બાઇક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે ભરવાડ યુવકની ઘાતકી હત્યા બાદ હિંસા ફાટી નીકળી’તી
બે મુખ્ય આરોપીની ધરપકડ : આગજની
અને તોડફોડ કરનાર 125 લોકોનાં ટોળાં સામે રાયોટિંગનો ગુનો નોંધાયો
અમદાવાદ, તા.19 : ધંધુકામાં નજીવી
બાબતે થયેલી યુવકની કરપીણ હત્યા બાદ ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસ એક્શનમાં આવી હતી.
હત્યાની તપાસ માટે ડેપ્યુટી એસપી પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન
ટીમ (એસઆઇટી)ની રચના કરવામાં આવી છે. બે પીઆઇ અને પીએસઆઇ સહિત ચારનો તપાસ સમિતિમાં
સમાવેશ કરાયો છે. જે યુવકની હત્યા કેસનો તપાસ રિપોર્ટ તૈયાર કરશે જ્યારે એક પબ્લિક
પ્રોસિક્યુટર પણ નિયુક્ત કરાશે અને અસામાજિક તત્ત્વોની ઓળખ કરી તેમની ગેરકાયદે મિલકતો
પર બુલડોઝર ફેરવવા સહિતની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ધંધુકામાં બાઇક ઓવરટેક કરવા જેવી
નજીવી બાબતમાં હિન્દુ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં અજંપો જોવા મળ્યો
હતો. હત્યાની ઘટના બાદ ઉશ્કેરાયેલાં ટોળાએ શહેરમાં તોડફોડ અને ધંધુકા સર્કલ તથા પાળિયાદ
હાઇ-વે પર કેટલીક દુકાનોમાં આગચંપી કરતા પરિસ્થિતિ તંગ બની હતી. જોકે, અમદાવાદ ગ્રામ્ય
પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને અમદાવાદ ગ્રામ્ય એસપી સહિતના પોલીસના ધાડેધાડા
ઉતરી આવ્યા હતા અને સમગ્ર ધંધુકામાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગત રાત્રે
250 જેટલા પોલીસે પેટ્રાલિંગ કર્યું હતું અને હાલ શહેરમાં અજંપાભરી શાંતિ વચ્ચે જનજીવન
સામાન્ય બની રહ્યું છે.
હત્યાની ઘટના બાદ ઉશ્કેરાઈને
તોડફોડ અને આગચંપી કરી કાયદો હાથમાં લેનારા અંદાજે 125 લોકોનાં ટોળાં સામે પોલીસે રાયાટિંગનો
ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. પીડિત પરિવારની માગને પગલે અને
સમગ્ર ઘટનાની સંવેદનશીલતા જોતા આ હત્યાકાંડની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ માટે એસઆઇટીની
રચના કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતા
હેઠળની એસઆઇટીમાં પી.આઈ. રઘુ કરમટિયા, પી.આઈ. કરણ વિહોલ અને પીએસઆઈ એસ.એચ. ઝાલાનો સમાવેશ
કરાયો છે.
ધંધુકાની નસીબ સોસાયટીમાં 30
વર્ષીય ધર્મેશ ગમારા નામના યુવકનો સમીર નામના શખસ સાથે બાઇક ઓવરટેક કરવા મામલે ઝઘડો
થયો હતો. આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ ભરવાડ સમાજના
લોકો સમીરનાં ઘર પાસે એકઠા થયા હતા. માથાકૂટ દરમિયાન રિઝવાન નામના શખસે ધર્મેશ ગમારા
પર છરી વડે હુમલો કરી ઘાતકી હત્યા નીપજાવી નાખતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે રિઝવાન
અને સમીરની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. આ બનાવમાં ધંધુકા પોલીસ સ્ટેશનમાં રાયાટિંગનો
ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પીએસઆઈ હર્ષરાજાસિંહ ઝાલા ખુદ ફરિયાદી બન્યા છે.
આગજની અને તોડફોડ મામલે પોલીસે 25 લોકોની અટકાયત પણ કરી છે.