તળાજા, તા.19 : તળાજા નજીક બાઇક અકસ્માતમાં દંપતી ખંડિત થતાં પત્નીની નજર સામે જ પતિનું મૃત્યુ નીપજ્યું હતું. લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વેળાએ બોરડા ગામ નજીક બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત નડયો હતો. જેમાં યુવાનનું મૃત્યુ થયું હતું જ્યારે પુત્રને સામાન્ય ઈજા પહોંચી હતી.
જાણવા મળતી વિગત મુજબ તળાજા નજીકના
દેવળિયા ગામના મૂળ વતની અને હાલ સુરત રત્નકલાકાર તરીકે કામ કરતા ધનજીભાઈ રામજીભાઈ વાઢેર
(ઉં.વ.32) અહીં ઘાણા ગામે લગ્નમાં આવ્યા હતા. તેઓ લગ્નપ્રસંગમાંથી પત્ની મંજુલાબેન
અને દીકરા સાથે બાઇક પર પરત ફરતા હતા ત્યારે હાઇ વે પર બોરડા ગામ નજીક બાઇક સ્લીપ થઈ
જતા ધનજીભાઈને માથાની અંદરના ભાગે ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું જ્યારે
પુત્રને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી
છે.
આ બનાવથી પરિવારજનોમાં શોકની
લાગણી છવાઈ જવા પામી છે. મંજુલાબેનનું પિયર નજીકનાં પીપરલા ગામે છે. તેમના પિતાનું
નામ વાલજીભાઈ ગળચર હોવાનું જાણવા મળ્યું છે.