• રવિવાર, 19 એપ્રિલ, 2026

આજે અખાત્રીજ : સોનું ખરીદવાનો સુવર્ણ દિવસ

સોના-ચાંદીના ભાવ તેજીમાં ધગી રહ્યા હોવાથી માગ મંદ રહેશે, ઓછાં વજનની લગડીની ખરીદી રહેશે

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ,તા. 18 : આવતીકાલે અખા ત્રીજનું પર્વ છે જે સોમવારે પણ અર્ધો દિવસ ઉજવવામાં આવશે. અનેક માંગલિક કાર્યોની સાથે નવી ખરીદી પણ થશે. અખાત્રીજે સોના-ચાંદીની ખરીદી કરવા માટે મહિલાઓમાં દર વર્ષે થનગનાટ હોય છે. જોકે ભાવ આસમાનને આંબી ગયા છે એટલે ઉત્સાહ થોડો ઘટી ગયો છે. છતાં વણજોયા મુહૂર્તમાં નાની-મોટી ખરીદી ઝવેરી બજારમાં દેખાય તેવો આશાવાદ છે.

સોનાનો ભાવ દોઢ લાખ અને ચાંદીનો ભાવ અઢી લાખને પાર થઇ ચૂક્યો છે. અખા ત્રીજ પૂર્વે રાજકોટમાં 24 કેરેટ શુધ્ધ સોનાનો ભાવ રૂ. 600 વધીને રૂ. 1,42,200 અને ચાંદીનો ભાવ રૂ. 4000 વધીને રૂ. 2,48,500 થઇ ગયો હતો.બન્ને કિંમતી ધાતુઓના ભાવ પાછલા એક વર્ષમાં સળગી ઉઠયાં હોવાથી બજેટ વિખાઇ ગયા છે. રાજકોટમાં સોની બજાર ઝવેરાતના વેપાર માટે વિખ્યાત છે. હવે પેલેસ રોડ અને યાજ્ઞિક રોડ પણ વિકસ્યા છે. જ્યાં અત્યારે એડવાન્સ બાકિંગ નહીવત જેવા થયા છે. પેલેસ રોડના એક ઝવેરી કહે છે, હવે ગ્રાહકો સીધા જ ખરીદીમાં આવશે તો ચોક્કસ બજેટ લઇને જ આવશે. એમાં ઓછાં વજનની લગડીઓ કે સિક્કાનું વેચાણ થશે. સોનું મોંઘું હોય ત્યારે લોકો ચાંદી ખરીદતા હતા પણ હવે ચાંદીમાં ઓછાં વજનના સિક્કા ખરીદવામાં વળતર નથી કારણકે ચાંદી મોંઘીદાટ છે.

તેમણે ઉમેર્યું કે, લોકોના પૈસા શેરબજારમાં ફસાઇ ગયા છે. યુધ્ધ પછી મોંઘવારી વધી છે, વળી હજુ આવનારા દિવસો કેવા જશે તેની અનિશ્ચિતતા હોવાથી લોકો જરુર પૂરતું જ ખર્ચ કરી રહ્યા છે.

જૂની સોની બજારના એક ઉત્પાદકે કહ્યું કે, ભાવ છેલ્લાં કેટલાક દિવસથી સ્થિર થઇ રહ્યો હોવાથી લોકો હળવે હળવે બજારમાં આવતા થયા છે. જોકે અખા ત્રીજે માગ થોડી વધશે. લગ્નગાળાના દિવસો આવી રહ્યા છે એ કારણે પણ ખરીદી છે. જોકે લોકો અગાઉ વજનનું બજેટ કરીને આવતા હતા હવે નાણાંનું બજેટ કરવું પડે તેવા ભાવ છે.

રાજકોટની ઝવેરી બજારમાં મજૂરી દરમાં દસ ટકા સુધીના ડિસ્કાઉન્ટની પણ ઓફરો કરવામાં આવી છે. અલબત્ત હવે મજૂરીનો દર ટકાવારીમાં થઇ ગયો છે એટલે ઓછાં વજનના ઝવેરાત લેવામાં સોના કરતા ઘડામણ મોંઘી થઇ જાય એવો ઘાટ પણ સર્જાય છે કારણ કે ઝવેરી બજારમાં મજૂરીના દર 8 ટકાથી 28 ટકા સુધી ડિઝાઇન પ્રમાણે ચાલે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક