• રવિવાર, 19 એપ્રિલ, 2026

જીત માટે તરસતી KKRની રાજસ્થાન સામે ટક્કર

કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં બપોરે 3.30થી મુકાબલો : રાજસ્થાન લય પરત મેળવવા મેદાનમાં ઉતરશે

નવી દિલ્હી, તા. 18 : શાનદાર ફોર્મમાં ચાલી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ ગયા મેચમાં મળેલી હારને ભુલાવીને જીત માટે તરસી રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રવિવારે આઇપીએલના મેચમાં લય પરત મેળવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમમાંથી એક અને ખરાબ ફોર્મથી પરેશાન કેકેઆર વચ્ચે આ મુકાબલો કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બપોરે 3.30 વાગ્યાથી રમાવાનો છે.

રાજસ્થાને સતત ચાર જીત નોંધાવ્યા બાદ ગયા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હાર મળી હતી જ્યારે કેકેઆરની ટીમ અત્યારસુધીમાં છ મેચમાં એક પણ જીત મેળવી શકી નથી. કેકેઆરને પાંચ મેચમાં હાર મળી છે એક મેચ વરસાદનાં કારણે ધોવાયો હતો. જેનાં પરિણામે કોલકાતાની ટીમ પોઇન્ટ ટેબલમાં સૌથી તળીયે છે.

અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં ટીમ ઘણી વખત જીતની નજીક પહોંચીને હારી છે. જેનાં કારણે ટીમનો આત્મવિશ્વાસ નબળો પડયો છે. પંજાબ કિંગ્સ સામે મેચ વરસાદમાં ધોવાતા કેકેઆરને એક પોઇન્ટ જ મળી શક્યો છે. કેકેઆરના ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને આકાશદીપ ઈજાનાં કારણે બહાર છે અને મથીષા પથિરાના હજી સુધી જોડાયો નથી.

બીજી તરફ રાજસ્થાનના વિજય રથ ઉપર સનરાઇઝર્સે વિરામ મૂકી દીધો હતો. શીર્ષ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, લુઆન ડિ પ્રિટોરિયર અને રિયાન પરાગ બે અંકના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહોતા અને ટીમનો શરૂઆતમાં જ ધબડકો થયો હતો. હવે ટીમ આ મુશ્કેલીમાંથી બહાર આવવા મથશે.

ઇ-પેપરના નવા શુલ્ક