મહિલા આરક્ષણ વિધેયકની વિફળતા પછી વડાપ્રધાને ઠાલવ્યો આક્રોશ: કોંગ્રેસ સહિતનાં વિપક્ષો ભ્રૃણહત્યાનાં અપરાધી
વડાપ્રધાનને
રાષ્ટ્રજોગ સંબોધનમાં કર્યો ભીષણ પ્રહાર : કોંગ્રેસ સુધારા વિરોધી નકારાત્મક પક્ષ,
દેશની નારીશક્તિ માફ નહીં કરે
નવી
દિલ્હી, તા.18: સંસદમાં મહિલા આરક્ષણ વિધેયક પરાસ્ત થઈ ગયા બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરીને સઘન પ્રયાસો છતાં આ ખરડો પસાર નહીં કરાવી શકવા બદલ દેશની
મહિલાઓની માફી માગી હતી અને આ ખરડાને અટકાવવા બદલ કોંગ્રેસ સહિતનાં વિપક્ષોને ભૃણહત્યાનાં
અપરાધી ગણાવ્યા હતાં.
વડાપ્રધાને
આજે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, તેમનાં માટે દેશ હિત સર્વોપરી છે. કોંગ્રેસ,
ડીએમકે, સપા જેવા દળોની સ્વાર્થી રાજનીતિનું નુકસાન દેશની મહિલાઓએ ભોગવવું પડે છે.
મોદીએ કહ્યું કે, નારી શક્તિ વંદનાનું આ વિધેયક ગબડી ગયું ત્યારે આ પરિવારવાદી પક્ષો
ખુશીથી તાળીઓ પાડીને મેજ થપથપાવતા હતાં. આ માત્ર ટેબલ ઉપર થાપ નહોતી બલ્કે નારીનાં
સ્વાભિમાન ઉપર ચોટ હતી. નારી બધું ભૂલી જશે પણ અપમાન ક્યારેય ભૂલતી નથી. દેશની મહિલાઓ
જ્યારે પણ પોતાના ક્ષેત્રમાં નેતાઓને જોશે ત્યારે યાદ કરશે કે તેમણે જ મહિલા આરક્ષણને
રોકવાનો જશ્ન મનાવ્યો હતો.
વડાપ્રધાન
મોદીએ આગળ કહ્યું હતું કે, જે પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો તેમને સાફ શબ્દોમાં કહું
છું કે, એ લોકો નારીશક્તિને હળવાશમાં લઈ રહી છે અને ભૂલી રહ્યાં છે કે, 21મી સદીની
મહિલાની નજર બધે હોય છે અને તેમની મંશા પણ જોઈ રહી છે. મહિલા આરક્ષણ રોકીને જે પાપ
વિપક્ષે કર્યુ છે તેની સજા તેમને મળશે. આ પક્ષોએ બંધારણ નિર્માતાઓની ભાવનાનું અપમાન
કર્યુ છે. જનતાની સજાથી તે બચી નહીં શકે. આ કાયદાથી કોઈનું કંઈ છીનવાતું નહોતું બલ્કે
બધાને કંઈક મળવાનું હતું.
આ પહેલા
તેમણે કહ્યું હતું કે, વિપક્ષે નારીશક્તિની ઉડાનને રોકી છે. તેમનાં સપનાંને કચડી નાખ્યા
છે. કોંગ્રેસ પરજીવીની માફક પ્રાદેશિક પક્ષોની પીઠ ઉપર સવાર થઈને પોતાને બચાવી રહ્યો
છે. કોંગ્રેસે ઈતિહાસ રચવાનો અવસર ગુમાવી દીધો છે. કોંગ્રેસ જૂઠનાં આશરે ગમેતેમ કરીને
દેશને ગુમરાહ કરે છે. કોંગ્રેસ સુધારા વિરોધી પાર્ટી છે. કોંગ્રેસ અને તેનાં સહયોગી
પક્ષોએ હવે મહિલા શક્તિ સામે પોતાનો અસલી ચહેરો દેખાડી દીધો છે. વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું હતું કે, કોંગ્રેસે
આધારથી માંડીને, જનધન, ડિજીટલ પેમેન્ટ, આર્ટિકલ 370, યુસીસી સહિત તમામ સુધારાનો વિરોધ
કરે છે. કોઈપણ સુધારાની વાત આવે, એવા કોઈપણ કામ જેનાથી દેશ મજબૂત થાય તેમાં અવરોધો
ઉભા કરવા માટે કોંગ્રેસ પોતાની પૂરી તાકાત લગાડી દે છે. તે એક દેશ એક ચૂંટણી, એસઆઈઆરથી
લઈને ઘૂસણખોરોની હકાલપટ્ટીનો પણ વિરોધ કરે છે. કોંગ્રેસ માઓવાદી-નક્સલી હિંસાને સમાપ્ત
કરવાનો પણ વિરોધ કરે છે. તે કોઈપણ સુધારા મુદ્દે ભ્રમ ફેલાવીને વિરોધ કરે છે. ઈતિહાસ
સાક્ષી છે કે, કોંગ્રેસે કાયમ આવી નકારાત્મક રાજનીતિ જ કરે છે. કોંગ્રેસનાં આવા અભિગમનાં
કારણે જ દેશ વિકાસની એ ઉંચાઈએ ન પહોંચ્યો જેનો દેશ હકદાર છે. લટકાવવું, ભટકાવવું, અટકાવવું
જ કોંગ્રેસનો સિદ્ધાંત અને કાર્યસંસ્કૃતિ રહી છે. કોંગ્રેસે સીમાવિવાદોને લટકાવ્યા,
ઓબીસી આરક્ષણને 40 વર્ષ લટકાવ્યું, સૈનિકો માટે વન રેન્ક, વન પેન્શનને અટકાવી રાખ્યું.
કોંગ્રેસે આવી જ રીતે દેશનું બહું મોટું નુકસાન કર્યુ છે. તેનાં છળ અને પ્રપંચનું નુકસાન
દેશે ભોગવ્યું છે. આજે દેશ સામે જેટલા પણ મોટા પડકારો છે તે કોંગ્રેસનાં આ વલણમાંથી
જ પેદા થયેલા છે. આ લડાઈ એટલે જ માત્ર એક વિધેયકની નથી પણ તેની નકારાત્મકતા વિરોધી
છે. દેશની દીકરીઓ, બહેનો હવે કોંગ્રેસની આ માનસિકતાને જડબાતોડ જવાબ આપશે તેમાં કોઈ
સંશય નથી. છેલ્લે વડાપ્રધાને ખાતરી આપી હતી કે, મહિલાઓને તેમનો અધિકાર અપાવવા માટે
સરકાર પ્રતિબદ્ધ છે અને કોઈ તાકાત આને રોકી શકશે નહીં.
મહિલા
આરક્ષણ મુદ્દે ભાજપનો આક્રોશ : રાહુલનાં આવાસનો ઘેરાવ
ભાજપનાં
મહિલા સાંસદો અને નેતાઓની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન: આગેવાનોની અટકાયત
નવી
દિલ્હી, તા.18: મહિલા આરક્ષણ વિધેયક લોકસભામાં પસાર નહીં કરી શકાતાં ભાજપ આક્રોશિત
છે અને વિપક્ષ વિરુદ્ધ સડકો ઉપર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. વિપક્ષ ઉપર નારી વિરોધી
માનસિકતાનો આરોપ લગાવીને ભાજપનાં મહિલા સાંસદો, નેતાઓ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપનાં
કાર્યકરો રાહુલ ગાંધીનાં આવાસે ઘેરાવ કરવા ધસી ગયા હતાં. જેમાં રાહુલ અને કોંગ્રેસ
વિરોધી નારાબાજી વચ્ચે રાહુલ ગાંધીનાં પૂતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું.
મહિલા
આરક્ષણ બિલે હવે પાંચ રાજ્યોની ચૂંટણીનાં ટાણે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની રાજનીતિને ભડકાવી
દીધી છે. આજે રાહુલનાં આવાસે દેખાવ કરવા પહોંચેલા ભાજપનાં પ્રદર્શનકારીઓમાં દિલ્હીનાં
મુખ્યમંત્રી રેખા ગુપ્તા, સાંસદ હેમા માલિની, કમલજીત સહરાવત, બાંસુરી સ્વરાજ અને મનોજ
તિવારી સહિતનાં પ્રમુખ નેતાઓ પણ સામેલ હતાં.
મહિલા
આરક્ષણ બિલ મુદ્દે ભાજપનાં મહિલા સાંસદો, નેતાઓ અને કાર્યકરોએ જોરદાર આક્રોશ કૂચ કરી
હતી. જેમાં દેખાવકારોનાં હાથમાં તક્તીઓ હતી અને તેમાં વિપક્ષ ઉપર નારી શક્તિનાં અપમાનનો
આરોપ લગાવતા સૂત્રો લખેલા હતાં. રાહુલનાં આવાસનો ઘેરાવ કરવાં આગળ વધતા આ દેખાવકારોને
રોકવામાં આવ્યા હતાં અને તેમાં કમલજીત સહેરાવત અને બાંસૂરી સ્વરાજની અટકાયત પણ કરવામાં
આવી હતી.