• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

દિલ્હી કાર બ્લાસ્ટ આતંકવાદી હુમલો : સરકાર

- કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પ્રસ્તાવ પસાર, બ્લાસ્ટને ‘રાષ્ટ્ર-વિરોધી તાકાતોએ અંજામ આપેલું જઘન્ય કૃત્ય’ ગણાવ્યું : પીએમએ બોલાવી સુરક્ષા સમિતિની બેઠક, ઓપરેશન સિંદૂર 2.0ની ચર્ચા શરૂ :  પહલગામ હુમલા બાદ પહેલી વખત મળી સીસીએસ બેઠક

નવી દિલ્હી, તા. 12 : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે થયેલા કાર વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે અને સતત તપાસ ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટની સુરક્ષા મામલાની સમિતિ (સીસીએસ)ની બેઠક બોલાવી છે. પીએમ ભુતાન પ્રવાસેથી પરત ફર્યા બાદ દિલ્હીની હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને મળ્યા હતા. આ મુલાકાત પછી સીસીએસની બેઠક શરૂ કરવામાં આવી હતી. બેઠકની અધ્યક્ષતા પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્હી વિસ્ફોટની તપાસની સ્થિતિ ઉપર ચર્ચા થઈ હતી અને આગળના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે દિલ્હી કાર બ્લાસ્ટને આતંકવાદી હુમલો માન્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ મુદ્દે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રસ્તાવ વાંચતા કહ્યું હતું કે મંત્રીમંડળે આતંકી ઘટનાને રાષ્ટ્ર-વિરોધી તાકાતોએ              

અંજામ આપેલું જઘન્ય કૃત્ય ગણાવ્યું છે. તપાસ એજન્સીઓને કાર્યવાહીનો નિર્દેશ અપાયો છે. સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સ નીતિ છે. બીજી તરફ સીસીએસની બેઠક બાદ ઓપરેશન સિંદૂર 2.0ની પણ ચર્ચા શરૂ થઈ છે કારણ કે સરકાર અગાઉ જ સ્પષ્ટ કહી ચૂકી છે કે કોઈપણ આતંકવાદી હુમલાને એક્ટ ઓફ વોર માનવામાં આવશે.

ઓપરેશન સિંદૂર અને પીએમ મોદીના રાષ્ટ્રજોગ સંબોધન બાદ સીસીએસની આ પહેલી બેઠક મળી હતી. આ પહેલા 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પણ કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટીની બેઠક થઈ હતી. જેના અમુક દિવસ બાદ ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાન ઉપર ડિપ્લોમેટિક પ્રહાર કર્યો હતો.

તેવામાં ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે કે શું સરકાર ઓપરેશન સિંદૂર 2.0 શરૂ કરશે કારણ કે સરકાર પહેલા જ કહી ચૂકી છે કે ઓપરેશન સિંદૂર કયારેય ખતમ થયું નથી અને જો પાકિસ્તાન તરફથી કોઈપણ સાજીશ રચવામાં આવશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. સરકાર એમ પણ કહી ચૂકી છે કે ભવિષ્યમાં થનારા કોઈપણ આતંકવાદી હુમલાને એક્ટ ઓફ વોર માનવામાં આવશે. આ માટે સંભાવના વધી છે કે ભારત ફરી એક વખત પાકિસ્તાન સ્થિત આતંકવાદી છાવણીઓને નષ્ટ કરવા અથવા તો તેના ઉપર કઠોર કાર્યવાહી કરી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક