-ટોમ કૂપરે સનસનીખેજ
દાવો દોહરાવ્યો ઃ દાવા માટે પૂરતાં પુરાવા હોવાનું પણ કહ્યું
નવીદિલ્હી,તા.18ઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા
સૈન્ય ઘર્ષણ વિશે એક ચોંકાવનારો સનસનીખેજ દાવો સામે આવ્યો છે. પ્રખ્યાત એવિએશન ઇતિહાસકાર
અને વિશ્લેષક ટોમ કૂપરે દાવો કર્યો છે કે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનનાં
કિરાના હિલ્સ સ્થિત પરમાણુ સુવિધા કેન્દ્ર ઉપર હુમલો કર્યો હતો. કૂપરે ભારપૂર્વક કહ્યું
હતું કે, તેમની પાસે આ દાવાને
સમર્થન આપતા પૂરતાં પુરાવા પણ છે. એક સત્તાવાર આવી કોઈ ઘટના વિશે ઇનકાર છતાં એક ઇન્ટરવ્યૂમાં
કૂપરે પોતાના દાવા પર અડગ રહેતા કહ્યું હતું કે, તેમના પાસે હુમલાની પુષ્ટિ કરતા અનેક પુરાવા છે. આ હુમલાનો સમય
અને પદ્ધતિ પણ દર્શાવે છે કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય કેવળ દુશ્મનને વ્યૂહાત્મક સંદેશ આપવાનો
હતો.
કૂપરે વિસ્તારપૂર્વક કહ્યું હતું કે, કિરાના હિલ્સ જેવી જગ્યા પર હુમલો કરવાનો
અર્થ એ છે કે તમે ભારે વિનાશ કર્યા વગર સ્પષ્ટ સંદેશ આપવા માંગો છો. તેમના મત મુજબ
ભારતનો સંદેશ સ્પષ્ટ હતો કે, પાકિસ્તાન બરાબર જાણી
લે કે, ભારત જ્યારે ઈચ્છે
ત્યારે ગોળા-બારુદ સાથે પાક.ને ભારે નુકસાન પહોંચાડી શકે તેમ છે. આ હુમલો પાકિસ્તાની
નેતૃત્વને તેની હદ દેખાડી દેવા માટે એક કઠોર ચેતવણી સમાન હતો.
આ પ્રથમ વખત નથી જ્યારે ટોમ કૂપરે આ મુદ્દે પોતાનો મત વ્યક્ત
કર્યો હોય. ઓપરેશન સિંદૂર દરમિયાન જ તેણે એક ફેસબુક પોસ્ટ દ્વારા ભારતીય રક્ષા જનસંપર્કની
ટીકા કરી હતી કે તેઓ કિરાના હિલ્સ નજીકના કથિત હુમલાને સ્વીકારતા નથી.