બે દિવસ ઠંડીમાં રાહતની
શકયતા : દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન
45થી 55 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાવાની શક્યતા
રાજકોટ,
અમદાવાદ તા.29: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઉત્તર-પૂર્વના બર્ફીલા પવનોનાં
સુસવાટા સાથે ઠાર પડતા લોકો હાડ ધ્રુજાવતી ઠંડીમાં ઠીંગરાયા હતા. સરેરાશ 8 થી 10 કી.મી.ની
ઝડપે ઠંડોબોળ પવન ફુંકાતો હોય જનજીવન ઉપર પણ અસર દેખાઈ હતી. આજરોજ પણ રાજયનું સૌથી
ઠંડુ શહેર 7-ડિગ્રી સાથે નલિયા રહેવા પામ્યુ હતું તથા રાજકોટ શહેરમાં સવારે ઠંડાબોળ
પવનો સાથે 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા નગરજનોએ કડકડતી ઠંડી અનુભવી હતી.
હવામાન
વિભાગે રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાની આગાહી કરી છે. જેમાં આગામી 48 કલાકમાં ત્રણથી
પાંચ ડિગ્રીમાં વધારો થશે. પવનની ગતિ વધુ હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાનું
સૂચન આપ્યું છે. પવન 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાવાની શક્યતા છે. છેલ્લા એક અઠવાડિયાથી પવનની ઝડપ વધારે છે અને આવતીકાલે
પણ આ સ્થિતિ યથાવત્ રહેશે. જોકે 30 જાન્યુઆરી બાદ પવનની ગતિ ધીમે-ધીમે ઘટશે અને 11થી
16 કિમી પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે.
હવામાન
વિભાગે વધુમાં જણાવ્યું હતુ કે રાજ્યમાં બે દિવસ પહેલાં ઝાકળનો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો
છે, જેના કારણે હાલ કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આગામી
બે દિવસ સુધી ઝાકળ પડવાની કોઈ શક્યતા દેખાતી નથી તેમજ 31 જાન્યુઆરી 2026થી ઝાકળનો નવો
રાઉન્ડ શરૂ થવાની આગાહી છે, જે 3થી 4 દિવસ સુધી રહી શકે છે.