• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

જૂનાગઢ તળેટીમાં ગેરકાયદે મકાન દૂર કરતા હથિયારો મળ્યા : સાધુ સામે ગુનો

દબાણ કરનારા શખસને તડીપાર કરવા દરખાસ્ત

જૂનાગઢ, તા.29: જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આવેલા તળાવની પાળે સાધુના વેશમાં રહેતા વ્યક્તિએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું. આ દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન તેને ત્યાંથી ધારિયા, તલવાર, કુહાડી સહિતના હથિયારો મળી આવ્યા હતા. આ શખસ સામે અગાઉ હત્યાના પ્રયાસ સહિતના ગુના દાખલ થયેલા છે. મહાશિવરાત્રી મેળા દરમિયાન આ શખસ ભયજનક હોવાની ફરિયાદના અનુસંધાને પોલીસે આ શખસ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી તેને તડીપાર કરવાની તજવીજ હાથ ધરી છે.

આગામી તા.11 ફેબ્રુઆરીથી ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી લઘુ કુંભમેળાનો પ્રારંભ થશે. હાલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓના ભાગરૂપે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે ભવનાથમાં આવેલા તળાવની પાળ પર શિવગિરિ ગુરુ જયદેવગિરિએ સરકારી જગ્યા પર મકાન બનાવ્યું હોવાથી તંત્ર દ્વારા આ દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન તેના રહેણાક સ્થળેથી ધારિયા, તલવાર, કુહાડી સહિતના 50-60 જેટલા હથિયારો મળી આવ્યા હતા. આ અંગે તંત્રએ જાણ કરતા પોલીસે હથિયારો કબજે કરી શિવગિરિ ગુરુ જયદેવગિરિ સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો દાખલ કર્યો હતો.

આ અંગે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, દબાણ દૂર કરતા સાધુના વેશમાં રહેતા શિવગિરિને ત્યાંથી મોટા પ્રમાણમાં હથિયારો મળ્યા છે. જેને પોલીસે કબજે કર્યા છે. આ શખસ સામે અગાઉ ગુના દાખલ થયેલા છે. માથાભારે શખસને અગાઉ તડીપાર કરવામાં આવ્યો હતો. આગામી

સમયમાં આ શખસ સામે તડીપાર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક