મહુવા 11.5, રાજુલા 10, ડોળાસા-સિહોર 6.5, જેસર 5, લીલીયા-તળાજા 4.5, વલભીપુર-ઉના-ગીર ગઢડા-પાલીતાણા 4, ખાંભા-જાફરાબાદ-ભાવનગર-ગારીયાધાર 3.5 ઇંચ
મગફળી,
સોયાબીનનો પાક પલળી ગયો અને ડુંગળી, કપાસ,
તુવેરના પાકને ભારે નુકસાન
શેત્રુંજી
ડેમના 20 દરવાજા ખોલાયા : ધાતરવડી-2, શિંગોડા, રાયડી, મચ્છુ-3 ડેમ ઓવર ફલો
મહુવા,
અમરેલીના ઘણા ગામડામાં પાણી ઘૂસ્યા : રાજુલાના કોઝવે પર બોલેરો તણાઇ, રંડોળા ગામે તણાયેલા
બે લોકોનું રેસ્કયૂ
રાજકોટ
તા.27: અરબસાગરમાં સર્જાયેલા ડીપ્રેશનના કારણે રાજ્યમાં પાંચ દિવસ અલગ અલગ જિલ્લાઓમાં
ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારથી શરૂ થયેલી મેઘકહેર આજે સતત
બીજા દિવસે પણ યથાવત્ છે. સૌરાષ્ટ્રમાં વરસેલા વરસાદે લોકોને કારતક મહિનામાં અષાઢની
યાદ અપાવી દીધી છે. જાણે કે ખેડૂતો પર આભ ફાટયું હોય અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો
છીનવાયો હોય એમ તૈયાર મગફળી અને સોયાબીનનો પાક પલળી ગયો છે. તો આજે મહુવા 11.5, રાજુલા
10, ડોળાસા-સિહોર 6.5, જેસર 5, લીલીયા-તળાજા 4.5, વલભીપુર-ઉના-ગીર ગઢડા-પાલીતાણા 4,
ખાંભા-જાફરાબાદ-ભાવનગર-ગારીયાધાર 3.5, ઉમરાળા-સાવરકુંડલા- કોડીનાર 3, લોઢવા-જોડિયા
2, મોરબી-ટંકારામા 1 ઇંચ સહિત 204 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે શિયાળામાં
નદી-નાળામાં પૂર આવતા ડેમ છલકાયા હતા. શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતાં 20 દરવાજા
એક ફૂટ ખોલી પાણી છોડાયું છે.
ભાવનગર:શહેર
અને સમગ્ર જિલ્લામાં છેલ્લા 36 કલાક દરમિયાન પોણા ઇંચથી સાડા અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના મહુવામાં 11.5 ઇંચ,
સિહોરમાં 6.5 ઈચ, ભાવનગર શહેરમાં 3.5 ઇંચ, પાલીતાણામાં 4 ઇંચ, જેસરમાં 5.1 ઇંચ, ગારીયાધારમાં
3.5 ઇંચ, તળાજા માં 4.5, ઉમરાળામાં 5 ઇંચ અને
વલભીપુરમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. હજુ પણ જિલ્લામાં
ત્રણ દિવસ વરસાદની આગાહી છે. મહુવામાં અને ભાવનગર શહેરમાં રવિવારની રાત્રે ધોધમાર વરસાદ
તૂટી પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. આજે સોમવારની
સવારથી સાંજના છ વાગ્યા સુધી પણ મહુવા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
તોફાની પવન સાથે જિલ્લાભરમાં વરસાદ પડ્યો છે. હજુ પણ ભાવનગર જિલ્લામાં ત્રણ દિવસ વરસાદની
આગાહી છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેધતાંડને કારણે રસ્તામાં ગાબડા પડયા
છે અનેક રસ્તાઓ ધોવાયા છે. શહેરના ઘોઘા જકાતનાકા રોડ ગાયત્રીનગર લક્ષ્મીનારાયણ સોસાયટી
બ્લોક નંબર પાંચમાં મકાનની બાલકની અચાનક જ ધરાશાય થઇ હતી જોકે સદનસીબે કોઈ જાનહાનિ
થઈ નથી. બોરતળાવ પાસેના ધોબી ઘાટના નાળા માં પાણી ભરાયા હતા. કાળિયાબીડ વિસ્તારમાં
પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદના કારણે માલણ નદીના પાણી મહુવા શહેરમાં
ઘૂસી ગયા છે. મહુવામાં ઠેર પાણી જ દેખાય છે. લોકો પરેશાન થયા છે. જિલ્લાની જીવાદોરી
સમાન શેત્રુજી ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે.
રાજુલા:
સતત બે દિવસથી વરસાદ વરસી રહયો છે અને આજે તો જાણે ચોમાસું બેઠું હોય એમ 10 ઇંચ ધોધમાર
વરસાદ વરસતા નદી-નાળા છલકાયા હતા અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે
ધાતરવડી-2 ડેમના 19 દરવાજા ખોલવામાં લ્વ્યા હતા. જયારે ખાખબાઇ ગામમમાં ચારેબાજુ પાણી
ભરાતા સંપર્ક વિહોણું બન્યું હતું. નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોની મદદ માટે ધારાસભ્ય
હીરા સોલંકી, મરીન પોલીસ સ્ટાફ સહિતના લોકો પહોચ્યા હતા. તાલુકાના રામપરા જવાના કોઝવે
પર પૂરના પ્રવાહમાં દૂધના કેન ભરેલી બોલેરો તણાઇ હતી. લોકોએ દોરડા વડે મહામહેનતે ડ્રાઇવરને
બચાવી લીધો હતો.
ઉમરાળા:
પંથકના ખેડૂતો પર આફતરુપી સતત વરસાદ વરસી રહ્યો છે. અહીં લાભપાંચમની સાંજથી ધીમો પણ
સતત વરસાદ વરસતા 3 ઇંચ નોંધાયો છે.
ધોરાજી:
સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી
વહેતા થયા હતા.
ડોળાસા:
ડોળાસા વિસ્તારમાં આજે પણ 166 મી.મી.(સાડા છ ઇંચ) વરસાદ થયો છે. તા.26/10 ના રોજ
108 મી.મી.વરસાદ થયો હતો. આમ છેલ્લા બે દિવસમાં અગિયાર ઈંચ વરસાદ થયો છે.
જેસર:
તાલુકામાં પડેલા અવિરત વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. જેસર
પંથકમાં છેલ્લા 12 કલાકમાં 130 એમ એમ એટલે કે પાંચ ઈંચ જેટલું પાણી વરસાવી દીધું હતું.
અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેસરથી પાલીતાણાનો વાહન વ્યવહાર ત્રણ કલાક સુધી બંધ
થઈ ગયો હતો.
લોઢવા:
ગત રાત્રીથી આજ સાંજ સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
ડેડાણ:
રવિવારની આખી રાત વરસાદ વરસ્યો હતો. ડેડાણ સહિતના આજુબાજુના ગામમાં પાંચ ઇંચ જેટલો
વરસાદ વરસ્યો હતો.
સાવરકુંડલા:
શહેર અને તાલુકામાં રવિવારની આખી રાત વરસાદ વરસ્યો હતો. 3 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ
પર પાણી ફરી વળ્યા હતા.
વલભીપુર
: વરસાદના કારણે વલભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાં અનેક લોકોને ભારે નુકસાન
થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. વલભીપુરના પચ્છેગામ ખાતેના પચ્છેગામ-હળિયાદ વચ્ચેના
નાળા તૂટી ગયા હોય તેવા પણ સૂત્રો પાસેથી અહેવાલ મળ્યા છે. ગત રાત્રીથી અત્યાર સુધીમાં
4 ઇંચ વરસાદ વરસ્યો છે.
કોડિનાર:
શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં 3 દિવસથી અવિરત વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું છે.
24 કલાકમાં કોડીનાર શહેરમાં 5 ઇંચ વરસાદ સાથે મોસમનો 1005.મીમી. વરસાદ નોંધાયો છે તેમજ
શિંગોડા ડેમ ઓવર ફલો થતા હાલ 2 દરવાજા 0.15.મી. ખોલવામાં આવ્યા છે.
જોડિયા:
છેલ્લા 24 કલાકથી વરસાદી વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આજે તો દોઢ કલાકમાં
બે ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
સુરત:
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે. આજે પણ છૂટાછવાયા સ્થળે
ઝાપટા વરસ્યા હતા.
દીવ:
બે દિવસથી વરસાદ વરસી રહ્યો હોવાથી અનેક વિસ્તારમાં પાણીનો નિકાલ ન હોવાથી લોકોને મુશ્કેલી
પડી હતી. જેના કારણે એડીએમ વિવેકકુમાર રસ્તા પર ઉતર્યા હતા અને તાત્કાલિક પાણીના નિકાલની
વ્યવસ્થા કરી હતી.
અમરેલી
: જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી કમોસમી શરૂ થયો છે. ત્યારે લીલીયા શહેર સહિત આસપાસના
વિસ્તારમાં ગત મોડી રાત્રીથી ધોધમાર વરસાદ શરૂ થતા આજે વહેલી સવાર સુધીમાં ત્રણથી ચાર
ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ધોધમાર વરસાદથી લીલીયા શહેરની નાવલી નદીના વરસાદી પાણી શહેરની
મેઈન બજારમાં ઘૂસી જતા ગોઠણડૂબ પાણી ભરાય જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
હતો. જ્યારે ખારી નદીમાં વરસાદી પૂર આવ્યા હતા. રાયડી ડેમ ઓવરફલો થતા પાંચ દરવાજા ખોલવામાં
આવતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા.
તળાજા:
પાલીતાણા રહેવાસી અને રસોયા તરીકે કામ બે વ્યક્તિ બાઇક લઈ રજાવળ પુલ ઉપર પાણીનો પ્રવાહ
હોઇ પસાર થતા તણાઈ ગયા હતા. એ વ્યક્તિ માટે તળાજા અને પાલીતાણા ફાયર રેસ્ક્યૂ ટીમ દેવદૂત
સમાન સાબિત થઈ હતી.
મોરબી:
વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે વરસાદ વરસ્યો હતો. મોરબી અને ટંકારામાં એક ઇંચ જેટલો
વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી ભરાયા હતા. તેમજ મચ્છુ-3 ડેમનો એક દરાજો એક ઇંચ ખોલવામાં
આવ્યો હતો.
ગોંડલ:
ધીમીધારે વરસાદ વરસતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.