મગફળીના પાથરા ખેતરમાં જ પલળી ગયા : કપાસ, સોયાબીન, ડાંગર, ચીકુ અને તલ સહિતના પાકને ભારે નુકસાન
પશુઓ
માટેનો સૂકો ઘાસચારો પણ પલળી જતાં નકામો બની ગયો
માંડ
બેઠા થયેલા ખેડૂતો લાભ પાંચમના શુભ દિવસોમાં ફરી માવઠાના મારથી આર્થિક રીતે તબાહ થયા
(ફૂલછાબ
ન્યૂઝ)
રાજકોટ
તા.27 : રાજ્યમાં વિદાય લેવાના આરે ફરી એકવાર મેઘરાજાએ ધડબડાટી બોલાવતા કારતક મહિનામાં
અષાઢી માહોલ છવાયો છે. સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં
કમોસમી વરસાદ વરસ્યો હતો. આ કમોસમી માવઠાને કારણે ખેડૂતોને બેવડી આફતનો સામનો કરવો
પડ્યો છે, કારણ કે એક તરફ શિયાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ કપાસ, મગફળી
અને અન્ય પાકોની લણણી ચાલી રહી છે. વરસાદને કારણે મગફળીના પાથરા ખેતરમાં જ પલળી ગયા,
જેના કારણે પાક સડી જવાનો ખતરો ઊભો થયો છે. કપાસ, સોયાબીન, ડાંગર, ચીકુ અને તલ સહિતના
પાકોને ભારે નુકસાન થયું છે. ખેતરમાં રાખવામાં આવેલો પશુઓનો સૂકો ઘાસચારો પણ પલળી જતાં
નકામો બની ગયો છે.
અૉગસ્ટ-સપ્ટેમ્બરના
વરસાદથી માંડ બેઠા થયેલા ખેડૂતો લાભ પાંચમના શુભ દિવસોમાં ફરી માવઠાના મારથી આર્થિક
રીતે તબાહ થયા છે. ઉમરાળા પંથકમાં કપાસ, બાજરો, તલ, જુવાર, શાકભાજી, ઘાસચારો વગેરે
પાકને નૂકશાન થયું છે. ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કપાસના ઉતારા, સિંગના પાથરા
અને પાલો મોટા પ્રમાણમાં ખુલ્લી જગ્યામાં પડયો હોવાથી બચાવવા ખેડૂતો અને મજુરોમાં દોડધામ
મચી ગઈ હતી. સુત્રાપાડા તાલુકાના પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ગોઠણડૂબ
પાણી ભરાઈ જતાં મગફળીના પાથરા અને સોયાબીનના ઉભા પાકને ભારે નુકશાન થયું છે. પાલીતાણા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં કપાસ અને
મગફળીના પાકને ભારે નુકશાન થયું છે. યાર્ડના ચેરમેન વાઘાણીએ તત્કાલ સર્વે કરાવીને સહાય
ચુકવવા મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી છે.
માળીયાહાટીના
તાલુકામાં માવઠાને કારણે લગભગ 50 ટકાથી વધુ ખેડૂતોને નુકસાન થયું છે. આ વિસ્તારમાં
મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકશાન થયું છે તો પશુઓ માટેનો ચારો પણ સંપૂર્ણ બરબાદ
થઈ ગયો છે. હવે ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને તાત્કાલિક સહાય ચુકવવા ધારાસભ્ય અને સાંસદ
દ્વારા સરકારમાં રજૂઆત કરી છે. લોઢવા ગામ સહિત વિસ્તારમાં મગફળી અને સોયાબીનનું પુષ્કળ
વાવેતર થયું હતું, ખેડૂતોએ પાક લણીને પાથરા ખેતરોમાં પડયા હતા ત્યાં કમોસમી વરસાદ ખાબકતા
વ્યાપક નુકશાન જગતાતને થયું છે અને માલઢોર માટેનો ઘાસચારો પણ બગડી ગયો હોવાથી સરકાર
દ્વારા ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તેવી માગ સરપંચ અજાઈબેન દ્વારા કરાઈ છે.
મેંદરડા
પંથકમાં પણ મગફળી અને સોયાબીનના પાક અને પશુઓ માટેનો ઘાસચારો બચાવવા દોડધામ કરી હતી,
પરંતુ ટ્રેક્ટર જેવા વાહનો પણ ચાલી ન શકતા નુકશાન ભોગવવું પડયું છે. તળાજા પંથકમાં
સતત વરસાદને કારણે કપાસ, મગફળી, તરબૂચ, ટેટી, મરચા તથા વેલાવાળા પાકોને ભારે નુકસાન
થયું છે. બીજી તરફ જમીન ભીની જ રહેતા ફુગ અને વાયરસ જન્ય રોગ ફેલાવાના કારણે આગામી
સીઝનની ખેત જણસીઓને પણ નુકશાન વેઠવું પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં
મગફળી, સોયાબીન, અડદ સહિતના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, સરકાર હવે તાત્કાલીક સર્વે
કરાવીને સહાય નહીં ચુકવે તો જિલ્લા કોંગ્રેસ દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવી
ચીમકી આપી છે.
દેવભૂમિ
દ્વારકા જિલ્લામાં અનેક ખેતરમાં મગફળીના પાકના કાલરા પડયા હતા ત્યારે જ વરસાદ પડતા
પાક બગડી ગયો છે અને નુકશાન થયું છે. સલાયામાં મગફળી તેમજ અન્ય પાકના ખેતરોમાં પડેલા
પાથરા વરસાદમાં ધોવાઈ ગયા હતા. સાવરકુંડલા, ડેડાણ, સુત્રાપાડા પંથકમાં પણ કપાસ અને
પશુઓ માટેનો ઘાસચારો નાશ પામ્યો છે. જેસરમાં 12 કલાકમાં 5 ઈંચ વરસાદ પડતા કપાસ, મગફળી,
બાજરી, ચણા, તલ જેવા પાકને ભારે નુકશાન થયું છે. ડોળાસા વિસ્તારમાં મગફળી અને સોયાબીનનો
તૈયાર પાક ખેતરોમાં પડયા હતા ત્યાં ધોધમાર વરસાદ ખાબકતા આખા વર્ષની મહેનત ઉપર પાણી
ફરી વળ્યું છે.
અમરેલી
જિલ્લાના ખાંભા શહેર અને ગીર પંથકમા ખેડૂતો માટે બરબાદીનો વરસાદ હોય તેવું કહેવાઈ રહ્યું
છે. મગફળી, કપાસ અને અન્ય પાક પાણીમાં તળબોળ થઈ જતાં બેહાલ ખેડૂતો સરકાર પાસે સહાયની
માગ કરી રહ્યાં છે. સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર
પટેલ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને વરસાદ રોકાયા બાદ સૌરાષ્ટ્રમાં તાત્કાલીક
સર્વે કરાવીને યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી રજૂઆત કરી છે. કોડીનાર પંથકના ખેડૂતોનો
પાક સંપૂર્ણ નષ્ટ થઈ જતાં હવે સરકાર પાસેથી સહાયની આશાએ બેઠા છે અને સમયસર સહાય ન ચુકવાય
તો ખેડૂતોને આપઘાત કરવાની ફરજ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી તાત્કાલીક
સર્વે કરાવીને સહાય પેકેજ જાહેર કરવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ વાજાએ મુખ્યમંત્રી અને
કૃષિમંત્રીને પત્ર પાઠવ્યો છે.
વલ્લભીપુર
તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માવઠાને કારણે પાકને વ્યાપક નુકશાન થયું છે. તંત્રની બેદરકારીને
કારણે અનેક રસ્તાઓ બંધ થઈ જતા ખેડૂતો ખેતરેથી પોતાની જણસી બચાવીને ઘરે લાવવામાં પણ
નિષ્ફળ ગયા હતા. તળાજા પંથકમાં કપાસ, મગફળી, શાકભાજી અને પશુઓ માટેનો ઘાસચારો પલળી
ગયા છે. બોટાદ, ગઢડા, રાણપુર, બારવાળા અને ધારાધર તાલુકાના અનેક વિસ્તારોમાં ખેતરોમાં
પાણી ભરાઈ જવાથી કપાસ, મગફળી, તુવેર સહિતના પાકને વ્યાપક નુકશાન થયું છે. જો સરકાર
તાત્કાલીક રાહતના પગલા નહી લે તો ખેડૂતોની અશાંતિ ઉગ્રસ્વરૂપ ધારણ કરશે તેવી ચેતવણી
ભારતીય કિસાન સંઘે આપી છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસે પણ સર્વે કરાવીને તાત્કાલિક સહાય
ચુકવવા મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. ભાવનગર જિલ્લામાં કપાસ, ડુંગળી, જુવાર બાજરી,
કેળ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
રાજુલામાં
નદી પાસેના રસ્તાની બાજુની દીવાલ તૂટતા મોટો ભાગ ધોવાઈ ગયો
રાજુલા
તાલુકાના રાભડા-કણકોટને જોડતા માર્ગ પર રામતલિયુ નદીની નજીક રસ્તાની બાજુમાં આવેલી
એક દીવાલ અચાનક તૂટી પડવાથી આ રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો. જેના કારણે વાહનવ્યવહાર
માટે ગંભીર જોખમ ઊભું થયું હતું. આ બાબતની જાણ થતા ડુંગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ
તાત્કાલિક પગલાં લીધા હતા અને હોમગાર્ડ જવાનોને ઘટનાસ્થળે બંદોબસ્ત માટે મોકલી આપ્યા
છે અને વાહન વ્યવહારને સુરક્ષિત રીતે નિયંત્રિત કર્યો હતો. ભાવનગરના ઘોઘા જકાતનાકા
રોડ ગાયત્રીનગર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં એક મકાનની બાલ્કની અચાનક ધરાશાયી થઈ હતી.
જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
દક્ષિણ
ગુજરાતમાં ડાંગરના પાકને મોટુ નુકસાન : શેરડીનું
પિલાણ પંદર દિવસ મોડું
મેઘરાજાએ
ફરી એક વખત પોતાના રૌદ્ર રૂપના દર્શન લોકોને કરાવ્યા છે. ભારે માત્રામાં કમોસમી વરસાદ
પડતા જગતના તાતની ચિંતા વધી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે ખેડૂતો શેરડી
અને ડાંગરનો પાક લે છે. આ ઉપરાંત ચીકુ, આંબા સહિતના ફળો અને શાકભાજીની ખેતી પણ અહીં
થાય છે. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેતપેદાશને ફટકો પહોંચ્યો છે. ભારે પવનને કારણે
કેરી બજારમાં આવે તે પહેલાં જ ખરી પડી હતી. કેરીમાં મોટો બગાડ બાદ ચીકુ પણ ખેડૂતોને
બગાડ સહન કરવો પડયો હતો. ખેડૂતો હજુ તો આ નુકશાનીના આઘાતમાં બહાર આવે તે પહેલાં જ ચોમાસું
ડાંગરના જથ્થાને કમોસમી વરસાદે ભારે નુકશાન પહોંચાડયું છે. પલળેલા ડાંગરને સુકાવવા
માટે મોટા જથ્થાને રોડ પર જ ઠાલવવામાં આવે છે. એકાએક વરસાદ આવી પડતાં સુકવેલા જથ્થા
પર તાલપત્રી સુકવવાનો સમય પણ ખેડૂતોને મળ્યો ન હતો. મોટી માત્રામાં ડાંગરનો જથ્થો પલળી
ગયો હતો. ડાંગરની માફક શેરડી પકવતા ખેડૂતોની પણ હાલત બગડી છે. સામાન્ય રીતે દિવાળી
બાદથી શેરડી પિલાણનું કામકાજ શરૂ થઈ જતું હોય છે. મોટાભાગને ફેક્ટરીઓમાં લાભપાંચમથી
મુહૂર્ત થતા હોય છે પરંતુ ભારે વરસાદ બાદ શેરડીની કાપણી અને પિલાણ હવે પંદર દિવસ પાછુ
ઠેલાયું છે. વલસાડ અને નવસારી જિલ્લામાં ખેડૂતો ડાંગર, શેરડી, ચીકુ, કેરીની ખેતી ઉપરાંત
તુવેર, તલ, જુવાર, ચણા, મકાઈ ઉપરાંત વિવિધ શાકભાજી પાકની ખેતી કરે છે. ઘણા ખેડૂતોએ
તૈયાર પાકને કાપીને ખેતરના શેઢે કે મથાળે રાખ્યો હતો તે ભારે વરસાદમાં પલળી ગયો છે.
સતત ભેજ અને ચીકણાશને કારણે ખેડૂતો નવા પાકની વાવણી કરવા અસમર્થ જણાયો છે.