ઉત્તર કોરિયા સાથે જોડાયેલું કોઈપણ આદાન-પ્રદાન આ મુક્તિમાંથી બાકાત રહેશે.

અમેરિકાએ અગાઉ આપેલી છૂટનો ભારતે ભરપૂર ફાયદો લીધો હતો. માર્ચ 2026માં ભારતે રશિયાથી ક્રૂડ ઓઈલની આયાત ત્રણ ગણી વધારીને પ.8 અબજ ડોલર સુધી પહોંચાડી દીધી હતી. હવે ફરીથી આ છૂટનો આવો જ લાભ ભારત મેળવશે તેમાં કોઈ સંશય નથી.

ઇ-પેપરના નવા શુલ્ક