• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

હાઇ-એલર્ટ: જિલ્લાની સરહદો સીલ, સોમનાથ-દ્વારકા-અંબાજીની સુરક્ષા વધારાઇ

રેલવે, એસ.ટી.બસ સ્ટેશનો, એરપોર્ટ ઉપર સઘન ચેકિંગ : દરિયા કાંઠાનાં વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત સાથે બાજ નજર : ધાર્મિક સ્થળોમાં યાત્રિકોની પણ ચકાસણી

ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ કોડ દ્વારા તપાસ: હાઈ-વે પર સતત પેટ્રાલિંગ

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.11: દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનાને પગલે ગુજરાતમાં પોલીસ એલર્ટ થઇ છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સુરક્ષા તંત્ર સાબદુ બન્યું છે. પ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકા, સોમનાથ, અંબાજી સહિતના મોટા મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ જિલ્લાઓમાં હાઇવેથી માંડી હોટલો સુધી સઘન ચેકિંગ શરૂ કરાયું છે. તો મંદિરોની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. રેલવે-એસ.ટી. એરપોર્ટ જેવા સ્થળો ઉપર પણ કડક સુરક્ષા વ્યવસ્થા સાથે સઘન પેટ્રાલિંગ શરૂ કરી દેવાયું છે. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી ગુજરાત-રાજસ્થાનને જોડતી તમામ મુખ્ય ચેકપોસ્ટ્સ પર સઘન ચાકિંગ શરૂ કરી દેવાયું છે. અમીરગઢ, ગુંદરી, ખોડા, વાતડાઉ અને માવસરી ચેકપોસ્ટ પર પોલીસનું કડક ચાકિંગ ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરમાં પ્રવેશવાના રસ્તા પર નાકાબંધી કરવામાં આવી છે. વડોદરા એક્સપ્રેસ વે પર રામોલ પોલીસ દ્વારા ચાકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 

જામનગર : દિલ્હીમાં ગઈકાલે થયેલા બોમ્બ બ્લાસ્ટના પગલે જામનગરના વાઈટલ ઈન્સ્ટોલેશન ઉપરાંત બંદર, જેટી, રેલવે સ્ટેશન, બસ ડેપો સહિતના જાહેર સ્થળો તેમજ હોટલ, ગેસ્ટહાઉસ અને ધાર્મિક સ્થળોએ બોમ્બ સ્કવોડ તેમજ ડોગ સ્કવોડને સાથે રાખી સઘન ચકાસણી કરવામાં આવી હતી. તમામ પોલીસની ચેકપોસ્ટ પર વાહનો ચેક કરવામાં આવ્યા હતા.

અમરેલી : જિલ્લામાં ગઇકાલ મોડી રાતથી પોલીસ વડાની સૂચના હેઠળ જિલ્લાના દરિયાકાંઠાના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. જિલ્લામાંથી પસાર થતાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પીપાવાવ મરીન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પસાર થતાં તમામ વાહનની ચાકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોરબંદર : દરિયાઇપટ્ટી પરના પોરબંદર જિલ્લામાં પણ પોલીસે સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. માધવપુર, બગવદર, નવીનબંદર, ગોસા ચેકપોસ્ટ, રાણાવાવ-કુતિયાણા હાઇવે સહિતના વિસ્તારોમાં પોલીસે વાહનચેકિંગ હાથ ધર્યું હતું. તેમજ દરિયાઇપટ્ટી પર ચુસ્ત બંદોબસ્ત સાથે દરિયાઇ સુરક્ષાને વધુ સઘન બનાવવામાં આવી છે. માધવપુર ખાતે સુરક્ષા એજન્સીઓની ત્રિસેવા કવાયત યોજાય તે પહેલા બનાવ બનતા અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે.

દ્વારકા, ખંભાળિયા: જિલ્લામાં 300 કિમી જેટલો અતિસંવેદનશીલ ગણાતો દરિયાકિનારો તેમજ પશ્ચિમ ક્ષેત્રનું મહત્ત્વનું ધાર્મિક સ્થળ દ્વારકાધીશ મંદિર સહિત બેટ દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ સહિતના તીર્થસ્થાનો આવેલા હોય તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતા દ્વારકાધીશ જગતમંદિરમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. ભાવિકોને જગતમંદિરમાં કોઈપણ સામાન લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. જિલ્લાના તમામ બંદરો - જેટીઓ, ચેકપોસ્ટ ઈત્યાદિ તમામ વ્યુહાત્મક મહત્ત્વના તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ગોમતી ઘાટ, જગતમંદિર આસપાસના યાત્રિકોની ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહયુ છ. બોટોનું પણ સઘન ચેકિંગ સુરક્ષા એજન્સીઓ તથા મરીન પોલીસ દ્વારા કરવામાં આવી રહયુ છે.

ભાવનગર: એસ.ઓ.જી., ક્વીક રિસ્પોન્સ ટીમ, ડોગ સ્કવોર્ડની ટીમો તેમજ થાણા અધિકારીની જુદી જુદી ટીમો દ્વારા સંવેદનશીલ વિસ્તારો, રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ ડેપો, હિમાલીયા મોલ, ડિ માર્ટ તેમજ અન્ય સ્થળો ઉપર સ્નિફર ડોગ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ રસ્તે જતા શંકાસ્પદ વાહન ચાલકોનું પણ સતત મોનિટરીંગ કરવામાં આવ્યું છે.

મોરબી: જિલ્લાના વિવિધ પોલીસ મથકો તેમજ એલસીબી અને એસઓજી ટીમોએ ચાકિંગ કર્યું હતું નિલ્લામાં આવેલી હોટેલમાં, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને જાહેર રોડ પર વાહન ચાકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

બોટાદ: જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિરે સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસ તંત્ર એલર્ટ મોડમાં રહી ગર્ભગૃહ આસપાસ તેમજ મંદિર પરિસરમાં આવનારા યાત્રાળુઓ અને તેમના સામાનની સઘન તપાસ કરી રહ્યું છે. સંવેદનશીલ સ્થળો પર પેટ્રાલિંગ વધારવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થાની ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.

સુરત: પોલીસ અધિકારો મોડી રાત સુધી સુરત શહેરના રોડ ઉપર ઉતરી આવી ઠેર ઠેર નાકાબંધી કરી વાહનોનુ ચાકિંગ કર્યું હતું. તેમજ મોડી રાત્રી સુધી ધમધમતી ખાણીપીણીની લારીઓ, હોટલ બંધ કરાવી દેવામાં આવી હતી. રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક