પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો
સુરત,
તા.ર7: સુરતના વરાછા વિસ્તારમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરનાર કર્મચારીએ કંપનીના
ડેટા ચોરી લઈ મહિલા કર્મચારીનો બિભત્સ વિડીયો ઉતારીને કંપનીને બદનામ કરવાની ધમકી આપી
રૂ.60 લાખ પડાવી લીધા બાદ પણ વિડીયો તથા ડેટા પરત આપવાને બદલે રૂ.1.ર0 કરોડની માંગણી
કરી હતી તેમજ મહિલા કર્મચારીને સંબંધ રાખવા દબાણ કરી તેણીના પતિને જાનથી મારી નાખવાની
ધમકી આપતા આખરે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને
ઝડપી પાડયો છે.
સૂત્રો
પાસેથી મળતી માહિતી મુજબ, પાંડેસરા બાટલીબોય પાસે શ્રી કોલોનીમાં રહેતો રાહુલ જગદીશ
રગડે વરાછા ખાતે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી દરમિયાન ગ્રાહકોનો ડેટા લઈ ઓફિસની મહિલા
કર્મચારીનો બિભત્સ વિડીયો ઉતારી લઈ વાયરલ કરવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીને ધંધો
બદનામ કરવાની તથા તેણીના પતિને જાનથી મારવાની ધમકી પણ આપી હતી અને ટુકડે રૂપિયા 60
લાખ લઈ લીધા બાદ પણ વિડીયો અને ડેટા પરત નહી આપી વધુ રૂપિયાની માંગણી શરૂ કરી દીધી
હતી. તેણે મહિલા કર્મચારી વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવાનું અને સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ
પર અશ્લીલ રીલ મોકલવાનું શરૂ કર્યુ હતું. આ ઉપરાંત, મહિલા કર્મચારીને અંગત બાબતો કહીને
રિલેશનશીપ રાખવા માટે દબાણ કર્યુ હતું અને ધમકી આપી હતી. જેથી આરોપીએ માલિક પાસે વીડિયો
વાયરલ ન કરવા અને ડેટા મેઈલ ન કરવાના બહાને વધુ રૂ.1.ર0 કરોડની માંગણી કરી ધમકી આપી
હતી. જેથી આખરે સતત ધમકીઓથી કંટાળીને ફરિયાદીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રાહુલ રગડેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.