• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

રાતડી ગામે ખનીજ ચોરીના આઠ સ્થળે 18 ચકરડી સહિત 1 કરોડના સાધન સીઝ કરાયા

કોઈ ખનીજ ચોર ન મળી આવતા તંત્રએ રાબેતા મુજબની તપાસ હાથ ધરી

પોરબંદર, તા.12 : પોરબંદર નજીકના રાતડી ગામે ખનીજ ચોરી અંગેના દરોડામાં 8 લોકેશનમાંથી 18 ચકરડી સહિત એક કરોડથી વધુના સાધનો સીઝ થયા છે. કોઈ ખનીજ ચોરી અંગેનો ગુનો દાખલ થયો નથી.

રાતડી ગામે વહેલી સવારે આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જુદા જુદા લોકેશન પરથી ગેરકાયદે બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનન, વહનમાં ઉપયોગમાં લેવાતી મશીનરી જપ્ત કરવામાં આવી હતી. 8 લોકેશનમાં તપાસ દરમિયાન કુલ 18 ચકરડી મશીન તેમજ 1 જનરેટર મશીન, 5 ડમ્પર, 10 ટ્રેક્ટર, 1 લોડર મળીને 35 જેટલી મશીનરી જપ્ત કરાઈ છે.

તપાસ દરમિયાન કુલ 3 ડમ્પર ટ્રક વાહનના માલિક દ્વારા સ્થળ ઉપર દંડ ભરપાઈ કરવા સહમત હોવાથી ઓનલાઇન દંડ ભરપાઈ કરાવાયો છે. અન્ય મશીનરી સીઝ કરીને ગેરકાયદે ખનન કરનાર શખસો, મશીન માલિકો સામે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીઝ કરેલા મુદ્દામાલની કિંમત આશરે 1 કરોડ આંકવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક