• સોમવાર, 20 એપ્રિલ, 2026

તળાજા : દંપતીની અર્ધ સળગેલી લાશ મળી

 રહસ્યમય મોતથી પોલીસ સ્તબ્ધ, ઘટના બની ત્યારે મૃતક દંપતીની પુત્રવધૂ અને પૌત્રી ઉપરના માળે જ સૂતા હતા

તળાજા,તા.19: તળાજા શહેરના ધનબાઈમા ચોક વિસ્તારમાં જાણીતો વ્યવસાય ધરાવતા સોની દંપતીનું રામટેકરી રોડ પર આવેલા તેમના નિવાસસ્થાને રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નીપજ્યું છે. કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેમના પત્ની રેખાબેન કિશોરભાઈની અર્ધસળગેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે રાત્રિના આશરે 3:30 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોનો કબજો મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

    મૃતક દંપતીનો એકનો એક પુત્ર વિમલ, જે રાજકોટ સ્થાયી થયો છે, તે છેલ્લા બે દિવસથી તળાજા આવ્યો હતો. બનાવની રાત્રે વિમલ પોતાના મિત્રો સાથે હાઈવે પર ચા પીવા ગયો હતો, ત્યારે ઘરેથી તેની પુત્રીનો ફોન આવ્યો કે ઘરમાંથી ધુમાડો અને કંઈક બળવાની ગંધ આવે છે. વિમલે ઘરે આવીને જોયું તો તેના માતા-પિતા પથારીમાં મૃત અને સળગેલી હાલતમાં હતા. નવાઈની વાત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે મૃતક દંપતીની પુત્રવધૂ અને પૌત્રી ઉપરના માળે જ સૂતા હતા.

    પોલીસના સ્થળ નિરીક્ષણ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે જે મોતને શંકાના દાયરામાં લાવે છે. જે પથારીમાં દંપતી સૂતું હતું ત્યાં આગ લાગી હતી, પરંતુ પથારી પરનો ઓછાડ પૂરેપૂરો સળગ્યો નહોતો. કિશોરભાઈનું ઓશીકું પણ સલામત હતું અને બાજુમાં પડેલા બે મોબાઈલ ફોનને આગની કોઈ અસર થઈ ન હતી. સૌથી વધુ રહસ્યમય બાબત એ છે કે રૂમની દીવાલો, લાદી કે ફર્નિચર પર આગના ધુમાડાના ડાઘા પણ જોવા મળ્યા નથી, જે સામાન્ય રીતે આગ લાગવાની ઘટનામાં જોવા મળતા હોય છે.

    પ્રાથમિક તપાસમાં પોલીસને શોર્ટ સર્કિટ થયા હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. દંપતીના દેહ પર વસ્ત્રો નહોતા અને આગ માત્ર તેઓ સૂતા હતા તેટલા જ ભાગમાં કેન્દ્રિત હતી,  જે આત્મહત્યા કે અકસ્માતને બદલે અન્ય કોઈ ગંભીર શક્યતા તરફ ઈશારો કરે છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને એફ.એસ.એલ.ની મદદ લેવાની તજવીજ હાથ ધરી છે. ગઈકાલે જ પરિવાર સાથે સાળંગપુર દર્શન કરીને આવેલા દંપતીના આવા કરુણ અને રહસ્યમય અંતથી અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક