ઘેરાબંધી યથાવત્ રાખીને ટ્રમ્પે આપેલી ધમકીથી ઈરાન વીફર્યુ : 24 કલાકમાં જ ઈંધણ સંકટમાં, રાહતની આશા ઉપર પાણી ફરી વળ્યું
નવી
દિલ્હી, તા.18: અમેરિકા અને ઈરાનનો ટકરાવ દુનિયાને ઊર્જા સંકટમાં શાંતિથી ઝંપવા દેશે
નહીં તેવા નાટકીય ઘટનાક્રમો રચાયા છે. ક્રૂડ ઓઈલનાં ભડકે બળતા ભાવોમાં કડાકો બોલી ગયો
અને દુનિયાને ઈંધણની કટોકટીમાં જબરદસ્ત રાહત આપતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ યુદ્ધવિરામ સુધી
સંપૂર્ણ ખોલવાની ઘોષણા કર્યાનાં 24 કલાકમાં જ ઈરાને ફરીથી આ સાંકડો જળમાર્ગ બંધ કરી
દીધો છે. અમેરિકાએ કોઈ નક્કર સમજૂતી ન થાય ત્યાં સુધી ઈરાનનાં બંદરોની નાકાબંધી સજ્જડ
રાખવાની ઘોષણા કરતાં ઈરાને ઉશ્કેરાઈને ફરીથી હોર્મુઝ બંધ કરી નાખ્યું અને અમેરિકાને
સમુદ્રી ચાંચિયો-લુટારું દેશ ગણાવી દીધો છે.
વિશ્વ
આખાને પરેશાનીમાં મૂકી દેનાર યુદ્ધ જાણે કોઈ નાટક ચાલતું હોય તેવા પળેપળ બદલાતાં ઘટનાક્રમોને
પગલે ફરી ઈંધણ સંકટમાં રાહતની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. ફારસની ખાડીમાં રહેલા જહાજો
પણ અસમંજસમાં મૂકાઈ ગયા છે. તેમને હવે હોર્મુઝ પસાર કરીને ફારસની ખાડીમાંથી બહાર નીકળવું
કે નહીં તે સવાલ ભેદી બની ગયો છે. તો બીજીબાજુ ઈરાને એક જહાજ ઉપર ભારે દારૂગોળો પણ
વરસાવ્યો હોવાનાં સમાચાર આવી રહ્યાં છે.
ઈરાને
શનિવારે જબરદસ્ત રાહતનાં સમાચાર આપતાં યુદ્ધવિરામનાં ગાળા સુધી હોર્મુઝને સંપૂર્ણ ખોલીને
પૂર્વવત્ત કરવાનું એલાન કરેલું. વાસ્તવમાં ઈરાનનું આ પગલું અમેરિકાનાં બટકબોલા રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી નવી ધમકી અને ચેતવણી પછી આવ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે,
યુદ્ધવિરામને ત્યાં સુધી આગળ વધારી નહીં શકાય જ્યાં સુધી કોઈ સ્થાયી સમજૂતી નહીં થાય.
આ સાથે તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે, ઈરાનનાં બંદરોની ઘેરાબંધી અને ફરીથી બોમ્બમારો
કરવાની વિચારણા પણ છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન સાથે અંતિમ સમજૂતી સુધી નાકાબંધી
તો ચાલુ જ રહેશે.
ટ્રમ્પે
અન્ય એક નિવેદનમાં કહ્યું હતું કે, જો ઈરાન સાથેની વાટાઘાટ વિફળ રહેશે તો અમેરિકા યુદ્ધવિરામ
લંબાવવાનો ઈન્કાર પણ કરી શકે છે અને ઈરાનની પરમાણુ સામગ્રીઓને કઠોર ઢબે પોતાનાં નિયંત્રણમાં
પણ લઈ લેશે. જો સંવર્ધિત યુરેનિયમનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ નહીં થાય તો અમેરિકા તેને
ખરાબ રીતે પણ સુરક્ષિત કરશે.
અમેરિકાની
આવી આડોડાઈથી ઈરાની ફરીથી વીર્ફ્યુ હતું અને ઈરાની સેનાએ કહ્યું હતું કે, ઈરાની બંદરોથી
આવાગમન કરતાં જહાજોની નાકાબંધી જારી રાખીને અમેરિકાએ ફરી એકવાર વચનભંગ કર્યો છે. હવે
અમેરિકા આ ઘેરાબંધી હટાવશે નહીં ત્યાં સુધી હોર્મુઝ ફરીથી બંધ રહેશે. ઈરાનનાં સેન્ટ્રલ
હેડક્વાર્ટર ઓફ ધ હોલી પ્રોફેટનાં પ્રવક્તાએ કહ્યું હતું કે, તહેરાને તો સદ્ભાવ બતાવ્યો
હતો પણ અમેરિકાએ વારંવાર દગાખોરી કરી છે. ઈરાનની ઘેરાબંધીનાં બહાને અમેરિકા સમુદ્રી
લૂટ ચલાવી રહ્યું છે.
ઈરાને
આજે આ ઘોષણા કરવાની સાથે જ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા એક ટેન્કર ઉપર હલ્લો પણ મચાવી
દીધો હતો અને ભારે દારૂગોળો વરસાવી નાખ્યો હતો. બ્રિટિશ સેનાએ જણાવ્યું હતું કે, ઈરાની
સેનાએ એક ટેન્કર ઉપર ગોળીબાર કર્યા છે.