બીજા તબક્કાની બેઠક માટે અમેરિકી પ્રતિનિધિમંડળ આજે
પહોંચશે ઈસ્લામાબાદ : ઈરાને કહ્યું, વાતચીત
માટે કોઈ તારીખ નક્કી નથી : વાટાઘાટ પહેલા ટ્રમ્પે ફરી એકવાર આપી ધમકી
નવીદિલ્હી,તા.19:
ઈરાન સાથે શાંતિ સમજૂતીની વાટાઘાટનાં બીજા તબક્કા માટે અમેરિકાનું પ્રતિનિધિમંડળ આવતીકાલે
સોમવારે ફરીથી પાક.ની રાજધાની ઈસ્લામાબાદ પહોંચવાનું છે. જો કે આ વાટાઘાટ પહેલા જ અમેરિકાનાં
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ખુલ્લી ધમકી આપી દીધી છે. ટ્રમ્પે કહ્યું
છે કે, જો હવે સમજૂતી નહીં થાય તો ઈરાનનાં હત્યારા મશીનનો અંત કરી નાખવામાં આવશે. દરેક
વીજમથક અને પુલ ધ્વસ્ત કરી દેવામાં આવશે. એટલે કે, આ નવા ચરણની વાટાઘાટ પહેલા માહોલ
જરાય સદ્દભાવ જોવા મળતો નથી.
અમેરિકા
અને ઈરાન વચ્ચે આ વાટાઘાટો આવતીકાલે જ યોજાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે પણ
ઈરાનનાં ઉપવિદેશમંત્રી સઈદ ખાતિબજાદહે કહ્યું
હતું કે, બીજા ચરણની બેઠક માટે કોઈ તારીખ નક્કી નથી. જો અમેરિકા કોઈપણ પ્રકારની અતિવાદી
માગણી મૂકશે તો તેનો સ્વીકાર કરવો સંભવ નહીં રહે. તો ઈરાનની સંસદનાં અધ્યક્ષ મોહમ્દ
બાઘેર ગાલિબફે કહ્યું હતું કે, ઈરાન કોઈપણ
સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. ઈરાન વાટાઘાટ માટે પણ તૈયાર છે અને યુદ્ધ માટે
પણ. તેમણે આગળ કહ્યું હતું, હવે ઈરાનને દુશ્મન ઉપર જરાય ભરોસો નથી.
બીજીબાજુ
પાકિસ્તાને આ મંત્રણા માટે આવી રહેલા મહેમાનો માટે ઈસ્લામાબાદની બે પ્રમુખ હોટેલોને
ખાલી કરાવી રાખી છે. બે અમેરિકી સી17 ગ્લોબમાસ્ટર વિમાનનાં ઉતરાણ બાદ એરપોર્ટથી રેડઝોન
જાહેર કરવામાં આવેલા માર્ગોને સીલ કરી દેવામાં આવ્યા છે. આ બેઠક માટે પાકિસ્તાન 20
હજાર જવાનોને તૈનાત કરવાનું છે.
ટ્રમ્પે
પોતાની નવી ધમકીમાં કહ્યું છે કે, ઈરાને શનિવારે હોર્મુઝમાં ગોળીબાર કર્યા અને આ યુદ્ધવિરામનું
ઘોર ઉલ્લંઘન છે. હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધી વચ્ચે ઈરાને ફરીથી આ માર્ગ બંધ કરવાની
ઘોષણા કરી છે જે આડકતરી રીતે અમેરિકા માટે મદદરૂપ છે.
ટ્રમ્પે
પોતાનું પ્રતિનિધિ મંડળ આવતીકાલે પાક. જવાનું હોવાની ઘોષણા કરી પણ આમાં ક્યા અધિકારીઓ
સામેલ રહેશે તેનો કોઈ ફોડ પાડયો ન હતો.
દરમિયાન
ઈરાને હવે પોતાનું હવાઈ ક્ષેત્ર ધીમે ધીમે ચાર તબક્કામાં ખોલવાની તૈયારી કરી રહ્યું
છે. પૂર્વથી પશ્ચિમ તરફ આવતાં વિમાનોને ક્રમશ: ઈરાનની વાયુસીમામાંથી પસાર થવા દેવાની
તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં પહેલા તબક્કામાં માત્ર ટ્રાંઝિટ ઉડાનો માટે હવાઈ
ક્ષેત્ર ખુલશે. બીજા ચરણમાં પૂર્વ એરપોર્ટની ઉડાનોને મંજૂરી અપાશે. ત્રીજા તબક્કામાં
મેહરાબાદ અને ઈમામ ખુમેની એરપોર્ટથી ઉડાનો શરૂ થશે અને છેલ્લે અન્ય પશ્ચિમી ઉડાનોને
પણ અનુમતી આપવામાં આવશે.