• શનિવાર, 18 એપ્રિલ, 2026

સૌરાષ્ટ્રના દરિયામાં ગેરકાયદે લાઇટ અને લાઇન ફાશિંગનું ગ્રહણ

પરંપરાગત હોડીઓ ધરાવતા માછીમારોને કિનારા નજીક હવે માછલીઓ મળતી નથી

તંત્ર દ્વારા ડ્રોન અને સતત મરીન પેટ્રાલિંગ દ્વારા આવી પ્રવૃત્તિ પર કાયમી લગામ કસવામાં આવે તેવી પરંપરાગત માછીમારોની માંગ

રવિ ખખ્ખર

વેરાવળ તા.17: સૌરાષ્ટ્રનો માછીમારી ઉદ્યોગ આજે માછીમારીને લઈને અનેક પ્રકારની મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. પ્રદૂષણ, દરિયામાં સતત ઘટી રહેલી માછલીનું પ્રમાણ તેમજ ગેરકાયદે લાઈન, લાઈટ અને ડીપ ફાશિંગ કરવાને કારણે માછલીનો મોટાભાગનો જથ્થો ખેંચાઈ જાય છે. જેને કારણે નાના માછીમારોને ખૂબ સંકટમાંથી પસાર થવું પડી રહ્યું છે. એક સમયે ખૂબ જ દબદબો ધરાવતો માછીમારી ઉદ્યોગ આજે દર વર્ષે નબળો પડી રહ્યો છે. જેને બચાવવા માટે માછીમાર ઉદ્યોગકારો અને માછીમારો સરકાર સમક્ષ આશાભરી નજરોથી જોઈ રહ્યા છે. જો કે, આવી ગેરકાયદે ફિશીંગની પ્રવૃત્તિઓ રોકવા સંબંધે માછીમાર સમાજની રજુઆતો બાદ રાજ્યમાં ગુજરાત સરકારએ કાયદો બનાવી બનાવ્યો છે.  તાજેતરમાં (13 એપ્રિલ, 2026), દેવભૂમિ દ્વારકાના ઓખા મઢી કોસ્ટલ બેલ્ટ પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 55 જેટલી માછીમારી બોટને ગેરકાયદેસર લાઈન ફાશિંગ કરતા ઝડપી લેવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બોટો જૂથ બનાવીને દરિયામાં કિલોમીટરો લાંબી જાળ અને લાઈનો પાથરીને માછલીઓનો જથ્થો એકઠો કરી રહી હતી. લાઈટ અને લાઈન ફાશિંગના કારણે નાના માછીમારો બેરોજગાર થઈ રહ્યા છે. કારણ કે દરિયામાં માછલીઓનો જથ્થો દિન- પ્રતિદિન ઓછો થઈ રહ્યો છે. આ પદ્ધતિઓ ગેરકાયદે હોવા છતાં અરબી સમુદ્રમાં અન્ય રાજ્યોની ઘણી બોટો દ્વારા તે પધ્ધતિથી ફિશીંગ કરવામાં આવે છે. જેનાથી દરિયાઈ ઈકોસિસ્ટમ અને પર્યાવરણને નુકસાન થાય છે.

જો કે, માછીમાર આગેવાનોના મંતવ્ય મુજબ ગુજરાતના દરિયામાં કેટલાક બંદરોના માછીમાર ગ્રુપોની ફિશીંગ બોટો દ્વારા ગેરકાયદે લાઈન ફિશીંગ, લાઈટ ફીશીંગ તેમજ ધેરા ફિશીંગની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેનાંથી સામુહિક અને નાના માછીમારોનાં હિતો જોખમાઈ છે. આ પ્રકારે ફિશીંગ કરવાથી દરિયામાં રહેલી નાની માછલી બચતી ન હોવાથી અને દરિયાઈ જીવસૃષ્ટિ સદંતર નાશ થતા તેની સીધી અસર દરિયાઈ મત્સ્ય ઉત્પત્તિ ઉપર થાય છે.

કુકસવાડા : દરીયામાં લાઈન, લાઈટ ફિશીંગ તથા પેરા ફિશિંગ સરકાર દ્વારા પ્રતિબંધ છે છતાં આદ્રીથી માંગરોળ બારા સુધી બાર નોટીકલ માઈલની અંદર બેફામ થઇ રહી છે.જેમાં મહારાષ્ટ્રના માછીમારો દ્વારા બેફામ ફિશંગ કરવામાં આવી રહયું છે. જેના કારણે નાના માછીમારોના ધંધા- રોજગાર બે માસથી ઠપ થઈ ગયા છે અને નાના માછીમારોને ધમકી આપવામાં આવે છે કે તમારી હોડી ઉપર બોટ ચડાવી દેશું. જેથી ચોરવાડ બંદરનાં માછીમારોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આ ફિશિંગ બંધ કરવામાં આવે. 

કાયદો બન્યો છે પણ તેની કડક અમલવારી થવી જોઇએ

મહારાષ્ટ્ર સહિત અન્ય રાજયના અને સ્થાનિક પણ ઘણા માછીમારો લાઇન, લાઇટ ફિશીગ કરે છે. સૌરાષ્ટ્રમાં એખા-હર્ષદ માતાજીના મંદિર વચ્ચે તો પોરબંદરના ગોસાબારા-  માધુપુર તથા વેરાવળ અને દિવ વચ્ચેના દરિયામાં આ પ્રવૃત્તિ થાય છે. આ પ્રકારની ફિશિંગના કારણે જે પરંપરાગત માછીમારો છે તેને નુકશાન થાય છે. આ બંધ થવું જોઇએ તે અંગે અમે અનેક વખત રજૂઆત કરી છે. ગુજરાત સરકારે કાયદો પણ બનાવ્યો છે પરંતુ એની કડક અમલવારી થવી ખૂબ જ જરુરી છે. નક્કર આવનારા સમયમાં માછીમારો માટે કપરો સમય આવશે. લાઇન અને લાઇટ ફિશીંગ કરતા માછીમારો જન્મનજાત માછીમાર નથી. જેથી સરકારે જેમ ખેડૂત જ જમીન ખરીદી શકે એમ પરંપરાગત માછીમાર જ માછીમારી કરી શકે એવો નિયમ ઘડવો જોઇએ.

-મુકેશભાઇ પાંજરી પ્રમુખ, બોટ એશોસિએશન-પોરબંદર

લાઈટ ફાશિંગ

આ પદ્ધતિમાં રાત્રિના સમયે ફિશીંગ બોટ ઉપર અત્યંત તેજસ્વી એલઇડી લાઈટોનો ઉપયોગ કરી તેની દિશા દરિયામાં અંદર તરફ રાખવામાં આવે છે. ત્યારે આ તેજસ્વી પ્રકાશથી માછલીઓ આકર્ષાય છે અને બોટની આસપાસ એકઠી થઈ ઉપર આવે છે જેનાથી તેમને પકડવી સરળ બની જાય છે. આ પદ્ધતિથી નાની અને બિન-વ્યાપારી માછલીઓ પણ મોટી સંખ્યામાં પકડાઈ જાય છે, જે દરિયાઈ ઇકોસિસ્ટમને ભારે નુકસાન પહોંચાડે છે. 

લાઈન ફાશિંગ

આ પદ્ધતિમાં એક સાથે સેંકડો (અંદાજે10 થી વધુ ) ફાશિંગ બોટો એક લાઈનમાં એવી સામુહિક જાળનો ઉપયોગ કરે છે જેમાં ખૂબ જ ઉંડે સુધી જાળ જાય છે અને માછલીઓના પ્રજનન દરને અસર કરે છે. તે પરંપરાગત જાળીઓ કરતાં વધુ વિનાશક છે. આ પદ્ધતિથી મોટી માછલીઓની સાથે સાથે નાની માછલીઓનો પણ નાશ થાય છે. 

ગુજરાત ફિશરીઝ એમેન્ડમેન્ટ રૂલ્સ-2025 હેઠળ કાર્યવાહી

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025માં મત્સ્યોદ્યોગ કાયદામાં કરવામાં આવેલા સુધારા બાદ હવે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ બદલ કડક સજાની જોગવાઈ છે. ગેરકાયદે બોટના લાયસન્સ કાયમી ધોરણે રદ થઈ શકે છે. બોટ માલિકો પર લાખો રૂપિયાનો દંડ લાદવામાં આવી રહ્યો છે. જો કોઈ બોટ બીજી વખત ગુનો કરતા પકડાય, તો દંડની રકમ બમણી કરવાની જોગવાઈ છે. અન્ય રાજ્યો (જેમ કે મહારાષ્ટ્ર કે કર્ણાટક) માંથી આવતી બોટો જો ગુજરાતની જળસીમામાં આવીને પ્રતિબંધિત પદ્ધતિથી માછીમારી કરે, તો તેમની સામે પણ આ જ કડક નિયમો હેઠળ કાર્યવાહી કરવાની સત્તા મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગને અપાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક