અભિષેક શર્માની 15 બોલમાં અર્ધસદી : ક્લાસેને પણ ફિફ્ટી ફટકારી
હૈદરાબાદ,
તા. 18 : આઈપીએલ 2026માં શનિવારે ડબલ હેડરના બીજા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને
ચૈન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આમનોસામનો થયો હતો. મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે અભિષેક શર્મા
અને હેનરીક ક્લાસેનની અર્ધસદીની મદદથી 20 ઓવરમાં 9 વિકેટે 194 રન કર્યા હતા.
ટોસ
હારીને પહેલા બેટિંગમાં ઉતરેલી હૈદરાબાદની ટીમની શરૂઆત સારી રહી હતી અને અભિષેક શર્માએ
માત્ર 15 બોલમાં અર્ધસદી પુરી કરી હતી. અભિષેક શર્મા અને ટ્રાવિસ હેડ વચ્ચે પહેલી વિકેટ
માટે 75 રનની ભાગીદારી થઈ હતી. જો કે હેડ 20 બોલમાં 23 રન કરીને આઉટ થયો હતો. બાદમાં
ઈશાન કિશન પણ પહેલા જ બોલે આઉટ થયો હતો. ત્રીજી વિકેટ અભિષેક શર્માના રૂપમાં પડી હતી.
તેણે 22 બોલમાં ચાર છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 59 રન કર્યા હતા. બાદમાં હેનરીક ક્લાસેને
એક છેડો સાચવીને અર્ધસદી પુરી કરી હતી. ક્લાસેન 39 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની
મદદથી 59 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સિવાય કોઈપણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી
ન શકતા સ્કોર 20 ઓવરમાં નવ વિકેટના નુકસાને 194 રન સુધી જ પહોંચી શક્યો હતો. ચેન્નઈ
તરફથી અંશુલ કંબોજ અને જેમી ઓવરટને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે મુકેશ ચૌધરીને
બે અને ગુરજપનીત સિંહને એક વિકેટ મળી હતી.