• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

દિલ્હી વિસ્ફોટના તાર તુર્કી સાથે ?

આતંકવાદી ઉમર અને મુઝમ્મિલ પાસેથી મળ્યા તુર્કીની યાત્રાના પુરાવા : આતંકી ટેલીગ્રામ ગ્રુપમાં જોડાયા બાદ યાત્રા કરી

નવી દિલ્હી, તા. 12 : દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટના તાર હવે તુર્કી સાથે જોડાઈ રહ્યા છે. અહેવાલ અનુસાર ડો. મોહમ્મદ ઉમર અને ડો. મુઝમ્મિલ શકીલના પાસપોર્ટમાંથી તુર્કી યાત્રાની જાણકારી મળી છે. જો કે પોલીસ અને એજન્સીઓ તરફથી આ મામલે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

સૂત્રો અનુસાર તપાસકર્તા દિલ્હી ધડાકાના સંભવિત તુર્કી કનેક્શનની તપાસ કરી રહ્યા છે. ઉમર અને મુઝમ્મિલ અમુક ટેલીગ્રામ ગ્રુપમાં જોડાયા બાદ તુર્કી ગયા હતા. જ્યારે એક હેંડલરે પુરા ભારતમાં ડોક્ટર મોડયુલ ફેલાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ દરમિયાન ટાર્ગેટનું લોકેશન સોંપવામાં આવ્યું હતું. જેમાં ફરીદાબાદ અને સહારનપુર સામેલ હતા.  તપાસમાં બે ટેલીગ્રામ ચેનલની માહિતી સામે આવી છે. જેના મારફતે ડોક્ટર મોડયુલ તૈયાર થયું હતું. રિપોર્ટ અનુસાર એક ગ્રુપને જૈશ એ મોહમ્મદનો ઓપરેટિવ ઉમર બિન ખતબ પાકિસ્તાનથી ચલાવે છે. જો કે આ મામલે હજી સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.  આતંકી ડોક્ટર મોડયુલમાં ઝડપાયેલા ડો. મુઝમ્મિલે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં લાલ કિલ્લાની ઘણી વખત મુલાકાત કરી હતી. આ રેકી 26 જાન્યુઆરીના ઐતિહાસિક સ્મારકને નિશાન બનાવવા થઈ હતી પણ ત્યારે ચાંપતા પેટ્રોલિંગના કારણે સફળતા મળી નહોતી.

ઇ-પેપરના નવા શુલ્ક