સુપ્રીમ કોર્ટે તમામ કેસ સોંપવા વ્યક્ત કરેલી ઈચ્છા: રાજ્યો પાસેથી આવા કેસની વિગતો માગી
નવીદિલ્હી,તા.27:
દેશભરમાં સાયબર ઠગાઈ અને ડિજીટલ એરેસ્ટનાં કિસ્સાઓની ગંભીરતા ધ્યાને રાખતા સુપ્રીમ
કોર્ટે કહ્યું છે કે, તે આવા તમામ કેસો સીબીઆઈને સોંપી દેવા માગે છે. આનાં માટે સુપ્રીમ
કોર્ટે રાજ્યો અને કેન્દ્રીય પ્રદેશોને નોટિસ પણ જારી કરી હતી અને તેમનાં અધિકાર ક્ષેત્રમાં
નોંધાયેલી એફઆઈઆરની જાણકારીઓ પણ માગી હતી.
સુપ્રીમ
કોર્ટે સાયબર અપરાધ અને ડિજીટલ એરેસ્ટની તમામ એવી ઘટનાઓને ધ્યાને લીધી છે જેનાં ભેજાબાજો
વિદેશમાં સ્થિત હોય છે. કોર્ટે સીબીઆઈને આવી ઘટનાઓની તપાસ માટે આયોજન પણ તૈયાર કરવા
માટે કહ્યું છે. અદાલતે કહ્યું હતું કે, અમે સીબીઆઈ તપાસની પ્રગતિ ઉપર દેખરેખ રાખીશું
અને આવશ્યક દિશાનિર્દેશો પણ આપવામાં આવશે. આ સાથે જ અદાલતે સીબીઆઈને પણ પૂછ્યું હતું
કે, શું તેને ડિજીટલ એરેસ્ટની ઘટનાઓની તપાસ માટે પોલીસ સિવાય સાયબર તજજ્ઞો સહિત અન્ય
વિશેષ કોઈ સંસાધનોની આવશ્યકતા છે?
જસ્ટિસ
સૂર્યકાંત અને જસ્ટિસ જયમાલ્ય બાગચીની પીઠે આની સુનાવણી કરી હતી અને આ પહેલા 17મી ઓક્ટોબરે
સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ડિજીટલ એરેસ્ટ સંબંધિત ઘટનાઓની યોગ્ય
તપાસ માટે કેન્દ્ર અને રાજય સરકારોએ મળીને સંકલિત પ્રયાસો કરવા પડશે.