-મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય : બે રાહત પેકેજ દ્વારા
સરકાર ખેડૂતોને કુલ રૂ. 11,137 કરોડ ચૂકવશે
અમદાવાદ,
તા.12: રાજ્યમાં તાજેતરના વરસેલા કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાંથી
તેમને ફરી બેઠા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં થયેલી અતિવૃષ્ટિથી
જે 5 જિલ્લાઓના ખેડૂતોને નુકશાન થયું હતું. તેના વળતર પેટે રૂ. 947 કરોડ અને ઓકટોબર-નવેમ્બરમાં
કમોસમી વરસાદથી રાજ્યભરના ખેતીના પાકને થયેલા અસાધારણ નુકશાનના વળતર પેટે રૂ. 10,000
કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ પાછળથી કેટલીક રજૂઆતોને પગલે
અગાઉના 5 જિલ્લાના ખેડૂતોની રાહત સહાય પેકેજમાં સરકારે ફરીથી રૂ. 190 કરોડની સહાયનો
વધારો કર્યો હતો. આમ, એકંદરે રાજયમાં સરકારે ખેતીના પાકને નુકશાનીના વળતર પેટે 2 કૃષિ
પેકેજ જાહેર કરીને કૃષિ સહાય પેકેજનું કુલ કદ રૂ. 11,137 કરોડનું કરી દીધું છે.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળ (કેબિનેટ)ની બેઠક મળી હતી.
આ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની માહિતી આપતાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું
હતું કે, મુખ્યમંત્રીના આવા ઉદારવાદી નિર્ણય બદલ તમામ મંત્રીઓએ મુખ્યમંત્રીને અભિનંદન
આપ્યા હતા. તાજેતરમાં લેવાયેલા નવા નિર્ણય મુજબ સરકારના અગાઉના રૂ. 947 કરોડના પેકેજમાં
પિયત અને બિન પિયત માટે એક સમાન ધોરણે સહાય આપવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે સરકારને
રૂ. 947 કરોડ ઉપરાંત વધારાનો રૂ. 190 કરોડનો ખર્ચ થશે એટલે કે પ્રથમ પેકેજ રૂ. 947
કરોડને બદલે હવે, પ્રથમ રાહત પેકેજ રુ. 1137 કરોડનું થશે. જેની સહાય માટે ફોર્મ પણ
ભરાવાની શરુઆત થઈ ચૂકી છે. જ્યારે સરકારે બીજું રાહત પેકજ રૂ. 10,000 કરોડનું જાહેર
કર્યું છે, આમ આ બંને પેકેજ દ્વારા સરકાર ખેડૂતોને કુલ રૂ. 11,137 કરોડ ચૂકવશે.