વેપાર સમજૂતી માટે સહમતી: 100 ટકા ટેરિફનો ખતરો ટળ્યો : ટ્રમ્પ-જિનપિંગની બેઠક પહેલા મોટી સફળતા
નવી
દિલ્હી, તા.27: અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજૂતીમાં સહમતી સધાઈ ગઈ છે. ચીન તરફથી
આની ઘોષણા કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, બન્ને દેશો વચ્ચે મોટાભાગનાં
મુદ્દે સહમતી થઈ ગઈ છે. ટ્રમ્પ પ્રશાસન તરફથી સ્કોટ બેસેંટે પણ આ સમજૂતી ઉપર પોતાનો
અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું કે, બે દિવસની બેઠક બાદ ચીન સાથે બહેતર ડીલ થઈ છે.
હવે બીજિંગ ઉપરથી 100 ટકા ટેરિફનો ખતરો ટળી ગયો છે.
બન્ને
દેશ વચ્ચે આ સહમતી ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત પહેલા જ સધાઈ છે. આ સહમતી માટે આસિયાન
શિખર સંમેલન દરમિયાન ચીનનાં નાયબ પ્રધાનમંત્રી હે લિફેંગ અને અમેરિકી નાણામંત્રી સ્કોટ
બેસેંટ અને વેપાર પ્રતિનિધિ જેમીસન વચ્ચે વેપાર સમજૂતી મુદ્દે ચર્ચા થઈ હતી. આ વાટાઘાટ
દરમિયાન બન્ને દેશો વચ્ચે ટેરિફ, નિકાસ નિયંત્રણ, કૃષિ ઉત્પાદનોનાં વેપાર અને ફેંટેનાઈલ
સંબંધિત પ્રવર્તન ઉપર સહયોગ સહિત અનેક મુદ્દે ચર્ચા થઈ હતી.
ચીનનાં
નાયબ વડાપ્રધાને કહ્યું હતું કે, બીજિંગ અને વોશિંગ્ટન વચ્ચે બહેતર આર્થિક સંબંધ જ
બન્ને દેશો માટે લાભદાયક છે. બન્ને દેશોનાં પરસ્પર સહયોગથી દુનિયાભરને લાભ થાય છે અને
ટકરાવથી નુકસાન થાય છે.
ચીનનાં
પ્રતિનિધિઓ સાથે સફળ બેઠક બાદ અમેરિકાનાં નાણામંત્રી સ્કોટ બેસેંટે કહ્યું હતું કે,
હવે ચીનનાં સામાન ઉપર 100 ટકા ટેરિફ લગાડવાની વાત સમાપ્ત થઈ ગઈ છે. હવે ટેરિફનો ખતરો
ટળી ગયો છે. આ ઉપરાંત વિશ્વનાં પુરવઠાની સાંકળ ઉપર ચીનનાં નિયંત્રણનો ખતરો પણ ઓસરી
ગયો છે.