નવી દિલ્હી, તા. 27 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ઈન્ડિયા મેરિટાઈમ વીક 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શાહે કહ્યું હતું કે, ગ્રેટ નિકોબાર દ્વીપ વિકાસ પરિયોજના દેશના સમુદ્રી વ્યાપારમાં ખુબ વૃદ્ધિ કરશે. અંદાજીત પાંચ અબજ ડોલરની પરિયોજનાથી ભારતની સમુદ્રી કનેક્ટિવિટી અને રણનીતિક ક્ષમતા મજબૂત થશે. ભારત પાસે લોકતાંત્રિક સ્થિરતાની સાથે મજબૂત નૌસૈનિક ક્ષમતા છે. સાથે દેશ ઈન્ડો પેસિફિક ક્ષેત્ર અને ગ્લોબલ સાઉથ વચ્ચે સેતુની ભૂમિકા ભજવી રહ્યો છે. દેશની સમુદ્રી તાકાત અને બ્લુ ઈકોનોમી મજબૂત બનાવવા માટે મુંબઈમાં ઈન્ડિયા મેરિટાઈમ વીક 2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગોવાના સીએમ પ્રમોદ સાવંત વગેરે હાજર રહ્યા હતા.