• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

ખેતીમાં વીજ સહાય અને બાગાયતી ખેતી માટે વ્યાપક નાણાં ફાળવણી

 

ક્ષ      ગુજરાતના અંદાજપત્રમાં ખેતી ક્ષેત્રે રૂ. 24,022 કરોડની જોગવાઇ

રાજકોટ,તા.18 ઃ ગુજરાતના અંદાજપત્રમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે રૂ.24022 કરોડની જંગી ફાળવણી કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે રૂ. 1063 કરોડનું ખર્ચ જામનગર, ભૂજ અને ખેડબ્રહ્મા ખાતેની કૃષિ યુનિ. સંલગ્ન કોલેજોમાં માળખાકીય સુવિધા ઊભી કરવા તેમજ યુનિવર્સિટીઓના આધુનિકીકરણ, વહીવટ અને સંશોધન માટે કરવામાં આવશે.

એ ઉપરાંત બાગાયત માટે રૂ.798 કરોડ ફાળવાયા છે. ખેડૂતોને વીજળીમાં સહાય માટે રૂ. 9324 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે સૂક્ષ્મ સિંચાઇ માટે રૂ. 1250 કરોડની ફાળવણી થઇ છે. ટ્રેક્ટર ખરીદી સહાય માટે રૂ.800 કરોડ, કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય માટે રૂ.765 કરોડ, નાના ગોડાઉન બનાવવા આશરે 15 હજાર 436 ખેડૂતોને રૂ.1 લાખ સહાય આપવા રૂ.154 કરોડની જોગવાઇ થઇ છે.

ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ-કાયમી અપંગતાના કિસ્સામાં રૂ.4 લાખ સુધીનું વીમા રક્ષણ આપવા રૂ.146 કરોડ ફાળવાયા છે.  ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન માટે રૂ.77 કરોડખેડૂત ખાતેદારને વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ માટે રૂ.14 કરોડ, ડાંગર, કઠોળ પાક, તેલીબિયાં પાક, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટેના છ  સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઉભા કરવા રૂ.12 કરોડની જોગવાઇ થઇ છે. આ સેન્ટરો ક્યા ઉભા કરાશે તેની જાહેરાત નથી થઇ.

ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા રૂ.10 કરોડ, ફળપાકોમાં ફિલ્ડ કવર માટે રૂ. 10 કરોડ, રાઈઝોમેટીક(આદુ અને હળદર) પાકોને પ્રોત્સાહિત કરવા  રૂ.12 કરોડની જોગવાઇ થઇ છે.

પ્રાકૃતિક કૃષિ માટેરૂ. 392 કરોડ, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં રૂ. 500 કરોડ, કામધેનુ યુનિવર્સિટીના પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે રૂ.424 કરોડની જોગવાઇ થઇ છે.ગાભણ પશુ અને વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ માટે રૂ. 61 કરોડ, ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ.56 કરોડ, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ.52 કરોડ, દરેક જિલ્લાની ‘પશુ કલ્યાણ સમિતિ”ને સહાય માટે રૂ.34 કરોડની જોગવાઇ થઇ છે.

મોટા દુધાળાં પશુના ડેરી ફાર્મ માટે રૂ.32 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ભૂજ અને હિંમતનગર ખાતેની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયનાં સુદ્રઢીકરણ માટે રૂ.18 કરોડની જોગવાઇ થઇ છે. સુધારેલાં  બિયારણની મીનીકીટ પૂરી પાડવા અને ચાફકટરની ખરીદી પર સહાય આપવા રૂ.16 કરોડની જોગવાઇ થઇ છે.

મહુવા-ભાવનગર ખાતે મત્સ્ય વિજ્ઞાન માટે રૂ.9 કરોડની જોગવાઇ થઇ છે.

રાજ્યના નોટિફાઈડ 104 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂ.361 કરોડની જોગવાઇ થઇ છે. માછીમારોને ડીઝલ ખરીદી પર વેટ રાહત સહાય માટે રૂ.300 કરોડની જોગવાઇ છે. ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગ માટે રૂ.115 કરોડની જોગવાઇ થઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક